ધાર્મિક કથા ભાગ : 47
પાટણ – જગદીશ મંદિરની મુલાકાત
🛕 🚩 🚩 🚩🛕
દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની પાટણની ભગવાન જગન્નાથની 140 મી રથયાત્રા આગામી 1લી જુલાઇ ને અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે જગદીશ મંદિર ખાતેથી નીકળવાની છે. ત્યારે જગદીશ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પાટણના જગદીશ મંદિરના ચાંદીજડિત રથ તેની આગવી વિશેષતા છે. આ મંદિરની મુલાકાત મેં તા. 28 જુન મંગળવારે સાંજે 7.30 વાગે કરી ત્યારે આરતી ચાલી રહી હતી. આ સમયે ભગવાનના આંખે પાટા બંધાયેલા હતા. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જે રથોમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળવાના છે, એ ત્રણેય ચાંદીજડિત રથોને શુભ મુહૂર્તમાં વિધિવત રીતે રથ ખેંચનારા ખલાસીઓ દ્વારા મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતાં. પાટણના જગદીશ મંદિરમાંં ચાંદીના રથ લવાયા બાદ મંદિરના પૂજારી સહિત ટ્રસ્ટીઓએ ત્રણે રથનું પૂજન કરીને સ્વાગત કર્યું હતું. સમગ્ર પાટણ શહેરમાં હાલ યાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સુશોભન કરવામાં આવ્યું છે. પાટણની રથયાત્રા જગન્નાથપુરી સમકક્ષ મહત્ત્વ ધરાવે છે. રથયાત્રાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ભગવાન જગન્નાથનાં ત્રણ મંદિર છે અને એ પૈકીનું એક પાટણમાં છે. આ ત્રણેય મંદિરમાં ભગવાનની પ્રતિમાઓ કાષ્ટમાંથી તૈયાર કરવામાં આવેલી છે. પાટણ અને અમદાવાદમાં પણ સીસમના લાકડામાંથી બનાવેલી મૂર્તિઓ અષાઢી બીજે રથયાત્રામાં દર્શન આપવા માટે નીકળે છે. પાટણમાં ઓરિજિનલ રથ ગોદાવરીબેન રાવલ, જેઓ ઔદિચ્ય બ્રાહ્મણ સમાજનાં હતાં, જેમના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા બનાવીને આપવામાં આવેલો હતો, જે પ્રથમ રથ હતો. એ અગાઉ ભગવાનની પાલખીયાત્રા નીકળતી હતી. પ્રથમ રથ ખંડિત થતાં વર્ષ 1898માં રથ બનાવવામાં આવ્યો હતો. હાલમાં આ રથમાં સુભદ્રાજીની સવારી નીકળે છે. 2001માં પીયૂષભાઈ સોમપુરા દ્વારા ચાંદી મઢ્યા બે નવીન રથ બનાવી આપતાં પુષ્ટિમાર્ગીય સંત ર્ડા. વાગીશકુમારજી અને તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાના હસ્તે લોકાર્પણ કરાયું હતું, ત્યારથી ત્રણ અલગ અલગ રથમાં જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની રથયાત્રા નીકળી પાટણવાસીઓને દર્શન આપે છે. ઉપરોક્ત સ્થળે લઈ જવા બદલ પાટણ નિવાસી અને મારા સાઢુભાઇ શ્રી હર્ષદકુમાર ઠાકરનાં સુપુત્ર હિરેનનો હું આભાર માનું છું. મંદિરની મુલાકાત દરમિયાનની સુંદર તસ્વીરો જરૂર નીહાળો.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877