શિખરણી છંદના મહારથી બાલાશંકર કંથારીયા (1858-1898) : Manoj Acharya
બાલાશંકર કંથારીયાનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદમાં સાઠોદર નાગર કુળમાં સરકારી મેજિસ્ટ્રેટ ઉલ્લાસરામ અર્જુનલાલ કંથારિયા અને રેવાબાને ત્યાં થયો હતો. તેમને એક ભાઈ ઉમેદરામ અને એક બહેન રુક્ષ્મણી હતા. તેમણે કૉલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને ગુજરાતી, પર્શિયન, અરબી, સંસ્કૃત, વ્રજ અને હિન્દી ભાષાઓ તેમજ સંગીત અને પુરાતત્ત્વને જાણતા હતા. તેમની પત્નીનું નામ મણિલક્ષ્મી હતું. અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓ ક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક પણ રહ્યા. તેમને આધુનિક ગુજરાતી કવિતા અને ગઝલના મુખ્ય પ્રણેતા માનવામાં આવે છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી. એમ માનવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી હતી. ક્લાન્ત કવિ’, ‘બાલ’ જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે. તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે. ‘ગુજારે જે શિરે તારે’ તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે, જે અહીં પ્રસ્તુત છે. 👇
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે
દુનિયાની જૂઠી વાણી વિષે જો દુ:ખ વાસે છે
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે
કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો
જગતકાજી બનીને તું વહોરી ના પીડા લેજે
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે
રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે
દિલે જે દુ:ખ કે આનંદ કોઈને નહિ કહેજે
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલ્રક્ષ્મી ગણી લેજે
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લેજે
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે
કટુ વાણી જો તું સુણે વાણી મીઠી તું કહેજે
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે
અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માંગે તો
ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે
અહો શું પ્રેમમાં રાચે ? નહિ ત્યાં સત્ય તું પામે !
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણે નેજે
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે
અરે એ કીમિયાની જે મઝા છે તે પછી કહેજે
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી
વફાદારી બતાવા ત્યાં નહિ કોઈ પળે જાજે
રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીના તું બધા છલબલ જવા દેજે
પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે
કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે.
૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે મરકીમાં નડિયાદ ખાતે તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877