ધાર્મિક કથા : ભાગ 201
આજે વટ (વડ) સાવિત્રી વ્રત છે.
હિન્દુ સંસ્કૃતિમાં આદર્શ નારીત્વ તરીકે વડ (વટ) સાવિત્રી વ્રતને માનવામાં આવે છે. પતિની દિર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનો વડસાવિત્રી વ્રતની ઉજવણી કરે છે. પરિણીત બહેનો સવારે શાસ્ત્રોક્ત વિધિથી વડની પૂજા કરશે. જેઠ માસની પૂનમને વ્રતની પૂનમ વડસાવિત્રી વ્રત તરીકે ઓળખવામાં આવે છે. સાવિત્રી-સત્યવાન સાથે જોડાયેલા વડસાવિત્રી વ્રતનો મહિમા ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી ગવાતો આવ્યો છે. પોતાના પતિ સત્યવાનના યમરાજ પાસેથી પ્રાણ પાછા લાવી સાવિત્રી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું પ્રતિક બની ગયા હતા. આથી જ પરિણીત સ્ત્રીઓમાં વડસાવિત્રી વ્રતનું મહત્વ ખુબ જ રહેલું છે, ત્યારે પતિની દિર્ઘાયુષ માટે પરિણીત બહેનો વ્રતની પૂનમ વડસાવિત્રીનું વ્રત કરશે. વડસાવિત્રી વ્રત ધારણ કરનાર બહેનો સવારે સજીધજીને મંદિર અથવા નજીકમાં આવેલ વડલાના ઝાડે જશે. અહીં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી વડનું પૂજન-અર્ચન કરી સુતરના દોરાથી વડલાની પ્રદક્ષિણા કરશે. ત્યારબાદ વ્રતધારી બહેનો નકોરડા તેમજ ફરાળ કરી વ્રતની ઉજવણી કરશે. પૌરાણિક કથા અનુસાર સાવિત્રી પ્રસિદ્ધ તત્વજ્ઞાની રાજા શ્રી અશ્વવતીની એકમાત્ર પુત્રી હતી. પોતાના ભાવિ પતિની શોધમાં નીકળેલ સાવિત્રીએ દેશનિકાલ કરેલ અને વનવાસી રાજા ધુમત્સેનના પુત્ર સત્યવાનને પોતાના પતિના રૂપમાં સ્વીકાર કરી લીધો. આ વાતની જાણ નારદમુનિને થતાં સાવિત્રીને કહ્યું કે સત્યવાનની આયુ માત્ર એક વર્ષ જ શેષ છે. સત્યવાનની માતા અને પિતાએ સમજાવી પરંતુ સાવિત્રી પોતાના ધર્મથી ડગી નહિ. સાવિત્રીના સત્યવાન સાથે લગ્ન થઇ ગયા. સત્યવાન મોટો દાની, માતા પિતાનો ભક્ત અને સ્વભાવે સુશીલ હતો. સાવિત્રી પોતાનો રાજમહેલ છોડી જંગલમાં ઝૂંપડીમાં રહેવા લાગી. પોતાના મહેલી વસ્ત્રો અને આભૂષણોનો ત્યાગ કરી પતિ તેમજ માતા-પિતા જેવા વલ્કલ શરીરે ધારણ કર્યા અને પોતાનો બધો સમય માતા અને પિતાની સેવામાં વિતાવવા લાગી. પતિની મૃત્યુનો સમય નજીક આવી ગયો. સત્યવાન જંગલમાં અગ્નિહોત્ર માટે જંગલમાં લાકડા કાપવા જાય છે. આજે સત્યવાનનો મૃત્યુનો દિવસ છે. સાવિત્રી ચિંતિત છે. તે પતિની સાથે જવા વિનંતી કરે છે પછી પતિની આજ્ઞા લઇ તે તેમની પાછળ જંગલમાં જાય છે. સત્યવાન વૃક્ષ પર લાકડાં કાપવા ચડે છે પરંતુ ભ્રમર આવતા તેઓ કુલ્હાડી નીચે ફેંકી વૃક્ષ પરથી ઉતરતા મુર્છિત થઈને નીચે પડે છે અને મૃત્યુ પામે છે. સાવિત્રી પતિનું મસ્તક આંચલમાં લઇ સાડીના પાલવ વડે હવા નાખવા માડે છે. થોડા સમય પછી, હવે સાવિત્રીએ ભેંસ પર ચડેલા, હાથમાં ફાસીની દોરી વાળા, કાળા અંગોવાળા, સૂર્ય સમાન તેજ ધરાવતા અત્યંત ભયંકર દેવ-પુરુષને જોયા. તેઓએ અંગુઠા સમાન સત્યવાનના શરીરને બળપૂર્વક ખેંચી લીધું. આ જોઈ સાવિત્રી એ કહ્યું કે હે દેવ શ્રી, આપ મારા હૃદયધન સમાન મારા પતિ સત્યવાનને ક્યાં લઇ જાઓ છો? પ્રત્યુતરમાં યમરાજે કહ્યું કે હે તપસ્વીનિ, તું પતિવ્રતા છે એટલે કહું છું. તારા પતિ સત્યવાનની આયુ ક્ષીણ થઇ ગઈ છે તેથી હું યમ તેને લઇ જાઉં છું. તારા સતિત્વના આગળ મારા દૂત ન આવી શક્યા તેથી મારે સ્વયં આવવું પડ્યું. આટલું કહી, તેઓ દક્ષિણ તરફ ચાલવા માંડ્યા. સાવિત્રી પણ યમના પાછળ ચાલવા માંડી. યમે સાવિત્રીને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ સાવિત્રીએ કહ્યું કે જ્યાં પતિ ત્યાં પત્ની.. એ જ તો સનાતન ધર્મ છે. યમરાજના વારંવાર રોકવા છતાં સાવિત્રી પાછળ પાછળ આવતી રહ્યી. સાવિત્રીના પતિપ્રેમથી પ્રસન્ન થઈ વરદાનરૂપે સત્યવાનના અંધ માતા-પિતાને આંખો આપી, ગુમાવેલું રાજ્ય પાછું આપ્યું અને તેના પિતાને સો પુત્રો આપ્યા અને સાવિત્રીને પાછું વળવાનું કહ્યું પરંતુ સાવિત્રીના પ્રાણ તો યમરાજ પોતાની પાસે લઇ જઇ રહ્યા હતા. તો સાવિત્રી કેવી રીતે પાછી જઈ શકે? પછી યમે કહ્યું, તારા પતિ સત્યવાનને છોડી જે પણ
માંગવું હોય તે માંગ. સાવિત્રીએ કહ્યું જો તમે સાચે જ મારી ભક્તિથી પ્રસન્ન હોય તો સત્યવાનથી મને સો પુત્રો આપો. યમે વિચાર્યા વગર તથાસ્તુ કહી દીધું અને ચાલવા માંડ્યા. સાવિત્રીએ રોકીને કહ્યું કે હે દેવપુરુષ, મારા પતિને તો તમે તમારી પાસે લઇ જાઓ છો તો આપે આપેલ વરદાન કેવી રીતે પૂર્ણ થશે?! હું પતિ વિના સ્વર્ગ, લક્ષ્મી, સુખની કામના ન કરી શકું. પતિ વિના હું જીવન વ્યતિત કરવા નથી માંગતી. તમે મને પણ તમારી સાથે લઇ જાઓ. સાવિત્રીની પતિવ્રતાથી પ્રસન્ન થઇ યમે તેના પતિના પ્રાણ પાષમુક્ત કર્યા અને તેને ચારસો વર્ષની આયુ પ્રદાન કરી. આજના આ પવિત્ર દિવસે મહાન સતીત્વ નારી સાવિત્રીને યાદ કરી ભાવવંદન કરીએ 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877