” … વ્રજધામ … “
“વ્રજ” નું નામ સાંભળતા જ આંખો… આંસુઓથી છલકાઇ જાય છે..
મન બેચેન બની જાય છે. રુંવાડા ઉભા થઇ જાય છે. શ્રીમદ્ગોકુળ, મથુરા, શ્રીગીરીરાજજી, જતીપુરા, વૃંદાવન, રમણરેતી, નંદગાંવ, બરસાના… આ બધાનું પુનિત સ્મરણ થઇ આવે છે. હૈયું ભરાઈ આવે છે. કોઈને કહેવાતું પણ નથી અને સહેવાતું નથી. એવી મનોદશા થઈ જાય છે. વીરહ વધતો જાય છે. મન વ્યાકુળ બને છે. મનડું ઘેલું બની જાય છે. એમ થાય છે પંખ હોય તો હમણાં ઉડીને વ્રજમાં પહોંચી જઈએ એવું કરવા માટેનું હ્રદય બની જાય છે.
રમણ રેતી માં આળોટવા.. શ્રીયમુનાપાન કરવા મારે કરવો છે વ્રજવાસ રે, મારે જવું છે વ્રજધામ રે ….
વ્રજ લીલાનો કોઈ પાર ન પાયો, બ્રહ્મા, સેસ, મહેશ. વ્રજમાં ગોવિંદકુંડ છે જ્યાં બેસીને છિત સ્વામીએ ભગવાનના વિરહમાં ૮૨ દિવસ વિતાવેલા અને ચત્રભુજદાસજીએ સતત ગાયા કર્યું કે..
“બ્રજવાસી સાંવરેલાલ, તુમ બિન રહ્યો ના જાય.”
શ્રીરસખાનજી એ આજ કુંડ ઉપર અત્યંત વિરહ અનુભવેલો તેથી શ્રીજીબાવાએ તેમને ત્યાં દર્શન આપેલા. વ્રજવાસ કરવાથી આપણને પણ વિરહનો અનુભવ થાય છે. અપણે તો બડભાગી છીએ આટલા બધાં સમયથી શ્રીપુષ્ટિમાર્ગના પાંચ તત્વો નું રસપાન ચાલી રહ્યું હોવાથી વ્રજવાસ જ સેવી રહ્યા છીએ. તેથી કોઈ ભગવદીય એ ગાયું છે કે…
હાલો હાલો, હાલો યમુના પાન કરીએ રે,
મારા કાનુડાના દર્શન કરવા જઈએ રે,
રાણી રાધા સંગે રાસ રમવા જઈએ રે,
હાલો હાલો જઈએ રે,
હાલો વૈષ્ણવો, વ્રજમાં જઈએ રે
દરેક વૈષ્ણવ વ્રજ વાસ નું સ્વપ્ન સેવતા હોય છે. શ્રીગિરિરાજજીની પરિક્રમા, વ્રજ ની મોટી પરિક્રમા, કરવાની અભિલાષા સેવતો હોય છે. દેશ-વિદેશના કોઈપણ ખૂણે વૈષ્ણવ રહેતો હોય, સમયનો પણ અભાવ હોય તોપણ વ્રજને કદી ભૂલતો નથી. વિરહતાપ એટલો બધો હોય છે કે એક વાર તો વ્રજમાં જવું જ છે એમ મનોમન નક્કી કરી રાખે છે. શ્રીયમુનાજીને પણ રોજ વિનંતી કરે છે.
“ધન્ય શ્રીયમુના કૃપાકરી શ્રીગોકુલ વ્રજ સુખ આપજો,
“વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો.“
વૈષ્ણવનું અંતિમ ધ્યેય પ્રેમને, આનંદને, એટલેકે સચ્ચીદાનંદ સ્વરુપ શ્રીકૃષ્ણને પામવાનું હોય છે. અને એજ શ્રીકૃષ્ણ ના દર્શન, ગોકુળની ગલીએ ગલીએ, નંદલાયમાં, શ્રીયમુનાજી ના કીનારે, ગોવિંદઘાટ, ઠાકુરાની ઘાટ, રમણરેતી, વિગેરે દિવ્ય, અલૌકિકીક લીલા સ્થાનોમાં પ્રાપ્ત થાય છે. અને શ્રીયમુનાજીની કૃપા વિના વ્રજવાસ દુર્લભ છે. વૈષ્ણવો વ્રજનો સ્થિરવાસ ઈચ્છે છે. કારણ કે તે શ્રીઠાકોરજીના અને શ્રીસ્વામીનીજી ના ચરણકમલની રજ વૈષ્ણવોના તનને સ્પર્શ કરે અને શ્રીવલ્લભ અને શ્રીમહારાણીમાં કૃપા કરે તો તનુનવત્વ પ્રાપ્ત થાય. અને તનુનવત્વ થી શ્રીઠાકોરજીને આલિંગન આપી કૃતાર્થ થવાય.
આ શ્રી ગિરિરાજજી ની તળેટી ની રજ.. સાક્ષાત ભગવત્સ્વરૂપ બની ગઈ છે. પ્રભુમાં જે સામર્થ્ય છે તે જ સામર્થ્ય આ વ્રજરજમાં છે. આપણી આગળ શ્રી ભગવદીયો ચાલે, શ્રીગીરીરાજ બાબા ચાલે, એ સૌની ચરણ રજ આપણા શરીરના અંગો ઉપર ઉડે, એ ચરણ રજ ના સ્પર્શથી આપણું શરીર તનુનવત્વ અને દિવ્યતા અનુભવે.. વહાલા વૈષ્ણવો આ શરીરથી તો આપણે પ્રભુને ભેટવા લાયક નથી પણ આ વ્રજરજ તો પ્રભુનું જ સ્વરૂપ છે, તો વ્રજરજ રૂપે આપણે પ્રભુને ભેટીએ, આલિંગન આપીએ બસ આજ મનોરથ છે આપણા સર્વેનો..
*🙏" ब्रज, मोहे बिसरत नाहिं "🙏*
નીરૂબેન આશરા મુંબઈ વિરાર


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877