જીવનચરિત્ર કથા : ભાગ 346
ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, શિક્ષણકાર અને પત્રકાર મગનભાઈ પ્રભુદાસ દેસાઈ (1899-1969) નો આજે 11 ઓક્ટોબરે જન્મદિવસ છે.
🌹*🌹
શિક્ષણનાં માધ્યમ તરીકે માતૃભાષા ગુજરાતીને સ્થાપવાના ચુસ્ત આગ્રહી, વિવેચક, અનુવાદક, સંપાદક અને શિક્ષકનો જન્મ પાટીદાર કુટુંબમાં ગામ ધર્મજ, જિ. ખેડા ખાતે થયો હતો. તેમના પિતા પ્રભુદાસ નડિયાદની મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. તેમની માતા હીરાબહેન (સૂરજબહેન) તથા પિતા ધાર્મિક વૃત્તિનાં હતાં. મગનભાઈને માતાપિતાની ધર્મભાવના વારસામાં મળી હતી. નાની વયે તેમનું લગ્ન ડાહીબહેન સાથે થયું હતું. મગનભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નડિયાદમાં લીધું. 1917માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં તે ત્રીજે સ્થાને હતા. તેઓ બી.એ.નો અભ્યાસ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં કરતા હતા તે દરમિયાન ગાંધીજીના પ્રભાવ હેઠળ બી.એ.ની પરીક્ષા આપતાં પહેલાં અભ્યાસ છોડીને 1921માં અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ત્યાંથી સ્નાતક થયા. મગનભાઈએ બોરસદ વિનયમંદિરમાં શિક્ષક તરીકે, ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં ગણિતના ફેલો તરીકે, સાબરમતી સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકે તથા 1928થી ગૂજરાત વિદ્યાપીઠમાં ગણિતના 1930માં સવિનય કાનૂનભંગની લડત વખતે મગનભાઈએ ખેડા, ભરૂચ અને સૂરત જિલ્લામાં લોકમત કેળવવાનું કામ કર્યું. જાન્યુઆરી 1932માં બ્રિટિશ સરકારે ગૂજરાત વિદ્યાપીઠને ગેરકાનૂની જાહેર કરી અને મગનભાઈને જેલમાં પૂર્યા. એક વર્ષ (જાન્યુઆરી 1935થી જાન્યુઆરી 1936) માટે જમનાલાલ બજાજની વિનંતીથી ગાંધીજીએ મગનભાઈને વર્ધા મહિલા આશ્રમના સંચાલન અને શિક્ષણ માટે મોકલ્યા હતા. 1936માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં પાછા આવ્યા અને ઑગસ્ટ 1937થી 1960 સુધી તેમણે ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે સેવાઓ આપી. ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોના પ્રચારાર્થે મગનભાઈએ ઑક્ટોબર, 1939માં ‘શિક્ષણ અને સાહિત્ય’ સામયિક શરૂ કર્યું. તેના તંત્રી તરીકે તે એપ્રિલ, 1961 સુધી રહ્યા. 1946થી 1953 સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બૉર્ડના પ્રમુખ રહ્યા હતા. 1946માં તેઓ નવજીવન ટ્રસ્ટના સભ્ય બન્યા. 1947માં ગુજરાત વિદ્યાપીઠમાં નવા સ્થપાયેલા મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય થયા. સ્વતંત્રતાપ્રાપ્તિ પછી મગનભાઈએ ગાંધીવાદી મૂલ્યોને અનુલક્ષીને શિક્ષણ, ગૃહઉદ્યોગો, દારૂબંધી વગેરે ક્ષેત્રે ઝુંબેશ ચલાવી. પ્રાથમિક કક્ષાથી લઈને વિશ્વ વિદ્યાલય સુધીનું શિક્ષણ માતૃભાષામાં જ આપવા પર તેમણે ભાર મૂક્યો હતો. 1952માં તેમને મુંબઈ રાજ્યની વિધાન પરિષદમાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નવેમ્બર 1957માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમની વરણી થઈ હતી પરંતુ 1960 માં તેમણે રાજીનામું આપ્યું. એ પછી ઑગસ્ટ, 1961થી તેમના અવસાનના સમય સુધી તેઓ ‘સત્યાગ્રહ’ અઠવાડિકના તંત્રી રહ્યા હતા. મગનભાઈએ લખેલાં પુસ્તકોમાં ‘દારૂનિષેધ અને સ્વરાજ’ (1930), ‘સત્યાગ્રહની મીમાંસા’ (1934), ‘હિંદની અંગ્રેજ વેપારશાહી’ (1946), ‘અંગ્રેજી અને સાંસ્કૃતિક સ્વરાજ’ (1957), ‘રાજા રામમોહન રાયથી ગાંધીજી’ (1957), ‘મેકૉલે કે ગાંધી ?’ (1960), ‘ગાંધીજીનો જીવનમાર્ગ’ (1966) જેવાં ઘણાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અનુવાદ કરેલાં કેટલાંક પુસ્તકોમાં ‘સુખમની’ (1936), ‘અપંગની પ્રતિભા’ (1936), ‘જપજી’ (1938), ‘જેકિલ અને હાઈડ’ (1938), ‘જગતનો આવતી કાલનો પુરુષ’ (1939), ‘કલા એટલે શું?’ (1945) વગેરેનો સમાવેશ થાય છે. સાથે ગુજરાતી જોડણીકોશની પાંચમી આવૃત્તિ (1967) તૈયાર કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે ઉપનિષદો પર પણ ટીકા લખી હતી. તે ઉપરાંત તેમણે ભાષાનો પ્રશ્ન, આર્થિક આયોજન, ભાષા અને શિક્ષણ, વસ્તી નિયંત્રણ વગેરે વિષયો પર અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં હતાં. તેઓનું અવસાન તા. 1 ફેબ્રુઆરી 1969 નાં દિવસે અમદાવાદ ખાતે થયું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877