પ્રકરણ**૪
મુકેશમામાનો ભૂતકાળ
કોપર ચીમનીમાં ડીનર ખાઈ, અમિતાને તેને ઘરે ઉતારી મુકેશમામા ઘરે જવા ઉપડ્યા. પગ ભલે ઘર ભણી જતાં હતાં. મન ભૂતકાળમાં આંટા મારી રહ્યું હતું. ગાડી ગરાજમાં હતી. આજે રવીવારના કારણે ડ્રાઈવરને છૂટ્ટી આપી હતી. અમિતાબહેનની ઘરે ટેક્સી કરીને આવ્યા હતા. ‘પ્લેબૉય’નું બિરૂદ પામેલા મામાએ વનિતાને ફસાવી હતી. તે જમાનામાં મઝા માણવી હતી. પરણે તો જવાબદારી આવે. બાપાનો દલ્લો મળ્યો હતો તેથી તેનો’ સદઉપયોગ’ કરવાનું વિચાર્યું. જે જુવાનિયા માટે સ્વાભાવિક હોય. ખાઓ, પીઓ અને જીવો ‘. વનિતા જીવનમાંથી ખસી ગઈ પણ મ્હોં પર એવી લપડાક મારી કે આજે પણ યાદ આવતાં ગાલ ચચરે ! એણે દૂર ગયા પછી સમાચાર આપ્યા તેના ઉદરમાં જીવ પાંગરી રહ્યો છે.
‘મને શોધવાની તકલિફ કરતો નહી . હું હાથ નહી આવું’.
ખરેખર એમ જ બન્યું. આજે ૩૦ વર્ષ થયા તેના કોઈ સમાચાર ન હતા. ભલે ને પછી જીવનનો રાહ બદલ્યો. પશ્ચાતાપ કર્યો પણ,’ નતિજા ઠન ઠન ગોપાલ’ ! આ વાત મુકેશે કુટુંબમાં બધાથી છુપાવી હતી. માતા અને પિતા પુત્રના લક્ષણ જાણતા હતાં. કાંઈ કહી શકતા નહી. પુત્રને બગાડવામાં બન્ને સરખે હિસ્સે જવાબદાર હતાં.
જીવનનો રાહ બદલ્યા પછી બહેન અને તેના સંસારની નજદિક સર્યા. તેથી બહેનને પોતાના ભાઈ પર વિશ્વાસ. હવે ભૂતકાળ ઉખેળવામાં માલ ન હતો.
મુકેશને અંતરમાં થતું ,’જો, અમિતા સાથે સંબંધ કેળવવો હોય તો ભૂતકાળની વાત કરવી કે નહી ‘? અમિતાબહેનને છેતરવાની તેમની મરજી ન હતી. મન ખૂબ અવળચંડુ છે. સત્ય કહેવું એ નિર્ધાર કર્યો. તેનું પરિણામ શું આવશે એ વિચારવાની શક્તિ મુકેશમામામાં ન હતી. અમિતા ખૂબ જચી ગઈ હતી. હવે ૬૦ની આસપાસ પહોંચેલા તેથી જીવનમાં સ્થાયી હતા. યુવાનીમાં ખૂબ રંગરેલિયાં મનાવી હતી તેથી કોઈની સાથે સંબંધ બાંધી ન શક્યા. અમિતાને જોઈને એ જીજીવિષા પાંગરી. કઈ રીતે વાત આગળ ચલાવવી કાંઈ ગતાગમ પડતી ન હતી.
વિચારોમાં ખોવાયેલા મુકેશમામા ઘરને દરવાજે આવીને ઉભા. ચાવી દિધેલ પૂતળાની માફક ઘર ખોલીને અંદર ગયા. સોફામાં ફસડાઈ પડ્યા. ફ્રિજમાંથી પાણી પીધું. દિમાગ હવે જરા તોડ કાઢશે એવું લાગ્યું. સહુ પ્રથમ પોતાની વહાલસોઈ બહેનને વાત કરવાનું વિચાર્યું. માતા અને પિતા તો હવે આ દુનિયા છોડી વિદાય થઈ ગયા હતાં. બસ એક લાડલી બહેન હતી. તેનો પ્રતિકાર કેવો આવશે તે વિષે એકદમ અજાણ હતાં.
બહેન ઉમરમાં માત્ર બે વર્ષ નાની હતી. તેને દુનિયાદારીનું જ્ઞાન સારું હતું. તેમાં પાછી ડૉક્ટર. પોતાના ભાઈને અમિતા બહેનમાં રસ પડ્યો છે એ વાત જાણતી હતી. તેના પરિણામે ખુશ હતી. દિલમાં એક ડર પેઠો બહેનને કેવું લાગશે? તેને કેવી રીતે સમજાવશે ? વનિતાએ કહ્યું હતું એ દીકરો આજે હયાત છે કે નહી ? હશે તો ક્યાં હશે? બધું હવામા અધ્ધર છે. જો મળે તો ગળે વળગાડવા આ મુકેશ હાજર હતો.
ગધ્ધા પચીસી વટાવી ચૂકેલ મૂકેશ હવે તદ્દન ભિન્ન હતો પણ કોને સમજાવે ? વનિતાને આવડા મોટા ભારતમાં ક્યાં શોધે? વનિતા જીવે છે કે પછી—-? આમાના કોઈ પણ પ્રશ્નોનો જવાબ હતો નહી.
ખૂબ મુંઝવણ થઈ. આનો ઉપાય શું ? વિચારમાં ને વિચારમાં સોફા પર સૂઈ ગયા. ડીનર પ્રેમથી દબાવ્યું હતું. તેને કારણે નિંદર તો આવી. નિંદરમા અમિતા પણ આવી મુખ પર મલકાટ છવાઈ ગયો. સ્વપનાની દુનિયામાં મોજ માણતા નસકોરાં બોલાવવા લાગ્યા. સવારે ઉઠ્યા ત્યારે ભાન આવ્યું, રામે આખી રાત સોફા પર પસાર કરી. સ્ફૂર્તિથી તનબદન તરવરતું હતું.
અમિતા સાથે સ્વપનામાં મોજ માણી હતી. હવે પૃથ્વી પર પટકાયા.આધેડ ઉમરના મુકેશમામા અમિતાના પ્રભાવથી અંજાયા હતાં. જુવાનીમા ગાડી ચૂકી ગયા હતા. હવે કેમ જાણે જીવવાના ઓરતા જાગ્યા. અમિતાબહેને તેમનામાં સૂતેલા નાગને છંછેડ્યો હતો. સામે પક્ષે શું હાલ છે તેનો જરા પણ અંદાઝ એમને ન હતો. અમિતા બહેને જીંદગી માણી હતી. ભલે પૈસાની છોળો ઉડતી ન હતી. ‘ પણ માત્ર પૈસો સુખ આપે છે એવું તો ક્યાંય સાંભળ્યું ન હતું’ ! અમૂલખના પ્રેમ આગળ તેની કોઈ વિસાત ન હતી. વળી સુંદર બે બાળકો, પ્રેમાળ સાસુ અને સસરાની ઓથ માણી હતી.
મુકેશમામાને લાગ્યું આ આગ એક બાજુની છે. તેમને વિશ્વાસ હતો, પ્રેમથી અમિતાનું દિલ જીતી શકાશે. જુવાનીમા ખુમારી અને કામણ કોઈ પણ સ્ત્રી પર ચાલી શકે તેવી તેમની કમાલ હતી. વાતને બ્રેક ત્યાં લાગી જ્યાં, વનિતાની યાદ ટપકી પડી. જુવાનીના કાળ દરમ્યાન કરેલી એ ભૂલ અક્ષમ્ય હતી. પસ્તાવો થયો હતો પણ તેનું પ્રયાશ્ચિત ક્યાં ? ડૂબતો માણસ જેમ તરણાનો સહારો લે તેમ તેમને માટે પોતાની નાની બહેન હતી. હવે તે કેટલો ભાઈમાં વિશ્વાસ મૂકે છે તે જોવાનું. સવારનો સમય હતો. નિવૃત્તિકાળનો સમય હતો એટલે સવારના પહોરમાં ક્યાંય જવાની ઉતાવળ ન હતી. વાણિયાના દીકરાએ પૈસા એવી રીતે પાથર્યા હતા કે કામ ન કરે તો પણ બેઠી આવક હતી.
મુકેશ બાળપણથી ફટવેલો હતો. ભણવામાં દરેક વર્ષ બે વર્ષે પુરું કરે. માંડ માંડ બારમી પાસ કરી કૉલેજમાં ગયો. ત્યારે લગભગ ઉમર થઈ ગઈ હતી,’૨૧’ની! આઝાદી મળી ,નવી ગાડી મળી. છોકરીઓ પર રોફ જમાવવામાં ભણવાનું લપાઈ ગયું. કોલેજના છોકરા અને છોકરીઓ ભણવા કરતાં રખડવા પર વધુ ધ્યાન આપે. એમાંય પૈસાદારનો નબિરો પછી પૂછવું જ શું ? દર વખતે ગાડીમાં બાજુમાં નવી છોકરી જણાય. ઘણી એકાદ વારમાં સમજી જાય. કોઈક દિલ આપી પસ્તાય. વનિતાનું એવું જ બન્યું. ભોળી વનિતા મુકેશની વાતોમાં ફસાઈ ગઈ. જ્યારે હકિકત સામે આવી ત્યારે જરાક મોડું થઈ ગયું હતું. તન અને મન બન્ને મુકેશને સમર્પિત થઈ ચૂક્યા હતાં. જ્યારે હકિકત જણાવી ત્યારે મુકેશની અસલિયત બહાર આવી.
વનિતા ખૂબ હોંશિયાર હતી. તેને આવી ગંદી રમતમાં જરા પણ રસ ન હતો. મુકેશને પાઠ ભણાવી, ગાલ પર લપડાક ચોંટાડી તેની જીંદગીમાંથી ખસી ગઈ. કોઈ નિશાની, કોઈ કેડી યા કોઈ પણ સમાચાર મેળવવા મુશ્કેલ થઈ ગયા. જ્યારે મુકેશની આંખો ખૂલી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું.
વનિતા મુંબઈની ન હતી. બેંગ્લોરથી ભણવા માટે આવી હતી. બસ આનાથી વધારે મુકેશને કાંઈ ખબર હતી નહી. મુકેશે બેંગ્લોરમાં ‘પ્રાઈવેટ ડિટેક્ટિવ’ રોકી તપાસ પણ કરાવી. કશું હાથ ન લાગ્યું. કોને ખબર કેમ તેનો છોકરીઓમાંથી રસ ઉડી ગયો. તેણે ભૂલ કરી છે એવું લાગ્યું. ચોરની મા કોઠીમાં મ્હોં ઘાલી રડે ! એવા હાલ થયા હતાં. કયા મોઢે પોતાના પરાક્રમની વાત કોઈને પણ જણાવે. માતા અને પિતાને બહાનાં બતાવી પરણવાની ના પાડી.
નાની બહેન કશું જ કહી ન શકી. આમ પણ બન્ને વચ્ચે ખૂબ અંતર હતું. બહેની ભણવામાં હોંશિયાર. ડૉક્ટરનું ભણવા દિલ્હી ગઈ. સાથે ભણતા ડૉક્ટરને દિલ આપી ખુશ થઈ. ભણવાનું પુરું કરી બન્ને જણા પરણી ગયા. સંસારમાં ખૂબ સુખી થઈ. હવે ભાઈ સાથે વાત કરવાની છૂટ આવી ત્યારે ભાઈ બહુ બોલતો નહી.
મુકેશ દ્વિધામાં હતાં. શું કરવું એ પ્રશ્ન મુંઝવતો હતો. ધુનમાં ને ધુનમાં મહારાજે બનાવેલો ગરમ નાસ્તો ખાધો. ચહામાં ખાંડ નાખવાનું મહારાજ ભૂલી ગયા હતાં. મુકેશભાઈને કાંઈ પણ ભાન હોય તો ફરિયાદ કરે ને? આ તો નોકરે કહ્યું ત્યારે મહારાજે ચાખી અને ખબર પડી. મહારાજને દાળમાં કાળું લાગ્યું. શેઠને કાંઈ પણ કહેવાની કે પૂછવાની ઘરના નોકરોમાં તાકાત ન હતી! છાપું વાંચ્યું. મનોમન કંઈ નક્કી કરી નિકળી પડ્યા. આવી ઉભા બહેનને આંગણે. બહેનને હોસ્પિટલ જવાનું હતું. ભાઈને જોઈ નવાઈ તો પામી પણ બોલી કાંઈ નહી.
‘અરે, તારે જવાનું છે એ મારા મગજમાંથી નિકળી ગયું. ચાલ પછી આવીશ.’ ભોંઠા પડીને પાછા વળ્યા. બહેનને લાગ્યું ભાઈ વાત કરવા આવ્યા છે.
‘જો હું સાંજે વહેલી આવીશ તો તને ફોન કરું છું.’ કહીને ડ્રાઈવરને ગાડી હોસ્પિટલ લઈ જવાનું કહ્યું.
મુકેશ વિચારમાં પડ્યો, શું આ ઉમરે આવો પ્રેમ થાય ખરો? અમિતામાં એવું તો શું મને દેખાય છે. તે સુંદર છે. ખૂબ પ્રતિભાશાળી અને મનમોહક છે. તેના વર્તનમાં, બોલવા, ચાલવામાં અનેરી અદા છે. લેખિકા બન્યા પછી તેની છટા સામે વાળી વ્યક્તિને આંજી દે તેવી છે. તેના મુખ પર ગર્વ નહી સંતોષ તરવરે છે.
મુકેશ વહેમમાં માનતો નહી. અંધશ્રદ્ધા તેને ખપતી નહી. છતાં પણ આજે મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યો.’ હે પ્રભુ જુવાનીના તોરમાં ઘર ન વસાવ્યું. આજે ખબર નથી કેમ, આ ઉમરે અમિતા સાથે દિલથી સંબંધ જોડાય તેવી મરજી છે. આવી ભાવના તો કોઈના માટે નહોતી થઈ. અરે, વનિતા, બાળક આપવાની હતી એ જાણીને પણ આ ઉમંગ દિલમાં નહોતો પ્રસર્યો.
જો આને પ્રેમ કહેવાતો હોય તો તે મને થયો છે. આ તો જીવનની પરિપક્વ અવસ્થા છે. માત્ર ‘પપી લવ’ નથી. કોઈ પણ રીતે મને અમિતા સાથે ગડ બેસાડી આપ. હું તેને સાફ મારો ભૂતકાળ કહીશ. અત્યારે મારા મનમાં ઉદભવતી લાગણીઓનું નિઃસંકોચ પ્રદર્શન કરીશ. તે મારામાં વિશ્વાસ મૂકે અવું સઘળું કરવા હું તૈયાર છું’. આટલું બધું વિચાર્યા પછી મુકેશ અટ્ટાહાસ્ય કરી રહ્યો. તેને પોતાને નવાઈ લાગી. ખરેખર આ ગાંડપણ નથી ? શું આને પ્રેમ કહેવાતો હશે ? જે એણે યુવાનીમાં કોઈના પ્રત્યે ઉદભવ્યો ન હતો !અચાનક વિચારોએ છલાંગ મારી.
‘આ તો મારા હાલ છે. અમિતાને આમાંની કોઈ લાગણી નહિ હોય. એ તો પ્રૌઢ છે. સંસાર માણી ચૂકેલી સ્ત્રી છે. તેને બે યુવાન બાળકો છે. પતિ ગુમાવ્યાનો વિયોગ હજુ તેના મુખ પરથી વિલિન થયો નથી. આ કાર્ય લોઢાના ચણા ચાવવા જેવું છે.’ મુકેશને ખુદમાં પુષ્કળ વિશ્વાસ હતો. ધીરજ રાખી કામ કરવાનું હતું. કઠિન કામ આસાન કરવાના રસ્તા વિચારવા લાગ્યો. અમિતા પ્રત્યે સ્નેહ જતાવવામાં સાવચેતી રાખવી પડશે. કુનેહ પૂર્વક તેની નજીક સરવું. ઉતાવળ કરવી નહી. ધીરે ધીરે એના દિલમાં પ્યારની સરવાણી ફૂટે એવા પ્રયાસ કરવા. વાણી અને વર્તન બને એટલા મૃદુ રાખવા.
અમિતાની સાથે કોપર ચીમનીમાં ડિનરની મઝા માણ્યા પછી જાણી જોઈને તેને મળવાનું ટાળ્યું. તેને જોવું હતું અમિતાને તેની ગેરહાજરી સાલે છે કે નહી ? બહેનને ત્યાં જતો અવનિ અને આલોકના બાળકો પર વહાલ વરસાવતો. એક પણ અક્ષર અમિતાની બાબતમાં ન પૂછતો, ન રસ દર્શાવતો. આજે જે ધાર્યું હતું તે જ થયું અમિતા પણ બાળકોને રમાડવા આવી હતી. ના, અવનિએ મમ્મીને બોલાવી હતી. અવનિને બાળકોને ‘પ્લે સ્કૂલમાં’ મૂકવા હતાં તેથી તેમની નર્સરીમાં જવાનું હતું. આજે માત્ર બાળકોના માતા અને પિતાએ મળવા જવાનું હતું. બે બાળકો આયા પાસે મૂકતા તેનો જીવ ચાલતો નહી.
અમિતા આવી એટલે મૂકેશમામાએ જવાની તૈયારી દર્શાવી. સહજ ભાવે અમિતા બોલી,’ અરે, હું આવીને તમે ચાલ્યા’?
‘ના એવું નથી. હું તો અંહીથી જતો હતો એટલે બાળકોને જોવા ઉભો રહ્યો. મને ખબર ન હતી તેમનો આજનો પ્રોગ્રામ શું છે’?’
તમે પણ બેસો સાથે હશો તો સમય જલ્દી પસાર થશે’.
મુકેશમામાને ,’ભાવતું તું ને વૈદે કીધું’.
અમિતા સાવ સહજ ભાવે બોલી હતી.
મુકેશમામાને થયું ‘ચાલ જીવ આજની સાંજ આ નાનકા ભાણા ભાણીને નામ’. અમિતાનો સંગ માણવા તો મળશે !
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877