શિવ કથા : ભાગ 27
શ્રાવણ વદ તેરસ
પંચાક્ષર મંત્ર – ૐ નમ: શિવાય
🕉️🌹🕉️🌷🕉️🌻🕉️
‘ૐ નમઃ શિવાય’ મંત્રનો અર્થ અને તેનાં જાપનાં ફાયદાઓ
ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો- પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાનમંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. આથી આને ‘મહામંત્ર’ પણ કહેવામાં આવે છે. આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર કરું છું. આ મહાદેવનો મહામંત્ર છે. સર્વમંત્રોનું બીજ પણ છે. આ મૂળમંત્ર છે. કોઈપણ જાતિ-જ્ઞાતિનાં માણસો માટેનો આ રામબાણ મંત્ર છે. આ મંત્ર આત્માને પરમાત્મા સાથે મેળવવાનું સૂચક છે. આ મંત્રજાપ મંત્રથી શિવજી પ્રસન્ન થાય છે. રૂદ્રાક્ષની માળાથી 108 વાર આ મંત્રજાપથી શિવજીની પૂજા થાય છે. આ મંત્ર પાંચ મહાભૂતો પૃથ્વી-જપ- અગ્નિ-વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરનારો છે. પાંચ તત્વોનાં વિશેષ અર્થ જોઈએ તો..
- ન- નો અર્થ પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરનાર છે.
- મ- એ જળનું પ્રતિનિધિત્વ કરનાર સંસારનું બીજુ રૂપ છે.
- શિ- આ અતિનું પ્રતિનિધિત્વ કરે છે.
- વા- એ વાયુનું પ્રતિનિધિત્વ કરનાર છે.
- ય- એ આકાશનું પ્રતિનિધિત્વ કરનાર છે અને આત્માનું અનન્યરૂપ દર્શાવનાર છે.
જગતગુરૂ શ્રીશંકરાચાર્યજીએ આ પ્રત્યેક અક્ષરનો અર્થ અને મહત્ત્વ દર્શાવતા કહ્યું છે કે :-
ૐ- બિંદુ યુક્ત એવો જે ઓંકાર- પ્રણવ કે ઇચ્છાઓના પૂર્ણ કરનાર અને મોક્ષ આપનાર છે. તેનું યોગીઓ નિરંતર ધ્યાન ધરે છે. તે ‘ઓંકાર’ રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો !
ન- દેવોનાં ઇશ્વર શંકરને ઋષિઓ- દેવો-મનુષ્યો પ્રણામ કરે છે. મોટા મોટા નાગોનાં હાર પહેરનારા, ત્રણ નેત્રોવાળા, ભસ્મોને અંગે લગાડનારા, મહેશ્વર, નિત્ય, શુદ્ધ અને દિશારૂપી વસ્ત્રવાળા એવા શંકરનેમારા નમસ્કાર હો.
મ- ગંગાનાં જળ યુક્ત ચંદનને ચોપડનારા, નન્દીનાં ઇશ્વર, પ્રથમનાં સ્વામિ અને મહેશ્વર તેમજ મન્દારનાં પુષ્પો વડે પૂજન કરાયેલા એવા તે ‘મકારાક્ષર’ રૂપ શંકરને મારા નમસ્કાર હો :
શિ- કલ્યાણ સ્વરૂપ, પાર્વતીનાં વદનરૂપ કમળને ખીલવનારા, સુંદર સુર્યરૂપ, દક્ષનાં યજ્ઞનો નાશ કરનારા, શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં વૃષનું ચિહ્ન છે. એવા ‘શકારાક્ષર’ રૂપ શંકરને મારા નમસ્કાર હો.
વા : વશિષ્ઠ, અગત્સ્ય, ગૌતમ વિગેરે મહામુનિઓ તેમજ દેવોએ જેમને માળાઓ, અર્પણ કરેલી છે. એવાં અને ચંદ્ર- સુર્ય અને વૈશ્વાનર (અગ્નિ) રૂપ ત્રણ નેત્રોવાળા તે વકારાક્ષરને મારા નમસ્કાર હો.
ય- યક્ષસ્વરૂપ, જટાને ધારણ કરનારા, જેમનાં હાથમાં પિનાક ધનુષ્ય છે એવા દિવ્ય, દેવ, સનાતન અને દિશારૂપી વસ્ત્રવાળા એવા યકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો.
‘ભગવાન શંકરનાં આ પવિત્ર એવા શ્રીમદ્ શંકરાચાર્યએ રચેલા પંચાક્ષરસ્તોત્રનો જે મનુષ્ય શંકર સમીપમાં પાઠ કરે છે તે શિવલોકમાં જઈને શંકર સાથે આનંદ કરે છે.’ ઓમ નમઃ શિવાય મંત્રનો દરરોજ જાપ કરવો, જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો. જાપ કરવા માટે આસન ઉપર બેસવું આસન કુશ અથવા ઉનનું હોય તો વધુ સારું, જાપ કરતી વખતે મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું. ચાલો આપણે મુખથી અને મનમાં રટણ કર્યા કરીએ. ઓમ નમઃ શિવાય : ૐ નમઃ શિવાય- ૐ નમઃ શિવાય.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
