ધાર્મિક કથા : ભાગ 190
ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન વિષ્ણુએ દૈત્ય હિરણ્યકશ્યપએ તેમના ભક્ત પ્રહલાદને બચાવવા માટે વૈશાખ મહીનાના શુકલ પક્ષની ચતુર્દશી તિથિ પર નરસિંહ અવતાર લીધો હતો. ભગવાનનો આ અવતાર અડધા નર અને અડધા સિંહનો છે જેના કારણે તેને નરસિંહ અવતાર કહેવાય છે, જેમનો આજે પ્રાગટય દિવસ છે.
નરસિંહ (વિષ્ણુ) ભગવાન ચોથા અવતાર માનવામા આવે છે. ભક્ત પ્રહલાદની રક્ષા માટે તેઓ થાંભલો તોડીને બહાર આવ્યા હતા. ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યા બાદ ભાઈ હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વત પર ખૂબ કિઠન તપ કર્યું. તેના તપથી બ્રહ્માએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. હિરણ્યકશિપુએ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોકો પર અજેય બનવાની માગણી કરી, સાથે સાથે માગ્યું કે, માનવ, પશુ, દેવતા, દૈત્ય કે કોઈપણ જીવ થકી અથવા અસ્ત્ર શસ્ત્રથી મારું મૃત્યુ ન થાય. ઘર કે બહાર, દિવસ કે રાત, પૃથ્વી આકાશ કયાંય હું ન મરું. બ્રહ્માજી દ્વારા આવું વરદાન મળ્યા બાદ ઇન્દ્રને ભય લાગ્યો કે આ અસુરની સગર્ભા પત્ની કયાધૂથી બીજો અસુર પેદા થશે. તેથી ઇન્દ્રએ કયાધૂનું અપહરણ કર્યું. નારદ મુનિએ તેને છોડાવી પોતાના આશ્રમમાં રાખી. આશ્રમમાં કયાધૂને નારદ મુનિ કથાપાન કરાવતા, ધર્મનો ઉપદેશ આપતા. આ ઉપદેશના પ્રભાવરૂપે ભકત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદને ગર્ભમાં જ નારદનું કથાશ્રવણ અને આશ્રમનું ભકિતમય વાતાવરણ મળ્યું હોવાથી તે પરિપૂર્ણ ભાવિક બન્યો. આ બાજુ હિરણ્યકશિપુ પોતાના ભાઈ હિરણ્યાક્ષની વધ અને પત્નીના અપહરણથી ભગવાન પર રોષે ભરાયેલો હતો. હિરણ્યકશિપુએ ત્રિલોક પર પોતાનો કાળો કેર વર્તાવવાનું ચાલુ રાખ્યું હતું. સ્વર્ગલોકના દેવો અને પૃથ્વીલોકની પ્રજા તેના ત્રાસથી ત્રાહિમામ થઈ ગઈ હતી. નારદ મુનિના આશ્રમમાંથી પાછા ફર્યા બાદ એક દિવસ હિરણ્યકશિપુએ પોતાના પાંચ વર્ષના પુત્ર પ્રહલાદ ને પૂછ્યું કે, “બેટા, તને શું ગમે?” ત્યારે બાળ પ્રહ્લાદે કહ્યું, “વનમાં જઈને શ્રીહરિનું ભજન કરવાનું મને બહુ ગમે.” આ સાંભળી હિરણ્યકશિપુ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. પુત્ર પ્રહલાદને દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમર્ક પાસે વિદ્યાભ્યાસ કરવા મોકલી દીધો. બાળક પ્રહલાદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો અભ્યાસ સંપૂર્ણ કરી ઘરે પાછો આવ્યો ત્યારે પિતાએ પૂછ્યું, ‘બેટા, તું ગુરુ પાસેથી શું શીખ્યો?’ પ્રહલાદે કહ્યું, ‘વિષ્ણુનું કથાશ્રવણ, કીર્તન, પૂજન, વંદન, દાસત્વ, મિત્રતા એ જ બધું.’ પ્રહલાદના મુખે ભગવાન વિષ્ણુની પ્રશંસા સાંભળીને હિરણ્યકશિપુનું હૃદય ગુસ્સાથી સમસમી ઉઠયું. તેણે પોતાના અનુચરોને કહ્યું કે, ‘આને મારી નાખો. આ મારો પુત્ર નથી પણ મારા શત્રુની તરફદારી કરનારો છે.’ આથી અસુરોએ પ્રહલાદને અસ્ત્રો-શસ્ત્રોથી વીંધવાનું શરૂ કર્યું. પરંતુ અસ્ત્રો શસ્ત્રો ફંગોળાઈ બીજી દિશામાં ફરી ગયાં, ખડગના વાર કર્યા તો તેના કટકા થઈ ગયા ને ત્રિશૂળ વાંકા વળી ગયા. વિષ આપ્યું તો અમૃત બની ગયું. ઝેરી સર્પ છોડયા તો તે પ્રહલાદના શિર પર ફેણ ફેલાવીને છત્ર બની ગયા. આમ દરેક વખતે પ્રભુએ તેને ઊની આંચ આવવા ન દીધી. તેનો બચાવ કરતા ગયા. તેથી પ્રહલાદ વધુ ને વધુ પ્રભુ ભકિતમાં લીન થવા લાગ્યો. છેવટે હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકાને મળેલા વરદાન ખોળામાં પ્રહલાદને બેસાડીને ચુંદડી ઓઢીને અગ્નિમાં બેસાડી જે આ વસ્ત્રથી અગ્નિ સ્પર્શી શકવાનો નહોતો અને પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે પરંતુ પ્રભુની લીલા પાસે હિરણ્યકશિપુની દરેક ચાલ અવળી પડે છે. અગ્નિમાં બેઠેલી હોલિકાનું વસ્ત્ર ઉડી ગયું. તે બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સ્મિત વદને ત્યાં બેસી રહ્યો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રસંગને આજે પણ આપણી સંસ્કૃતિ હોળીના પર્વ રૂપે મનાવે છે. પ્રહલાદની નીડરતા અને પ્રભુભકિત જૉઈ સૌ અચંબામાં પડી ગયા. રાજ સેવકોએ પ્રહલાદને રાજધર્મનો ઉપદેશ આપવાનું શરૂ કર્
યું પણ પ્રહલાદ તો હરિભકિતની વાતો કરીને હરિનો મહિમા જ ગાતા હતા. આથી હિરણ્યકશિપુએ આવેશમાં આવીને પ્રહલાદને પૂછ્યું,‘તું કયા બળથી મારો અનાદર કરે છે?’ ત્યારે તેણે કહ્યું,‘જેનું બળ સચરાચર વ્યાપ્ત છે.’ પિતાએ પૂછ્યું, ‘કયાં છે તારો ભગવાન?’ પ્રહલાદે કહ્યું,‘મારામાં, તમારામાં, અત્ર-તત્ર સર્વત્ર તે છે.’ આખરે હારી-થાકીને હિરણ્યકશિપુએ એક લોખંડના થાંભલાની ફરતે પ્રચંડ અગ્નિ સળગાવીને તે થાંભલો ધગધગતો લાલઘુમ બનાવ્યો. પિતાએ પુત્રને કહ્યું,‘જૉ આ થાંભલામાં તારો ભગવાન હોય તો તું આ થાંભલાને બાથ ભર.’ પ્રહલાદે જેવી થાંભલાને બાથ ભરી તે સાથે જ થાંભલો ભયંકર અવાજ સાથે ચિરાયો. થાંભલામાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. તે સમય દિવસ કે રાતનો નહીં સંઘ્યાકાળનો હતો. ભગવાન નરસિંહે હિરણ્યકશિપુને ખોળામાં લઈને ઘરના ઉંબરા વચ્ચે એટલે કે ઘરમાં નહીં અને બહાર પણ નહીં, અસ્ત્ર-શસ્ત્ર વિના પોતાના નખ વડે, નર કે પશુ રૂપે નહીં પરંતુ મસ્તક સિંહનું અને દેહ માનવાનો ધરીને ‘નરસિંહ’ રૂપે અવતરીને, આકાશ કે પૃથ્વી પર નહીં પરંતુ પોતાના ખોળામાં સુવાડીને તેનું શરીર નખ વડે ચીરી નાખ્યું. આમ શ્રી હરિએ પોતાના બાળભકત પ્રહલાદની રક્ષા કરવા નરસિંહ અવતાર ધારણ કર્યો. પ્રહલાદની વિનંતીથી પ્રભુએ હિરણ્યકશિપુને મોક્ષગતિ આપી. આ દિવસ હતો વૈશાખ સુદ ચૌદશ જે આપણે નરસિંહ જયંતી તરીકે ઊજવીએ છીએ.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877