અઘ્યાત્મ ભાવનામય કવિ આજે કવિ પૂજાલાલ રણછોડદાસ દલવાડી (1901-1985) નો જન્મદિવસ છે.
પરંપરાગત રીતે ઇંટો પાડવાનો ધંધો કરતા પરિવારમાં ગોધરામાં તેમનો જન્મ થયો હતો પણ મુળગામ બોરસદ તાલુકાનું નાપા હતું. પૂજાલાલ ૧૯૧૮ માં નડિયાદથી મેટ્રિક થયા અને અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા પણ ઇન્ટર આર્ટસમાં નાપાસ થતા અભ્યાસ છોડ્યો હતો. એ પછી તરત વ્યાયામ શિક્ષક બન્યા હતા. શાળાના અભ્યાસ દરમિયાન નડિયાદમાં અંબાલાલ પુરાણીના સંપર્કથી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શ્રી અરવિંદના આધ્યાત્મિક જીવન પ્રત્યે આકર્ષણ અને દેશભક્તિ તથા ચારિત્ર્યશુદ્ધિના સંસ્કાર. ૧૯૨૩માં એકાદ વર્ષ કોસિન્દ્રાની ગ્રામ શાળામાં વ્યાયામ શિક્ષક. ૧૯૨૬ થી પોંડિચેરીમાં સ્થાયી વસવાટ. છોટુભાઈ પુરાણીની વ્યાયામ શાળાના હસ્તલિખિત માસિક અને દર રવિવારે ભરાતી સભાઓએ તેમની લેખન અને ચિંતન પ્રવુંતિઓને સંકોરી હતી. મહર્ષિ અરવિન્દના ચિંતનથી પ્રભાવિત થયા અને ૧૯૨૬ પછી અરવિંદ આશ્રમ પોન્ડેચેરીમાં સ્થાયી થયા હતા. આધ્યાત્મિક પ્રકૃતિને લીધે સ્વદેશપ્રેમ અને કવચિત્ કુટુંબ પ્રેમને બાદ કરતાં વિષય પરત્વે ગાંધીયુગના અન્ય કવિઓની કવિતાને અનુસરવાનું વલણ પહેલેથી એમની કવિતામાં નથી પરંતુ અભિવ્યક્તિ પરત્વે તે બ. ક. ઠાકોરની કવિતાનો પ્રભાવ ઝીલે છે એટલે એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પારિજાત’ (૧૯૩૮) માં અધ્યાત્મભાવ સૉનેટના સ્વરૂપમાં સંસ્કૃતાઢય શૈલીમાં ઝિલાયો છે. પોંડિચેરી નિવાસ દરમિયાન એમની કવિતા ગીતો અને દુહા-સોરઠા તરફ વિશેષ વળે છે તથા અક્ષરમેળ છંદોને છોડી માત્રામેળ છંદો અને સરળ ભાષાનો વધુ આશ્રય લે છે. તો પણ પ્રારંભકાળની કવિતાની દીપ્તિ ફરી એમની કવિતા બતાવી શકી નહીં. ‘પ્રભાતગીત’ (૧૯૪૭), ‘શ્રી અરવિંદ વંદના’ (૧૯૫૧), ‘શ્રી અરવિંદ મહાપ્રભુ’ (૧૯૭૨) અને ‘સાવિત્રી પ્રશસ્તિ’ (૧૯૭૬)માં અરવિંદ પ્રશસ્તિનાં કાવ્યો છે. ‘જપમાળા’ (૧૯૪૫), ‘ઊર્મિમાળા’ (૧૯૪૫), ‘ગીતિકા’ (૧૯૪૫), ‘શુભાક્ષરી’ (૧૯૪૬), ‘આરાધિકા’ (૧૯૪૮) અને ‘મા ભગવતી’ (૧૯૭૪) નાં કાવ્યોને એકત્ર કરી પ્રગટ થયેલા ‘મહાભગવતી’ (૧૯૭૭) સંગ્રહમાં શ્રી માતાજીની પ્રશસ્તિનાં મુક્તકો અને ગીતો છે. ‘બાલગુંજાર’ (૧૯૪૫), ‘કાવ્યકિશોરી’ (૧૯૪૬), ‘ગીતગુંજરી’ (૧૯૫૨), ‘બાલબંસરી’ (૧૯૬૦) અને એ ચારેને એકત્ર કરી પ્રગટ કરેલ ‘બાલગુર્જરી’ (૧૯૮૦) માં તેમ જ ‘કિશોરકાવ્યો’ (૧૯૭૯), ‘કિશોરકુંજ’ (૧૯૭૯), ‘કિશોરકાનન’ (૧૯૭૯) અને ‘કિશોરકેસરી’ (૧૯૭૯) માં બાળકો અને કિશોરો માટેનાં ગીતો છે. ‘પાંચજન્ય’ (૧૯૫૭)માં વીરસનાં ગીતો છે. ‘મુક્તાવલી’ (૧૯૭૮), ‘શુક્તિકા’ (૧૯૭૯) અને ‘દુહરાવલી’ (૧૯૮૦) માં અધ્યાત્મ અને વીરભાવનાં મુક્તકો છે. ‘ગુર્જરી’ (૧૯૫૯), મરજીવિયાં એ સૉનેટ સંગ્રહ છે. ‘વૈજ્યન્તિ’ (૧૯૬૨), ‘અપરાજિતા’ (૧૯૭૯), ‘કાવ્યકેતુ’ (૧૯૭૯), ‘સોપાનિકા’ (૧૯૮૦), ‘શતાવરી’ (૧૯૮૦), ‘દુઃખગાથા’ (૧૯૮૩) વગેરેમાં અધ્યાત્મભાવ, પ્રાંતપ્રેમ અને રાષ્ટ્રપ્રેમનાં છંદોબદ્ધ કાવ્યો અને ગીતો છે. ‘ધ્રુવપદી’ (૧૯૭૮) અને ‘શબરી’ (૧૯૭૮) એ ભક્તના મહાત્મ્યને આલેખતાં કથાલક્ષી કાવ્યો છે. ‘મીરાંબાઈ’ (૧૯૮૦) એ બાળકો માટે રચાયેલી ગીતનાટિકા છે. ‘છંદપ્રવેશ’ (૧૯૭૯), ‘શ્રી અરવિંદ : જીવનદર્શન અને કાર્ય’ (૧૯૭૯), ‘સાવિત્રી સારસંહિતા’ (૧૯૭૬) વગેરે એમના ગદ્યગ્રંથો છે. એ સિવાય એમણે સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ કેટલાક ગ્રંથો લખ્યા છે.
‘સાવિત્રી’ – ભાગ ૧-૬, ‘મેઘદૂત’ (૧૯૮૦) વગેરે એમના પદ્યાનુવાદના તથા ‘પરમ શોધ’ (૧૯૪૫), ‘શ્રી અરવિંદનાં નાટકો’ (૧૯૭૦), ‘માતાજીની શબ્દસુધા’ (૧૯૭૨) વગેરે એમના ગદ્યાનુવાદના ગ્રંથો છે. પ્રિયા કવિતાને’ અને સદગત પિતાજીને શ્રદ્ધાંજલિ’ એમની નોંધપાત્ર રચનાઓ છે. તેમનું અવસાન 27 ડિસેમ્બર 1985 નાં દિવસે થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877