જીવનચરિત્ર કથા : ભાગ 237
ગ્રામમાતા : અનુબેન ઠક્કર [૧૯૩૬ – ૨૦૦૧] નો આજે જન્મદિવસ છે.
જન્મ કચ્છના અંજારમાં પણ ઉછેર થયો સાણંદમાં થયો. અનુબેન બચપણમાં વિવેકાનંદથી પ્રભાવિત થયા હતા. મુનિશ્રી સંતબાલજી અને મૌની મહારાજના પ્રભાવે તેઓને સમાજસેવાની પ્રેરણા આપી હતી. આઝાદી પછી રાજકારણમાં જોડાવાની અને શહેરોમાં વસવાની હોડ મચી હતી ત્યારે અનુબેને ૧૯૭૮માં સમાજસેવા અર્થે વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે ધૂણી ધખાવી. પહેલા તો તેમના શુભેચ્છકોએ ચેતવ્યા પણ ખરા પણ સામા પ્રવાહે તરવા જેવી સ્થિતિમાં તેમણે ગામડાઓમાં કામ શરુ કર્યું. પહેલા તો આશ્રમ સ્થાપી છોકરાઓને ભણાવવાનું શરુ કર્યું. ગરીબ બાળકોને દત્તક લીધા. શારદા મંદિર સંસ્થા દ્રારા બાળમંદિર, પ્રાથમિક, માધ્યમિક અને ધોડિયા ધરો ચાલુ કર્યા. ગ્રામીણ મહિલાઓને ભરત-ગુંથણ-સીવણની તાલીમ આપી સ્વાશ્રયનો ખ્યાલ આપ્યો. ૧૯૮૧ માં આરોગ્ય મંદિર શરુ કરી ખુબ જ ઓછા દરે દર્દીઓની સારવાર શરુ કરાવી સાથે અન્નપૂર્ણા મંદિરમાં દર્દીઓના સગાઓને વિનામુલ્યે ભોજનની સુવિદ્યા ઉભી કરી. અમદાવાદ સિવાય ક્યાંય કેન્સર હોસ્પિટલ ન હતી ત્યારે કૈલાશ કેન્સર હોસ્પિટલ ઉભી કરી. વાનપ્રસ્થ મંદિર દ્રારા ભજન -કીર્તન, સત્સંગ, ધ્યાન અને વાંચનની વ્યવસ્થા ઉભી કરી તો ગૌશાળા દ્રારા બાયોગેસ અને પશુપાલનની તાલીમ આપી. આ સંસ્થાનો ઉદ્દેશ “અમને રોટલો ન આપશો પણ રોટલો કેમ કમાવવો તે બતાવો” સાર્થક કર્યું હતું . અનુબેનના સેવાયજ્ઞની અશોક ગોંધિયા [૧૯૯૬], જાનકીદેવી બજાજ એવોર્ડ અને મેવાડ ફાઉન્ડેશન દ્રારા કદર થઇ છે .૧૮ ડિસે .૨૦૦૧ના રોજ આ ગ્રામમાતાનું અવસાન થયું. ગુજરાત અનુબેન જેવા પાયાના કાર્યકરોથી રળિયાત છે. ભાવવંદન 👏 💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877