ધાર્મિક શિવ કથા : ભાગ 233
શ્રાવણ વદ પાંચમ : રૂદ્રાભિષેકનું મહત્વ
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
આમ તો કોઈપણ સમયે રુદ્રાભિષેક કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણમાં તેનું મહત્વ અનેકગણું છે. પિતા દક્ષ પ્રજાપતિનું ઘર છોડ્યા બાદ માતા સતીએ શ્રાવણ મહિનામાં તપશ્ચર્યા કરીને શિવજીને પતિ સ્વરૂપે મેળવ્યા હતા, ત્યારથી જ શિવજીને શ્રાવણ મહિનો ખૂબ પ્રિય છે. માન્યતા મુજબ શ્રાવણ મહિના દરમિયાન શિવજી પૃથ્વી પર વાસ કરે છે. શિવપુરાણની રૂદ્રાસંહિતામાં એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક વિશેષ ફળદાયી છે. રુદ્રાભિષેકમાં ભગવાન શિવને પવિત્ર સ્નાન કરાવીને પૂજા અર્ચના કરાવવામાં આવે છે. તે સનાતન ધર્મમાં સૌથી પ્રભાવશાળી પૂજા માનવામાં આવે છે, જેનું પરિણામ તાત્કાલિક મળે છે. સર્વદેવાત્મકો રુદ્ર: સર્વે દેવા: શિવાત્મક: અર્થાત્ રુદ્ર બધા દેવતાઓના આત્મામાં હાજર છે અને બધા દેવતાઓ રુદ્રની આત્મામાં છે. આ મંત્રથી સ્પષ્ટ છે કે રુદ્ર સર્વશક્તિમાન છે. રુદ્રાભિષેકમાં ભગવાન શિવના રૂદ્ર અવતારની પૂજા કરવામાં આવે છે. તે ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે, તમામ ગ્રહ બાધા અને સમસ્યાઓનો નાશ કરનાર છે. શ્રાવણ મહિનામાં રુદ્ર જ સૃષ્ટિનું તમામ કાર્ય સંભાળે છે, તેથી આ સમયે રૂદ્રાભિષેક વધુ અને તરત ફળદાયી છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. શિવ ભક્તો આખો મહિનો શિવજીની પૂજા આરાધના કરીને ભોળાનાથને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. શિવજી માટે કહેવાયું છે- ‘रुतम्-दुःखम्, द्रावयति-नाशयतीति रुद्रः’ અર્થાત્ રુદ્ર બધા જ પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ભક્ત રુદ્રાભિષેક કરે છે તેને ત્યાર પછી કોઈપણ પ્રકારની પૂજાની જરૂર નથી રહેતી. ‘ब्रह्मविष्णुमयो रुद्रः’ અર્થાત્ બ્રહ્મા વિષ્ણુ પણ રુદ્રમય છે. રુદ્રાભિષેક કરવાથી બધા જ દેવોની પૂજા થઈ ગઈ ગણાય છે. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર શિવજીને રુદ્ર અત્યંત પ્રિય છે. શિવ પુરાણના આઠ અધ્યાયમાં 176 મંત્ર છે, જેના પાઠ થકી શિવજીનો રુદ્રાભિષેક કરવામાં આવે છે. તેમાં ગણેશજી, વિષ્ણુ, ઈન્દ્ર, સૂર્ય, રુદ્ર, સોમ, મરૂત અને અગ્નિનું સ્તવન કરવામાં આવ્યું છે. આ મંત્રોમાં બીજા પણ અસંખ્ય દેવી દેવતાઓનું સ્તવન કરવામાં આવ્યું છે. રુદ્રનો અભિષેક કરવાથી બધા દેવોના અભિષેક કરવાનું ફળ એ જ ક્ષણે મળી જાય છે. રુદ્રાભિષેકમાં આખા સંસારની મનોકામના પૂર્ણ કરવાની શક્તિ છે. પોતાની જરૂર અનુસાર ભક્ત અલગ અલગ પદાર્થથી અભિષેક કરી ઈચ્છિત ફળ મેળવી શકે છે. પુત્ર પ્રાપ્તિ માટે દૂધ, યશ માટે શેરડીના રસ, ઉત્તમ પતિ પત્નિની પ્રાપ્તિ તથા દેવામાંથી મુક્તિ માટે મધ, રોગથી મુક્તિ માટે કુશ અને જળ, અષ્ટલક્ષ્મી માટે પંચામૃત અને મોક્ષની પ્રાપ્તિ માટે તીર્થજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરતા સમયે મહામૃત્યુંજય મંત્ર, શિવ તાંડવ સ્તોત્ર, ઓમ નમઃ શિવાય અથવા રુદ્રમંત્રનો જાપ કરો. અભિષેક સમયે ઘરના દરેક વ્યક્તિ હાજર રહેવું જોઈએ અને ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. અભિષેકમાંથી એકઠા કરેલા પાણીને આખા ઘરમાં છંટકાવ કરો અને પછી તેનો પ્રસાદ ગ્રહણ કરો. ભગવાન શિવની કૃપા હંમેશા આપ પર બની રહેશે.
।। जय हो भोलेनाथ की ।।
✍️ : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
ધાર્મિક કથા : ભાગ 234
શ્રાવણ વદ પાંચમ નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. 🪱 👏
આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર નાગપૂજાની પરંપરા આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે અનંત, વાસુકિ, શેષ, પદ્મનાભ, કંબલ, શંખમાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય એ નવ કુળના સર્પ, નવકુળ નાગ કહેવામાં આવ્યા છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે અને એમના ગળામાં નાગ શોભાયમાન છે. આ કારણે પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે. આ દિવસે ખાસ કરીને ઘરનાં પુરુષવર્ગ ઘરની પૂર્વાભિમુખ દિવાલ પર પાણીયારા પાસે નાગ દેવતાની લાલ કંકુ કે કાળા રંગથી આકૃતિને ચીતરવામાં આવે છે. એ પછી રૂની દિવેટનાં હાર બનાવીને પ્રતિકૃતિ બન્ને છેડે ચોંટાડવામાં આવે છે, જે નાગલા કહેવાય છે. ઘીનો દીવો કરી પૂજન કરે છે અને બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવૈદ્ય ધરાવે છે. ત્યારબાદ કંકુ-ચોખા ચઢાવીને નાગદેવતાની આરતી કરી પૂજન કરાય છે તેમજ શ્રીફળ પણ વઘેરાય છે. પુરુષો બાજરીનાં લોટની ઘી ગોળની કુલેરની લાડુડી બનાવી ફરાળ કરે છે અને તેનો પ્રસાદ વહેચાય છે. પૂજન કરનારી ઘરની વ્યક્તિ કુલેરને આરોગીને ફરાળ કરે છે. કેટલાક સ્થળોએ સ્ત્રી વર્ગ પણ ટાઢું જમી, કુલેર ખાઈને ‘નાગપંચમી’નું વ્રત રાખે છે. લોકો નાગને પિતૃ સમાન માની તેનું પૂજન કરે છે, જેથી પોતાનાં પરિવારને રક્ષણ મળે. આજનાં પર્વે નાગનાં દર્શન પવિત્ર મનાયા છે. દેશમાં ખેતી કરનારો વર્ગ નાગપૂજા કરી, તેમનાં પાકને તેનાથી રક્ષણ મળે તેવી કામના કરે છે. ગુજરાતમાં ચરમાળીયા નાગ (ચોકડી-ચુડા કે જ્યાં ઝાલા રાજ પરીવાર દ્વારા ધજા ચઢાવવામાં આવે છે.), શેષનાગ (ડીસા-ઢીમા), ગોંગા નારાયણ (દાહોદ), ભૂજિયો ડુંગર (ભૂજ), અર્બુદાનાગ (અંબાજી- આબુ), નાગનાથ (જામનગર), શેષનારાયણ (સોમનાથ પ્રભાસ) તથા સૌરાષ્ટ્રની સર્પભૂમિ થાનગઢમાં આવેલું વાસુકી દાદાનું મંદિર એ જાણીતા નાગતીર્થો છે. વાસુકી નાગનું ભારતવર્ષમાં પૌરાણિક મહત્ત્વ છે. થાનગઢનાં વાસુકી મંદિરનાં મહંતશ્રી ભરતગીરીએ જણાવ્યું હતું કે શંકર ભગવાનનાં ગળામાં શોભાયમાન એવા વાસુકી નાગનો ઉપયોગ સમુદ્રમંથન સમયે નેતરા તરીકે ઉપયોગ થયો હતો. પ્રિતમ તળાવનાં કિનારે આવેલું આ મંદિર એક હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું જણાય છે તેમજ આજ વિસ્તારના રમણીય વનમાં બાંડીયાબેલીમાં પણ નાગમંદિર છે. થાન-લખતર સંસ્થાનનાં રાજાશાહીનાં સમયથી (વર્તમાન રાજવી 95 વર્ષીય ઠા. સા. શ્રી બલભદ્રસિંહજી ઝાલા) લખતર સ્ટેટ તરફથી આરતીમાં મશાલ આવે છે. આમ, નાગ-સર્પની પૂજા સર્વ ધર્મ અને સર્વ સંપ્રદાયોમાં કરવાનો રિવાજ છે.
।। श्री नवनाग स्तोत्र ।।
अनन्तं वासुकिं शेषं पद्मनाभं च कम्बलं
शन्खपालं ध्रूतराष्ट्रं च तक्षकं कालियं तथा
एतानि नव नामानि नागानाम च महात्मनं
सायमकाले पठेन्नीत्यं प्रातक्काले विशेषतः
तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत
ll इति श्री नवनागस्त्रोत्रं सम्पूर्णं ll
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877