ગુજરાતી સાહિત્યનાં સારથી પન્નાલાલ પટેલ (1912-1989) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ હવે રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાશા અથવા નાનાલાલ અને હીરાબાને ત્યાં આંજણા ચૌધરી કુટુંબમાં થયો હતો. તેઓ તેમના ચાર ભાઇ-બહેનોમાં સૌથી યુવાન હતા. તેમના પિતા ખેડૂત હતો. અને રામાયણ, ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓનું તેમના ગામમાં પઠન કરતા હતા. આને કારણે તેમના ઘરની નામના થઇ હતી. તેમના પિતા પન્નાલાલના નાનપણમાં જ મૃત્યુ પામ્યા અને તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો. તેમના શિક્ષણ દરમિયાન તેમની ગરીબીના કારણે અનેક અડચણો આવી હતી. તેઓ ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોષીના મિત્ર બન્યા હતા. થોડો સમય માટે તેમણે ડુંગરપુરમાં દારુના ભઠ્ઠા પર મેનેજર તરીકે નોકરી કરી હતી. તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થના ઘરે નોકરી કરતા લખી હતી. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોષી સાથે તેમનો અચાનક સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્ય સર્જનનો પ્રારંભ કર્યો. તેમણે તેમની પ્રથમ ટૂંકી વાર્તા શેઠની શ્રદ્ધા (૧૯૩૬) લખી. પછીથી, તેમની વાર્તાઓ ઘણાં ગુજરાતી સામયિકોમાં પ્રગટ થઇ. ૧૯૪૦માં તેમની પ્રથમ નવલકથા વળામણાં અને મળેલા જીવ (૧૯૪૧), માનવીની ભવાઇ (૧૯૪૭) અને અન્ય નવલકથાઓ પ્રગટ થઇ. એક સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં નોકરી મેળવી પહેલા ઑઈલમેન અને પછી મીટર-રીડીંગ કરનાર તરીકે તેમણે કાર્ય કર્યું. ચાર-પાંચ વર્ષ મુંબઈની એન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક તરીકે કાર્ય કર્યું. ત્યાર બાદ વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે-સાથે લેખનપ્રવૃત્તિ કરી. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. ૧૯૫૮ થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. ૧૯૭૧માં તેમણે અમદાવાદમાં તેમના બે પુત્રોની સાથે સાધના પ્રકાશન કંપનીની શરુઆત કરી. પાછલા વર્ષોમાં તેમણે મુખ્યત્વે હિંદુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ લખી. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા. તેમણે પોતાના સંઘર્ષના દિવસોને ‘વાસંતી દિવસો’ ગણાવ્યા હતા. તેમની કૃતિ ‘કંકુ’ પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. તેમણે ૬૧ નવલકથાઓ, ૨૬ ટૂંકી વાર્તાના સંગ્રહો અને અન્ય ઘણું સર્જન કર્યું હતું. તેમનું મોટાભાગનું લખાણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક બોલીમાં લખાયેલું છે. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો હતો. ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા. પન્નાલાલ પટેલને ‘સાહિત્ય જગતનો ચમત્કાર’ અને ‘ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય’ જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે. એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877