ધાર્મિક કથા : ભાગ 203
ગુપ્ત (અષાઢ) નવરાત્રી કે જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ – અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.
હિંદૂ માન્યતાઓ અનુસાર એક વર્ષમાં કુલ 4 નવરાત્રિ આવે છે. જેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રિ ઉપરાંતની બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. પહેલી ગુપ્ત નવરાત્રિ માઘ માસના શુક્લ પક્ષમાં જ્યારે બીજી અષાઢ માસના શુક્લ પક્ષમાં આવે છે. 19 જૂન 2023 ના રોજ સોમવારના રોજથી આ અષાઢ માસની ગુપ્ત નવરાત્રીનો આરંભ થયો છે, જે 28 જૂન 2023 ના રોજ પુર્ણ થશે. હિંદુ કેલેન્ડરમાં અષાઢ મહિનાના સુદ પક્ષના શરૂઆતના 9 દિવસને ગુપ્ત નોરતા કહેવામાં આવે છે કેમ કે, તેમાં ગુપ્ત રૂપથી શિવ અને શક્તિની ઉપાસના કરવામાં આવે છે. સાથે જ દેવીની 10 મહાવિદ્યાઓની પણ સાધના કરે છે. આ નોરતા ખાસ કરીને ગુપ્ત સિદ્ધિઓ મેળવવાનો સમય છે. એટલે તેને ગુપ્ત નોરતા કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં 9 દિવસ દરમિયાન ઉપવાસ કરવાનો સંકલ્પ લઈ પહેલા દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. આ પર્વ દેવી ભક્તો માટે ખાસ માનવામાં આવે છે. માન્યતા છે કે, ગુપ્ત નવરાત્રિમાં થતી સાધનાને ગુપ્ત રાખવામાં આવે છે. અન્ય નવરાત્રિની સરખામણીમાં ગુપ્ત નવરાત્રિમાં કરેલી સાધના કઠીન હોય છે પરંતુ તે અધિક ફળદાયી હોય છે. આ નવરાત્રિમાં માતા કાળીની પૂજા કરવાનું વિધાન છે. ગુપ્ત નવરાત્રિમાં વિશેષ રૂપથી તંત્ર-મંત્ર સાથે સંબંધિત ઉપાસના કરવામાં આવે છે. મહાવિદ્યાઓની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવી જોઇએ, નહીંતર પૂજા નિષ્ફળ થઇ શકે છે અથવા પૂજાની વિપરીત અસર પણ થાય છે. એટલે કોઇપણ યોગ્ય બ્રાહ્મણ કે સદગુરૂના માર્ગદર્શન હેઠળ ગુપ્ત નવરાત્રિની પૂજા અર્ચના કરવી જોઇએ. પૌરાણિક માન્યતાઓ મુજબ વિશ્વામિત્રએ આ અષાઢ માસની ગુપ્ત નવરાત્રીની પૂજા કરી અસીમ શક્તિઓ મેળવી હતી તેમજ રાવણના પુત્ર મેઘનાથે કઠોર તપ કરીને ઈન્દ્રને હરાવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ સાધક ગુપ્ત રીતે કોઈ ચોક્કસ સમયે દેવીના પવિત્ર નવ સ્વરુપની સાધના કરે તો તેના પર માં દુર્ગાની અસીમ કૃપા થાય છે અને તેને સુખ-સમુદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસોમાં લઘુ અનુષ્ઠાન અને યજ્ઞનું પણ વિશેષ મહત્વ છે. માં ભગવતીની આપ સૌ પર કૃપા ઉતરો એ જ અભ્યર્થના.. 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)




Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877