Manoj Aachary: ધાર્મિક કથા : ભાગ 276
🙏🏻 મહાવીર સ્વામી જન્મ કલ્યાણક 🙏🏻
મહાવીર જન્મ કલ્યાણક (અથવા મહાવીર જયંતિ) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો, જે વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી ૨૯ માઈલ દૂર આવેલા ‘બેસધા પટ્ટી’ નજીક આવેલા કુંડલગ્રામમાં આવેલું છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલા દેવી હતું. એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી. આથી તેમને વર્ધમાન પણ કહે છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ધણી સારી ઘટનાઓ ઘટી હતી જેમકે વૃક્ષો આદિ પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું આદિ. રાણી ત્રિશલાને ૧૪ (શ્વેતાંબર મત પ્રમાણે ૧૪ અને દિગંબર મત પ્રમાણે ૧૬) શુભ સ્વપ્નો આવ્યાં હતાં જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિન્હ મનાય છે. જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને મેરુ પર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યારબાદ તેમની માતાને સોંપી દે છે. તેમનો જન્મ દિવસ મહાવીર જન્મકલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે. ત્રીસ વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય, પરિવાર અને ભૌતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને ૧૨ વર્ષ સંયમી જીવન ગાળ્યું.આ ૧૨ વર્ષ દરમ્યાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન અને આત્મ ચિંતનમાં ગાળ્યો. તેઓ માનવ, પ્રાણી અને વનસ્પતિ સહીત સર્વ જીવોની જતના કરતાં અને તેમને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખતાં. તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દરમિયાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતાનું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આધ્યાત્મીક સફરનો આ તેમનો સુવર્ણકાળ હતો, જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી. પાછલા વર્ષો મહાવીરે ભારતના લોકોને આત્મીક મુક્તિનો શાસ્વત સત્ય માર્ગ બતાવવામાં કર્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર ફરતાં. એક સમયે મહાવીર સ્વામીના ૩૭,૦૦૦,૦૦૦ અનુયાયીઓ હતાં. મહાવીરની દેશના અને જૈન તત્વજ્ઞાન સમજાવવા માટે કરેલા શ્રમને પરિણામ સ્વરૂપ જૈન ધર્મના ફેલાવાને બળ મળ્યું. ૭૨ વર્ષ અને સાડા ચાર માસની ઊંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે. આત્માની મુક્તિ માટે મહાવીરે ચાર વસ્તુ જરુરી ગણાવી હતી, સમ્યક દર્શન (સાચો વિશ્વાસ), સમ્યક જ્ઞાન (સાચું જ્ઞાન), સમ્યક ચરિત્ર (સાચી વર્તણૂક). આ સાથે પાંચ મહાવ્રતો પણ રહેલા છે.
અહિંસા – કોઈ પણ સજીવને કાંઈ પણ હાનિ ન પહોંચાડવી.
સત્ય – હમેંશા સત્ય બોલવું.
અસ્તેય – અયોગ્ય રીતે દેવાયલું કાંઈ ન લેવું.
બ્રહ્મચર્ય – મૈથુનીક આનંદ પ્રમોદથી દૂર રહેવું.
અપરિગ્રહ – ભૈતિક સામગ્રીઓના સંગ્રહથી પરહેજી. સાધુ અને સાધ્વીજીઓને કઠોરતાપૂર્વક આ નિયમો પાળવાના હોય છે જ્યારે અન્ય લોકો માટે તે શક્ય તેટલા પાળવાના હોય છે. જૈન ધર્મના સ્થાપક મહાવીરનો જન્મ એવા યુગમાં થયો હતો જ્યારે હિંસા, પશુબલિ, જાતિ ભેદભાવ ચરમસીમાએ હતો. તેમણે સત્ય અને અહિંસા જેવા વિશેષ ઉપદેશો દ્વારા વિશ્વને સાચો માર્ગ બતાવવાનો પ્રયાસ કર્યો. દરેક સ્તરના લોકો તેમનાં તરફ આકર્ષિત થયા હતા. અમીર – ગરીબ, સ્ત્રીઓ – પુરુષો, છૂત- અછૂત. તેમણે તેમના અનુયાયીઓને ચાર જૂથમાં વર્ગીકૃત કર્યાં. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ગોઠવણ ચતુર્વિધ સંધ તરીકે ઓળખાય છે. મહાવીરજીએ કોઈ ગ્રંથ નથી લખ્યો પણ તેમણે જે ઉપદેશ આપ્યો, ગણધરોમાં તેમનુ સંકલન થયું અને તે સંકલન જ શાસ્ત્ર બની ગયું. તેમાં કાળ, લોક, જીવ વગેરેના ભેદ-પ્રભેદોનુંએટલું વિશુદ્ધ અને સૂક્ષ્મ વિવેચન છે કે આ એક વિશ્વ કોષનો વિષય નથી પણ જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓ-પ્રશાખાઓના જુદા જુદા વિશ્વ કોષોનો સમાહાર છે. આજના ભૌતિક યુગમાં અશાંત જન માનસને ભગવાન મહાવીરની પવિત્ર વાણી જ પરમ સુખ અને શાંતિ પ્રદાન કરી શકે છે. ।। जय जिनेन्द्र ।।
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિદ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Manoj Aachary: ધાર્મિક કથા : ભાગ 277
આજે હનુમાન જન્મોત્સવ છે.
🕉️ 🛕 🚩 👏 🙇🏻♂️
હનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો. કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપે. વાલ્મિકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા. તે સુમેરૂ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની ઘોર તપસ્યા કરી અને ફળસ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો. હનુમાનજીને ભગવાન શિવના રુદ્રાવતાર માનવામાં આવે છે. એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યાં અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યાં. એ જ દિવસે રાહૂ પણ સૂર્યે પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠાં. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી પર વાગ્યું તેમજ હડપચી થોડી વાંકી થઇ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું. રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિપૂર્વક હાથ ધરવાની સમજદારી હતી, તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાંખી હતી. રામના કોઈ પણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપવા રામ હનુમાનને મોકલે છે. હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે. આ સંબંધમાં એક કથા એવી છે કે એક વાર માતા સીતાને હનુમાનજીએ સેંથામાં સિંદૂર લગાવતા જોયા. તેમણે માતાને પૂછ્યું – મા આ શું લગાવી રહ્યા છો? સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે. તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદૂર લગાવી લીધુ. એ જ રીતે તેલની પણ અલગ વાત છે. એકવાર શનિદેવ ગંધમાદન પર્વત તરફ તરફથી પસાર થયા. હનુમાનની ધ્યાનમગ્નતાને જોઈને એમને હનુમાનને ઈર્ષ્યા થવા લાગી. શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એણે વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું. એ પછી બે-ચાર પટકની આપીને દુર્દશાનો આનંદ પણ માણીશ. એમણે પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું. હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનિત સ્વરમાં કહ્યું – હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું, કૃપા કરીને મને મારું કામ કરવા દો. શનિદેવે કહ્યું કે વાનરરાજ મે દેવ-દાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે. તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો. મારી ભુજાઓ તમારા બળને જાણવા માટે ફડફડી રહી છે. હું તમને યુદ્ધ માટે લલકારું છું. શનિની ધૃષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા. એવા પકડ્યાં કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યાં. એટલામાં રામસેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યાં. પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને મોટામોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈ અથડાઈને લોહીલુહાણ થઇ ગયા. શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યાં ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કદી હેરાન નહી કરો. શનિદેવને અસહ્ય વેદના થઇ રહી હતી. તેમણે હનુમાન પાસે તેલ માંગ્યુ. એ દિવસે મંગળવાર હતો. તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચઢાવે છે તે સીધું શનિદેવને મળે છે અને પ્રસન્ન થઇને શનિદેવ આશીર્વાદ આપે છે. આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મળે છે.
🙏🏻 ।। जय बजरंगबली ।। 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
