સાહિત્યકાર રસિકલાલ છો. પરીખ [૧૮૯૭-૧૯૮૨] નો આજે જન્મદિવસ છે.
આજે તારીખ ૨૦ ઓગસ્ટના રોજ સાહિત્યકારો ટોલ્સટોય ૧૮૨૮-૧૯૧૦], ફિરાક ગોરખપૂરી [૧૮૯૬-૧૯૮૨], પ્રહલાદ પારેખ [૧૯૧૫-૧૯૬૨] અને રસિકલાલ પરીખ સમેત ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી [૧૯૪૪-૧૯૯૧] નો પણ જન્મદિવસ છે. આપણે વાત કરીએ રસિક્લાલ્ પરીખની.
ગુજરાતી જ્ઞાનજગતમાં ર. છો. પરીખ તરીકે પસિદ્ધ થયેલા રસિકલાલનો જન્મ અમદાવાદ પાસેના સાદરામાં થયો હતો. પિતા છોટાલાલ સાદરામાં વકીલ હતા. પ્રારંભિક શિક્ષણ સાદરા અને અમદાવાદમાં લીધું હતું. ગામમાં જ કે નજીકમાં ભણતા હોવાથી છોકરાઓ મોજશોખ પડી જશે તેવા ડરથી પિતાએ તેમને ઠેઠ પુનાની ફર્ગ્યુસન કોલેજમાં ભણવા મુક્યા. ત્યાંથી રસિકભાઈ સંસ્કૃત અને અંગ્રેજી સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા.
કોલેજના ઉત્તમ અધ્યાપકો અને શૈક્ષિણક વાતાવરણે તેમનું ધડતર કર્યું. ત્યારબાદ શંકરાચાર્ય સેમિનારમાં ‘કમ્પરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી’ ની ફેલોશિપ. પૂનામાં સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યનો તથા તત્વજ્ઞાનનો અભ્યાસ. મુનિશ્રી જિનવિજ્યજી પાસેથી ઇતિહાસ તેમજ વ્યાકરણનું અધ્યયન. ૧૯૧૯માં ભાંડારકર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, પૂનામાં ‘હસ્તલિખિત પ્રતોના વર્ણનાત્મક કેટલૉગ’ ના કાર્યમાં સહાયક તરીકે કામગીરી. ૧૯૨૦ના અરસામાં અમદાવાદ આવી ગુજરાતી કેળવણી મંડળની શાળામાં શિક્ષક અને ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં આચાર્ય રહ્યા. પછીથી ગુજરાતમાં પ્રકાંડ પંડિત તરીકે પંકાયા. તેમના પર રાનડે, ગાંધીજી અને ઇન્દુલાલ યાજ્ઞિકનો ખાસ્સો પ્રભાવ હતો. તેમનું ઉપનામ “મુસિકર”હતું.
રસિકભાઈએ આચાર્ય હેમચંદ્રકૃત કાવ્યશાસનનું સંપાદન, ગુજરાતની રાજધાની, ઈતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ, કાવ્યપ્રકાર [રા.વિ.પાઠક સાથે], સ્મૃતિ [કાવ્ય સંગ્રહ], મેનાગુર્જરી [નાટક], આનંદમીમાંશા અને ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ જેવા અનેક પુસ્તકોનું લેખન-સંપાદન કર્યું છે . “પુરાતત્વ”, “યુગધર્મ,”, “પ્રસ્થાન” જેવા સામયિકોના તંત્રીમંડળના સભ્ય પણ હતા. તેમણે ગુજરાત યુનિ.ના ઉપક્રમે આપેલા વ્યાખ્યાનોનો સંગ્રહ “ઈતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ” આજે પણ ઈતિહાસ મીમાંસાના પુસ્તકોમાં શ્રેષ્ઠ છે, તો ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ સંપાદન ગ્રંથ શ્રેણી ગુજરાતી ભાષામાં રચાયેલા ઇતિહાસ સાહિત્યમાં નવી ભાત પાડે છે. તેમના મેના ગુર્જરી નાટકના ૧૦૦ કરતાં વધુ પ્રયોગો થયા છે, જેની પંડિત નહેરુએ પણ પ્રસંશા કરી હતી. રસિકલાલ પરીખ ગુજરાત સાહિત્ય પરિષદ , ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ ઉપરાંત ગુજરાત યુનિ. આર્ટસ ફેકલ્ટીના ડીન પણ રહ્યા હતા. ૧૯૩૦ થી ૧૯૩૭ દરમિયાન સંશોધન, નાટ્યલેખન તેમ જ દેશાટન. ૧૯૩૭ માં ગુજરાત વિદ્યાસભાના સહાયક મંત્રી. ૧૯૩૯-૧૯૪૦માં ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ. ૧૯૪૧ થી નિવૃત્તિ સુધી એના નિયામક તરીકે રહ્યા.. ૧૯૪૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૪માં વિલેપાર્લે મુંબઈમાં ગુજરાતી પરિષદના પ્રમુખ. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને ગુજરાતના ઇતિહાસના અદ્રિતીય વિદ્વાન અને જીવંત સંસ્થા સમાન શ્રી ર. છો. પરીખનું તા. 1/11/1982 માં અમદાવાદ ખાતે અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877