ધાર્મિક કથા : ભાગ 247
ભાદરવા સુદ ચોથ : ભગવાન ગણેશજીની જન્મકથા
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
શ્રીગણેશજીનો જન્મ ભાદરવા સુદ ચોથના પવિત્ર દિવસે થયો હતો. સ્કંદપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, લીંગપુરાણ, શિવપુરાણ, મુદગલ પુરાણ, ગણેશપુરાણ જેવા જુદા અનેક પુરાણમાં ગણેશજીની કથાપ્રસંગ જોવા મળે છે. શિવજી તો સ્વયં અલગારી દેવ છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય સમાધિમાં જ ગાળે છે. એક દિવસ પાર્વતીજીને એમ થયું કે હું ઘરમાં એકલી કંટાળી જઉં છું. જો, મારે સંતાન હોય તો મારો સમય વધુ આનંદમાં પસાર થાય કારણ કે કાર્તિકેય તો દક્ષિણાવર્તમાં ધર્મપ્રચાર માટે ચાલ્યા ગયેલા. એક દિવસ પાર્વતી માતાએ માટીનો પિંડ બનાવી પોતાના તપોબળથી ગણેશજીનું નિર્માણ કર્યું હતું. આમ, ગણેશજી નાયક વિના પ્રગટ થયા હતા માટે ગણેશજી ‘વિનાયક’ પણ કહેવાયા. ગણેશજીનું પ્રાગટ્ય થયું ત્યારબાદ એક દિવસ પાર્વતીજી સ્નાન કરવા બિરાજ્યા ત્યારે તેમણે ગણેશજીને દ્રારપાળ તરીકેની જવાબદારી સોંપી. ગણેશજી દ્વારપાળ તરીકે પહેરો આપતા હતા ત્યારે તે સમયે શિવજી પધાર્યા. શિવજી ઘણા સમય પછી સમાધિમાંથી પધારતા હતા. શિવજી જેવા ઘરની અંદર પ્રવેશવા ગયા તેવામાં જ ગણેશજીએ તેમને અટકાવ્યા. શિવજીને ખબર નહોતી કે આ મારો પુત્ર છે અને ગણેશજીને ખબર નહોતી કે આ મારા પિતા છે. માતૃઆજ્ઞાથી તેઓ બંધાયેલા હતા તેથી શિવજી અને ગણેશજી વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ દરમિયાન શિવજીએ ગણેશજીનો શિરચ્છેદ કર્યો. થોડા સમય બાદ પાર્વતીજી પધાર્યા અને આ ઘટના જોઈ પાર્વતી અત્યંત ક્રોધિત થયા અને વિશાળ રૂપ ધરી સ્વર્ગલોક અને પૃથ્વીલોકને ખાક કરી નાંખે તેવો ક્રોધ કર્યો. પાર્વતી પાસેથી આખીય બાબત સમજી શિવજીએ પોતાની ગણસેનાને આજ્ઞા કરી કે ઉત્તર દિશામાં જે જીવીત પ્રાણી મળે તેનું મસ્તક લઈ આવો. ગણસેના હાથીનું મસ્તક લઈ આવ્યા. શિવજીએ હાથીનું મસ્તક ગણેશજીના ધડ ઉપર સ્થાપિત કર્યું. વળી, શિવજીએ તેમને સમસ્ત ગણસેનાના ગણાધ્યક્ષ પણ બનાવ્યા. એ ઉપરાંત વરદાન આપ્યું કે કોઇપણ દેવદેવીની પૂજા કરતા પહેલા સૌપ્રથમ ગણેશની પૂજા કરવી અનિવાર્ય છે. આમ, શિવજીએ ગણેશને પૂજાનો અગ્રભાગ આપ્યો. ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરવાથી બધાં જ પ્રકારનાં સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં આવતાં વિઘ્નો તરત જ દૂર થઈ જાય છે.
👉 ગણપતિની જમણી અને ડાબી સૂંઢનું મહત્ત્વ
જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી તરફ હોય, એને સિદ્ધિવિનાયક સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે ડાબી સૂંઢવાળા ગણેશ વિઘ્નવિનાશક કહેવામાં આવે છે. સિદ્ધિવિનાયકને ઘરમાં સ્થાપિત કરવાની પરંપરા છે અને વિઘ્નવિનાશક ઘરની બહાર દ્વાર પર સ્થાપિત કરવામાં આવે છે, જેથી ઘરમાં કોઈ પ્રકારનું વિઘ્ન, એટલે કે પરેશાનીઓનો પ્રવેશ થઈ શકે નહીં. ઓફિસમાં ડાબી તરફ સૂંઢવાળા અને ઘરમાં જમણી તરફ સૂંઢવાળા ગણપતિજીને શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીના ગણેશ શુભ હોઇ ગણેશજીની મૂર્તિ માટીની હોવી જોઈએ, કેમ કે માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે. જ્યોતિષીઓ અને ધર્મશાસ્ત્રોના જાણકારોના જણાવ્યા પ્રમાણે, માટીની ગણેશ પ્રતિમા પંચતત્ત્વથી બનેલી હોય છે. એ મૂર્તિમાં જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે, એટલે એમાં ભગવાનનું આવાહન અને તેની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. માટીના ગણેશની પૂજા કરવાથી પોઝિટિવ ઊર્જા મળે છે. જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય કેમિકલ્સ દ્વારા બનેલી મૂર્તિમાં ભગવાનનો અંશ રહેતો નથી. એનાથી નદીઓ પણ અપવિત્ર થાય છે. બ્રહ્મપુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે.
✍️ : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
ધાર્મિક કથા : ભાગ 248
ભાદરવા સુદ પાંચમ : આજે ઋષિપાંચમ છે. સપ્તમ મનવન્તરના 7
ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે પોતાના તપોબળ દ્વારા અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ જરૂર મનાવીએ. 🙏🏻
ઋષિપંચમી એ ભાદરવા સુદ ૫ ને દિવસે ઉજવવામાં આવતું એક પર્વ છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે. જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈને ફળાહાર કરીને નદીએ જઈને સ્નાન કરીને હિંદુ ધર્મનાં સાત ઋષિઓ જેવાકે, કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે, તેથી આ વ્રતને ઋષિપાંચમ, ઋષિપંચમી અથવા સામા પાંચમ પણ કહે છે.
1. કશ્યપ ઋષિ🙏
બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે.
2. અત્રિ ઋષિ🙏
અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.
3.વસિષ્ઠ ઋષિ🙏
વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.
4.વિશ્વામિત્ર ઋષિ🙏
વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.
5.ગૌતમ ઋષિ🙏
ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.
6.જમદગ્નિ ઋષિ🙏
તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા.
7. ભારદ્વાજ ઋષિ🙏
ભારદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા ‘વૈમાનિકમ્’ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. ‘યંત્ર સર્વસ્વમ’ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભારદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા. આ પવિત્ર પર્વે સપ્તઋષિઓને શત કોટી વંદન 👏
✍️ : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877