Explore

Search

September 13, 2025 11:45 pm

लेटेस्ट न्यूज़
Advertisements

ઈમાનદારી ના રસ્તે ચાલતા થાક તો ક્યારેક કાંટા પણ વાગ્યા : પ્રવિણસિંહ પરમાર

ઈમાનદારી ના રસ્તે ચાલતા થાક  તો ક્યારેક  કાંટા પણ વાગ્યા : પ્રવિણસિંહ પરમાર

Vapi. 🙏🙏આજે ICU માં એકલો પલંગ માં બેઠા બેઠા ઈમાનદારી નો થાક ઉતારતા ઉતારતા વિચારી રહ્યો હતો..

વરિષ્ટ પ્રત્રકાર પ્રવિણસિંહ પરમાર

ઈમાનદારી ના રસ્તે ચાલતા ચાલતા મને થાક પણ લાગ્યો છે.. તો ક્યારેક પગ માં કાંટા પણ વાગ્યા છે.. તો ઘણી વખત સંસાર પરિવાર કે મિત્રો ના શબ્દો થકી ઘાયલ અને અપમાનિત પણ થયો છું..

દરેક વ્યક્તિ પોતાના જીવન માં અલગ અલગ સૈદ્ધાંતિક વિચારો થકી જીવતો હોય છે.. તો ઘણી વ્યક્તિઓ ક્ષણિક લાભ માટે સિદ્ધાંત છોડી પણ દેતા હોય છે… પણ મને મારી… જિંદગી થી સંતોષ હતો… હું કોઈ પણ વ્યક્તિ સાથે આંખ થી આંખ મેળવી ને વાત કરી શકતો હતો.. એજ તો મારા આધ્યાત્મિક મનોબળનું કારણ હતું.

મારા પપ્પા કહેતા :”તમારા અરમાનો ને તમારી હેસિયત માં રાખી આગળ વધવા નો પ્રયત્ન કરશો તો ક્યારેય સ્વમાન ગીરવે મુકવા નો વારો નહિ આવે..”

કોઈક વખત મારો પુત્ર દેવાંગ મને કડવા શબ્દો કહેતો .. :”પપ્પા તમે સરકાર માં સારી પોસ્ટ ઉપર બેઠા છતાં રૂપિયા કમાતા ન આવડ્યું એટલે અમારે આજે વૈતરું કરવું પડે છે..”

હું દેવાંગને કહેતો :”બાળકો ને મોટા કરવા ઉચ્ચ ભણતર આપવું એ દરેક માઁ બાપ ની નૈતિક ફરજ હોય છે… તમારા અમર્યાદિત મોજશોખ પુરા કરવા હું વાલીયો લૂંટારો તો ન બની શકું.

મેં મારા અંતર આત્મા ના અવાજ પ્રમાણે ફરજ બજાવી છે, તું તારી મરજી નો માલિક છે..તારે અવળે રસ્તે રૂપિયા કમાવવા હોયતો કમાજે.. પણ એટલું યાદ રાખજે… પાપ કરતી વખતે પીઠ થાબડનારા ઘણા મળશે પણ પાપ જ્યારે તેનો પરચો બતાવશે ત્યારે એકેય તારી બાજુ માં નહિ ઉભો રહે.”

દેવાંગના નસીબ જોર કરતા હશે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી એ કલાસ વન ઓફિસર બની ગયો.. જે હું કરી શક્યો ન હતો.. એ તમામ મર્યાદાઓને ઓળગી તેને ધનવાન બનવા ના અરમાનો જાગ્યા હતા… જે મારા સિદ્ધાંતો થી વિપરીત હતું.. અમારા બન્ને વચ્ચે વિચારો અને સિદ્ધાંતોની લડાઈ ને કારણે અમે એકબીજા થી અલગ થયા.

એકબીજા થી જુદા પડતા સમયે મેં તેને કીધું હતું :”બેટા,
કોઈ નો પણ હાથ અને સાથ છોડી ને ભાગવા ની મારી ન તો આદત છે, ન તો એ મારા સ્વભાવ માં છે. મારાથી દુર થનાર વ્યક્તિ નો હું હાથ પકડી ને રોકવા પૂરતો પ્રયત્ન કરું છું.. પણ કોઈ ના પગ પકડી કરગરવું એ મારા સ્વભાવ માં નથી…
બેટા… સ્વમાન નો રોટલો અને ઓટલો જ્યારે પણ યાદ આવે ત્યારે તારા બાપ નું ઘર ખુલ્લું છે.”

હું એક સમયે ઘરડા ઘરમાં જવા પણ તૈયાર થઈ ગયો પરંતુ સિદ્ધાંતો સાથે બાંધ છોડ કરવા તૈયાર ન થયો.. તેથી હું મારી નિવૃત્તિ પછી મારું પોતાનું મકાન શોધવા નીકળ્યો.. મકાન ના ભાવ સાંભળી મોઢે ફિણ વળી ગઈ અને આંખે અંધારા આવવા લાગ્યા… નિવૃત્તિ દરમ્યાન મળેલ રકમ જો ઘર ખરીદવા પાછળ ખર્ચી નાખું તો આકસ્મિક ઉપાધિ સમયે કોની પાસે હાથ લંબાવું.. ?? આખી જિંદગી કોઈ પાસે હાથ લાંબો કર્યો નથી… તો જીવન ના છેલ્લા પડાવ સમયે હું હાથ લાંબો શા માટે કરું?

ખુમારી, ના કોઈ કોચિંગ કલાસ ચાલતા હોતા નથી.. ખુમારી ના બીજ તો જ્યા સંતોષ, ધૈર્ય, અને આધ્યાત્મિક વાંચન હોય છે ત્યાં તેની જાતે જ રોપાતા હોય છે.

મારા અને મારી પત્ની સ્મિતા ની અમે કુંડળી મેળવી ન હતી છતાં વિચારો મળતા હતા એટલે અમારું દાંપત્યજીવન આનંદમય હતું… સંતોષ ,ધૈર્ય અને ઈશ્વર ની ભક્તિ એ અમારી મૂડી હતી..

હું સ્મિતા ને જોવા ગયો ત્યારે સ્મિતા ના પપ્પા ગામડા માં શિક્ષક હતા… સ્મિતા તેના ઘર માં મોટી દીકરી હતી… ખાધે પીધે સુખી પરિવાર હતો .મારા સિદ્ધાંતો અને વિચારો ને અનુરૂપ હોવાથી.. મેં લાબું વિચાર્યા વગર હા પાડી…. પિયર થી વારસા માં સંસ્કાર લઈ ને આવી હતી.. બસ મારા માટે એ પૂરતું હતું.

મારા સસરા નું પણ માસ્તર તરીકે આજુ બાજુ અને પોતાના ગામ માં પણ નામ હતું… લોકો તેમને આદરભાવ થી જોતા… સ્કૂલ છૂટ્યા પછી પણ ભણવા માં નબળા બાળકો ને પોતાના ઘરે કોઈ પણ પ્રકાર નું વળતર કે અપેક્ષા રાખ્યા વગર ભણાવતા…
આવી વ્યક્તિઓ સંસાર માં ઓછી જોવા મળતી હોય છે.

ઈમાનદારી,વફાદારી,નિષ્કામ સેવા આ બધા વ્યસન છે… જેને નશો ચઢ્યો એ પાયમાલ થશે પણ પોતાના સિદ્ધાંતો સાથે બાંધ છોડ નહિ કરે.

અંતે લાબું વિચારી અમે 1 BHK નો ફ્લેટ ખરીદ્યો જે અમારા બન્ને માટે પૂરતો હતો. ઈશ્વર કૃપા થી પેન્શન આવતું હતું… જેમાં રોજિંદા ખર્ચ, ઘડપણ ની દવા માટે વાપરતા.. આકસ્મિક ખર્ચ માટે અમુક કીડી જેવી બચતરૂપી રકમ અમે બાજુ ઉપર પણ મુકતા હતા
એક તો નિવૃત્તિ ની મૂડી માંથી મેં 1BHK નો ફ્લેટ લીધો.. 50% મૂડી મારી તેમાં જતી રહી. બાકી બચી મૂડી ઉપર હાસ્યાસ્પદ વ્યાજ અમે મેળવતા હતા..

ત્યાં અચાનક મને હાર્ટ એટેક આવ્યો..
ફ્લેટ ના સભ્યોએ 108 બોલાવી નજીક ની હોસ્પિટલ માં મને દાખલ કર્યો… ડોક્ટરે રિપોર્ટ જોઈ સર્જરી કરવાની સલાહ આપી..
મારો પુત્ર ખબર કાઢવા આવ્યો પણ હાર્ટસર્જરી ના ખર્ચ વિશે મારી સાથે કોઈ ચર્ચા કરી નહિ..ઉપર થી અમને શાબ્દિક ચિટ્યો ભરતો ગયો.. :”ઈમાનદારી નું પૂછડું પકડી ને બેઠા છો… આત્યારે કોઈ ઈશ્વર મદદ કરવા નહિ આવે.”

હું પણ સ્વમાની હતો…મેં કોઈ સામે જવાબ આપ્યો નહિ.. આખી જિંદગી કોઈ ના પગ પકડ્યા નથી તો તારા થોડા પકડવાનો છું .. જા બેટા જા… મોતને તો કારણ જોઈએ છે… કાલે આવતું હોય તો આજે આવે..

મેં આંખ બંધ કરી મુરલીધર ને યાદ કરી કીધું..

ચોપાટ માંડી છે તારણહાર તે,
થાકિશ જરૂર પણ હારીશ નહિ,
ફેંકવા હોય એમ ફેંકજે પાસા,
દાવ મારો પણ હજુ બાકી છે.

હારવા રમ્યો નથી, જીત પાકી છે.
આજે ભલે અવળા પડે પાસા મારા ,
કાલ હજી તો બાકી છે..

સ્મિતા મારી બાજુ માં અચાનક આવી બેસી ગઈ હતી એ
તરફ મારુ ધ્યાન ન હતું.
એ બોલી :”કોની સાથે વાતો કરો છો.?”

મેં હસી ને કીધું… :” તું સારી રીતે જાણે છે.. વાત કરવા માટે મારી પાસે બે જ માધ્યમ છે.. એક તું અને બીજો મુરલીધર !!”

સ્મિતા ભીની આંખે બોલી :” કોઈ પ્રકાર ની ચિંતા કરતા નહિ.. બધી વ્યવસ્થા થઈ ગઈ છે..”

હું જાણતો હતો… જેટલી ફિક્સ તૂટશે તેટલું વ્યાજ આવતું ઓછું થશે..છૂટકો પણ ન હતો.. હાર્ટ સર્જરી નો અંદાજીત ખર્ચ.. ત્રણ લાખ ઉપરનો હતો..

ઓપરેશન સફળતા પૂર્વક પૂરું થયું…. હોસ્પિટલ માંથી રજા આપતા પહેલા મને અને સ્મિતા ને ડોકટર સાહેબે તેમની ચેમ્બર માં બોલાવ્યા…ડોકટર ની ઉમ્મર 40 થી 45 ની વચ્ચે મને લાગતી હતી. ડોકટર સ્માર્ટ અને દેખાવડો હતો..

ડોકટર..હાથ જોડી બોલ્યા :” હું ડોકટર શ્યામ મેં તમારા હાર્ટ નું ઓપરેશન કરેલ છે…
થોડું સ્માઈલ આપી ..મારા હાથ માં “મોરપીંછું” મૂકી તેઓ બોલ્યા લ્યો આ તમારા ખીસા માંથી નીકળ્યું હતું…શ્રદ્ધા નો વિષય છે.”

પછી..પોતાના ટેબલ ના ખાના માંથી એક પોટલી કાઢી…
સ્મિતા ની સામે મૂકી બોલ્યા :”
મોટી બહેન … આ તમારી અમાનત સાચવો…”
આ તમે ડિપોઝીટ ની રકમ પેટે હોસ્પિટલ ને આપેલ ઘરેણાં છે.. તમારો નાનો ભાઈ જીવતો હોય ત્યાં સુધી ઘરેણાં ગીરવે મુકવા ના દિવસો કદી તમારે નહિ આવે.”

હું અને સ્મિતા એક બીજા ની સામે જોવા લાગ્યા…

“ન ઓળખ્યો ને મને ? કૃપાશંકર માસ્તરનો વિદ્યાર્થી શ્યામલો.”
“હું ભણવા માં નબળો હતો.. સ્કૂલે થી છૂટી.. તમારા ઘરે મને મફત માં ભણાવતા… હું એજ શ્યામલો… જેને તમે રોજ સાંજે જમાડી ને ઘરે મોકલતા..”

“રસ્તા ઉપર ઠોકર ખાતા પથ્થર ને ઉઠાવી કંડારી .. કંડારી ને તમે મૂલ્યવાન મૂર્તિ બનાવી.. એ પરિવાર ને હું સ્વપ્નાં માં પણ કદી ન ભૂલી શકું.”

ડોકટર સાહેબ ઉભા થયા અને અમને બન્ને ને પગે લાગ્યા…સ્મિતા પણ ભીની આંખે શ્યામ ના માથે હાથ ફેરવતા બોલી.. :”બેટા…ખૂબ મોટો સાહેબ બની ગયો… !!”

“મોટી બેન ડોકટર બન્યા પછી હું ગામડે ગયો હતો .. પણ તમારે ઘરે તાળું હતું… તમારા ઉપકાર નો બદલો વાળવા ની તાકાત તો મારા માં ન હતી.. પણ ઈશ્વર કોઈ પણ રીતે આ પરિવાર નું ઋણ ઉતારવાની મને તક આપે એ પ્રાર્થના હું રોજ કરતો હતો… મોટી બેન, આજે આ અવસર આવી ગયો છે…”

અમે ભીની આંખે ખૂબ વિનંતી કરી પણ તેણે એક રૂપિયો અમારી પાસે થી લીધો નહિ…ઉપર થી કહ્યુ : ” કંઈ પણ તકલીફ થાય હું તમારી સાથે ઉભો છું…”

ડ્રાઇવર ને બોલાવી સુચના આપી… : “જા મારી મોટી બેન ને તેના ઘરે મૂકી ને આવ… અને હા ઘર યાદ રાખજે..તેના હાથે બનાવેલ ભોજન ઘણા સમય થી મેં ખાધું નથી…”

ડ્રાઇવર રસ્તા માં બોલ્યો : “ડોકટર સાહેબ ખૂબ દયાળુ છે…મારી માઁ ના ઓપરેશન ના પણ રૂપિયા લીધા ન હતા…સામે ની વ્યક્તિ ની પરિસ્થિતિ પ્રમાણે તેઓ પોતાનો ચાર્જ નક્કી કરે છે… કર્મ ના સિદ્ધાંત માં તેમને પાક્કો વિશ્વાસ છે.”

મેં કાર મા આંખ બંધ કરી મુરલીધર ને હસતા હસતા કીધું.. : “હે પ્રભુ, ફરી તું બાજી જીતી ગયો અને હું હારી ગયો..”

કાર માં ધીમું ધીમું ભજન વાગતું હતું….

प्रबल प्रेम के पाले पड़ कर प्रभु को नियम बदलते देखा..
अपना मान भले टल जाये भक्त मान नहीं टलते देखा ..

મિત્રો,
શ્રદ્ધા એક્સપાયર થાય તો અંધશ્રદ્ધા બને

વિશ્વાસ એક્સપાયર થાય તો અંધવિશ્વાસ બને

પણ જો શ્રધ્ધા અપગ્રેડ થાય તો ભક્તિ બને

અને વિશ્વાસ અપગ્રેડ થાય તો આત્મવિશ્વાસ..

ઘેટાં ના ટોળા માંથી બહાર આવી તમારું પોતાનું અલગ એક વ્યક્તિત્વ બનાવો… વ્યક્તિવ ને રૂપિયા સાથે કોઈ મતલબ નથી..✅💚💚💚✅

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements