શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 31
સંઘવાળાઓએ દયા લાવીને એ છોકરાને થોડું ખાવા પીવા નું આપ્યું. રામદાસ કોઈ સાથે બોલે નહીં અને ફક્ત શ્રી કૃષ્ણ નામ જપ્યા કરે. એમ કરતાં કરતાં થોડા દિવસો પછી રામદાસ મથુરા આવી પહોંચ્યા. મથુરામાં શ્રી યમુનાજીના પાન કરી વ્રજ તરફ પ્રયાણ કર્યું. શ્રીગિરિરાજજીની તળેટીમાં આવીને મન ઠર્યું. ત્યાં જ વસી જવાનો નિર્ણય કર્યો. પરંતુ એક ડર હજુ મનમાં રહી ગયો હતો.’જો બાપુ જીવતા રહી ગયા હશે તો શોધતા-શોધતા ક્યાંક અહીં ન આવી ચડે. નહીં તો વળી નવા રાજા ને સલામ ભરવા ઢસડી જશે.’આમ વિચારીને રામદાસે અપ્સરા કુંડ પાસે ની એક કંદરા ની અંદર નો એકાંતવાસ પસંદ કર્યો. દિવસ દરમિયાન ગુફામાં બેસી રહીને રામદાસ ભગવત નામ લે અને સૂર્યાસ્ત પછી ગામમાં ભિક્ષા માગવા નીકળે.
માથા પર ઓઢેલી પછેડી વડે અર્ધા મોને ઢાંકીને રામદાસ વ્રજવાસીઓને આંગણે જાય અને બોલે: ” મૈયા, થોડોસો ક્રીષ્ન દેદે…….”ભીક્ષામાંય એ કૃષ્ણ માંગે! આવી વ્યસન દશા પ્રાપ્ત થઈ ચૂકી રામદાસને. સૌ એને સનકી(ધૂની, તરંગી) છોકરો સમજીને કંઈક આપી દેતા. રામદાસે એ લઈ આવીને ગુફામાં સરકી જાય. કોઈને ખબર ન પડે કે છોકરો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે!
‘કૃષ્ણ, કૃષ્ણ…… કૃષ્ણ, કૃષ્ણ’કરતા થોડા વર્ષો રામદાસે એ ગુફામાં વિતાવી દીધા.વિરહ રસ નું ફળ પરિપક્વ થયું. એક રાતે એ ફળ રામદાસની ગુફામાં ચમક્યું! રામદાસ ને ઊંઘમાં સ્વપ્ન દ્વારા શ્રીનાથજીએ દર્શન દીધા!
“રામદાસ, આવતીકાલે આચાર્ય શ્રી વલ્લભ ગોકુલ થી અહીં આવી પહોંચશે અને પરમ દિવસે અમને પર્વત પર પ્રગટ કરશે. તું આચાર્યશ્રીને શરણે જજે. તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. તું અમારી લીલાનો દૈવી જીવ છો અને અમારી એકાંત સેવા કરવાનો તારો ગોલોક નો મનોરથ અમે હવે પૂરો કરશું. સમય પાકી ગયો છે. દિવસ દરમિયાન કંદરામાં માં છુપાઈ રહેવાની હવે કોઈ આવશ્યકતા નથી…. પછેડી વડે મોં ઢાંકીને સૂર્યાસ્ત પછી અમને ઘરે-ઘરે માગવા નીકળવાના દિવસો ગયા, સમજ્યો? પરમ દિવસે આચાર્યશ્રી તને જેમ કહે તેમ કરજે અને એમની વાત સ્વીકારી લેજે….. તેઓ બધા ને ઓળખે છે માટે કોઈ વાતની ચિંતા ન રાખતો. અમારી સેવાનો વૈભવ ન વધે ત્યાં સુધી તને અમારી એકાંત સેવાનો લાભ ઘણા વર્ષો સુધી મળશે…..”
શ્રીનાથજીના આટલા વચનો સાંભળીને રામદાસની અલ્પા ઊંઘ પણ છૂમંતર થઈ ગઈ.
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -32
વિ. સં ૧૫૪૯ ના શ્રાવણ માસની શુક્લ પક્ષની બારસને શુક્રવારના દિવસે (ઈ. સ.૧૪૯૩) સંધ્યા સમયે, વ્રજમાં શ્રીગિરિરાજજીની તળેટીમાં વસેલા અનેક ગામોમાંના એક અન્યોર ગામમાં, મુખી સદુ પાંડેના ઘરે શ્રી મહાપ્રભુજી પોતાના પાંચ સેવકો સહિત આવીને ઓટલા પર બિરાજ્યા. ઘરમાંથી મુખી અને મુખ્યાંણી બહાર આવ્યા અને મહેમાનોને હાથ જોડીને વિનંતી કરી:
“મહારાજ, આપ ઘણા દૂરથી અને કોઈક સવિશેષ કારણસર પધાર્યા હોય એવું લાગે છે. ભિક્ષાર્થે આપ દેશાટન કરતા હો એવું નથી લાગતું. છતાંય ઘરના આંગણે પધાર્યા છો એટલે સાહજિકતાથી પૂછી એ છીએ કે જલપાન કરશો? વાળુ નો સમય થવા આવ્યો છે તો કંઈક અલ્પાહાર…..”
“નહીં, પાંડેજી. અમારા આચાર્યશ્રી કોઈના ઘરનું નથી લેતા. આપ સેવક કરે છે. સેવક થઈને જે દે છે તેનું જ આપ શ્રી ગ્રહણ કરે છે.”પાંચમાંથી એક સેવકે સ્પષ્ટતા કરી. આ વાતચીત ચાલી રહી હતી ત્યાં ઓટલા પર બિરાજેલા આચાર્યશ્રી એકદમ સાવધાન થઈ ગયા. આપ કાન દઈને કંઈક સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. એક મધુર સ્વર શ્રી ગિરિરાજ પર્વત તરફ ની દિશા માંથી આવી રહ્યો હતો
“નરો……. મેરે નેગ કો દૂધ લાઓ?”
આ સાંભળીને મુખી ના ઘરમાંથી પણ એટલો જ મીઠો બીજો સ્વર રણક્યો:
“અહો, વારી જાઉં, લાલ! હમણાં લાવી. મારે ઘરે પરોણા આવ્યા છે એમનું સમાધાન કર્યા પછી પરવારીને તારે માટે દૂધ લઈ આવું છું.”
“પરુણા આવ્યા તો ભલે આવ્યા એકવાર તું શીઘ્રતાથી દૂધ લઈને આવી જા…… મને મોડું થાય છે. પછીથી પરોણા નું સમાધાન થઇ જશે.”એ જ મધુર સ્વર શ્રી ગીરીરાજ પર્વતમાંથી સંભળાયો. તરત મુખીના ઘરમાંથી એક સુંદર સોડસી કન્યા હાથમાં દૂધનો કટોરો લઈને નીકળી.”બાપુ, પર્વતના દેવ ને દૂધ પીવડાવીને હમણાં આવું છું….. .”કહેતા પેલી કન્યા સડસડાટ શ્રી ગિરિરાજજી પર ચડી ગઈ.
આ તરફ અનોખા પ્રભાવશાળી મહેમાનોના આતિથ્ય સત્કારની દ્વિધામાં મુખી- મુખીયાંણી પેલા નવા સેવકો સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા. થોડી જ વારમાં મુખીની કન્યા શ્રી ગિરિરાજ પર્વત પરથી પાછી આવી ગઈ. એક કન્યા ઘરમાં પ્રવેશવા જતી હતી ત્યાં જ આચાર્યશ્રીએ એને રોકી.
“તારું જ નામ નરો છે ને ?”
“હા, આપને કૈસે જાન્યો?”કન્યાએ ઉંબરામાં રોકાઇ જતાં મુગ્ધ ભાવે પૂછ્યું. આચાર્યશ્રી આછું સ્મિત કરતાં બોલ્યા:”હમણાં તારા નામની કો’કે હાક મારી હતી, ખરું ને? એ અમે સાંભળી.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
