પ્રકૃતિનું પ્રિસ્ક્રીપ્શન અને ‘૨૦-૫-૩’નો ડોઝ
-ડૉ. નિમિત્ત ઓઝા
રૂમમાં એ.સી, હાથમાં મોબાઈલ, સામે ટીવી અને આંગળીના એક ઈશારે ડીલીવરી એપ દ્વારા મળી જતા મનગમતા ફૂડ છતાં પણ તમે કંઈક મિસ કરો છો ? શું એવું લાગે છે કે જીવનમાં બધું જ હોવા છતાં પણ કંઈક ખૂટે છે ? સંપૂર્ણ આરામદાયક અને સગવડયુક્ત જીવન હોવા છતાં પણ કામ કરવાની આળસ આવવી, ક્યાંય મન ન લાગવું કે કારણ વગરનો થાક લાગવો. એવું લાગે કે સક્શન પંપની મદદથી કોઈએ આપણી બધી જ એનર્જી ખેંચી લીધી છે !
મોનોટોનસ જીવતર સાથે સમાધાન કરીને બેઠેલા મનને, એ સમજાતું જ નથી કે ‘વોટ ઈઝ રોંગ ?’. દોડાદોડ કરતી ખિસકોલી જેવા જીવતરથી છલોછલ ભરેલા આપણે, ક્યારેક એવા ઉર્જાવિહીન થઈને ફરતા હોઈએ છીએ કે જાણે આપણા જ મૃત્યુનો એડવાન્સમાં શોક પાળતા હોઈએ. બધી જ સગવડો હોવા છતાં પણ જો મન ઉદાસ અને શરીર થાકેલું રહેતું હોય, તો એનો અર્થ એ છે કે આપણી અંદર એક અત્યંત જરૂરી વિટામીનની ભયંકર ઉણપ છે. એ છે વિટામીન ‘N’ એટલે કે નેચર.
પુસ્તક ‘ધ કમ્ફોર્ટ ક્રાઈસીસ’માં લેખક માઈકલ ઈસ્ટર લખે છે કે આદિકાળથી આપણું મન સંઘર્ષો માટે ટેવાયેલું છે. વધુ પડતી સુખ-સગવડો આપણા માટે ઉદાસી, કંટાળો અને આળસ નોંતરે છે. માઈકલ જેને ‘ઈવોલ્યુશનરી ડીસકમ્ફોર્ટ’ કહે છે એવા કેટલાક નાના-નાના સંઘર્ષો કે અગવડો આપણને સ્વસ્થ, તંદુરસ્ત અને ખુશ રાખે છે.
મૂળભૂત રીતે આપણે પ્રકૃતિના જીવો છીએ. આપણી ઉત્ક્રાંતિ જંગલોમાં જ થયેલી છે. ગાઢ જંગલો, પર્વતો, નદીઓ, જંગલી પ્રાણીઓ, વન્યજીવો અને ખુલ્લા મેદાનો. એ જ આપણું વતન છે. જ્યારે જ્યારે આપણે લાંબા સમય સુધી પ્રકૃતિથી દૂર રહીએ છીએ, ત્યારે ત્યારે ઉત્ક્રાંતિની યાદો સાચવીને બેઠેલું આપણું સબ-કોન્શિયસ માઈન્ડ ‘હોમ-સીક’ ફિલ કરે છે. પ્રકૃતિના સાન્નિધ્ય અને સ્પર્શનો અભાવ આપણા ચિત્તને બીમાર કરી દે છે.
ડાયેટીશીયનની માફક હવે ફોરેસ્ટીશીયન હોય છે, જેઓ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રકૃતિનો ડોઝ નક્કી કરે છે. સમતોલ આહારની જેમ પ્રકૃતિનું કેટલું સેવન કરવું જોઈએ ? એની એક ચોક્કસ માત્રા નક્કી કરવામાં આવી છે. આ વિષયમાં પારંગત થયેલા ન્યુરો-સાયન્ટીસ્ટ રાશેલ હોપમેન આપણા દરેક માટે પ્રકૃતિનું એક ચોક્કસ પ્રિસ્ક્રીપ્શન સૂચવે છે. આપણા માટે અત્યંત જરૂરી એવા પ્રકૃતિના આ ડોઝને તેઓ ‘૨૦-૫-૩’ના નિયમથી ઓળખે છે.
૨૦ એટલે ૨૦ મિનીટ. આ એ સમય છે જે આપણે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ, પ્રકૃતિમાં ગાળવાનો છે. માત્ર વીસ મિનીટ. એ માટે તમે કોઈ નજીકના ગાર્ડન કે પાર્કમાં ચાલ્યા જાવ. વૃક્ષોથી સમૃદ્ધ હોય એવા કોઈ વિસ્તારમાં સમય વિતાવો. કોઈ તળાવની પાળે કે ખુલ્લા ઘાસના મેદાનમાં બેસો. પણ શરત માત્ર એટલી જ છે કે પ્રકૃતિ સાથેના સહવાસ દરમિયાન મોબાઈલ ફોન અલાઉડ નથી. પ્રકૃતિ સાથેના માત્ર વીસ મિનીટના સંપર્ક અને સંસર્ગથી આપણા સ્ટ્રેસ હોર્મોન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
પ એટલે પ કલાક. આ એ સમય છે જે દર મહીને એકવાર આપણે ‘સેમી-વાઈલ્ડ નેચર’માં ગાળવાનો છે. વાડીઓ, ખેતરો, જંગલો, નદી, નાળા કે પર્વતો. પ્રકૃતિ સાથેની આ પાંચ કલાકની મીટીંગ, આપણને ડિપ્રેશન આવતા અટકાવે છે. ન્યુરો-સાયન્ટીસ્ટના મત પ્રમાણે આપણી આસપાસ કુદરતી અવ્યવસ્થા જેટલી વધારે, માનસિક સ્વાસ્થ્યને થતો ફાયદો એટલો જ વધારે.
૩ એટલે ૩ દિવસ. આ એ સમય છે જે દર વર્ષે એકવાર આપણે ગાઢ જંગલ વિસ્તારમાં ગાળવાનો છે. એવો વિસ્તાર જ્યાં મોબાઈલ નેટવર્ક પણ ન આવતું હોય. દૂર દૂર સુધી ક્યાંય સિવિલાઈઝેશનનું નામો-નિશાન ન હોય. જીવતરની ભાગદોડથી દૂર આવેલું એવું કોઈ સ્થળ જ્યાં આસપાસ વનસ્પતિઓ, વૃક્ષો અને વન્યજીવો હોય. કુદરતના ખોળામાં વિતાવેલા સમય દરમિયાન આપણા મગજમાં આલ્ફા અને થીટા વેવ્ઝનું નિર્માણ થાય છે, જે શાંતિ અને સુખની અનુભૂતિ કરાવે છે.
જંગલ કે પ્રકૃતિની મનુષ્યમન પર થતી આ અસરો ‘ફ્રેક્ટલ્સ’ને કારણે છે. ફ્રેક્ટલ્સ એટલે એવી પેટર્ન્સ જે કોઈ ચોક્કસ આકારમાં બંધાવાને બદલે, ભિન્ન ભિન્ન કદ અને અનિશ્ચિત આકારમાં અનંત સુધી રીપીટ થયા કરે જેમકે વૃક્ષો-ડાળીઓ-પર્ણો, ઝરણા કે નદીના વળાંકો, પર્વતમાળા, વાદળો કે આકાશના તારા. કુદરતે કરેલા સર્જનોમાં ક્યાંય કાટખૂણા નથી. પૃથ્વીના વિશાળ ફલક પર પથરાયેલો પ્રકૃતિનો આ ‘ઓર્ગેનાઈઝ્ડ કેઓસ’ જ આપણા મનને શાંતિ આપે છે. કારણકે આપણે પણ નેચરનો જ એક ભાગ છીએ. પ્રકૃતિથી રિસાઈને છૂટો પડી ગયેલો, પ્રકૃતિનો જ એક નાનકડો એવો અંશ.
પ્રકૃતિના સાન્નિધ્યમાં માનસિક સ્વાસ્થ્ય પર થનારી સકારાત્મક અસરોના અનેક કારણો છે. સૂર્યપ્રકાશ, મોકળાશ, ભીની માટીની સુગંધ, પક્ષીના અવાજો, કોઈની દરકાર વગર ખીલી ઉઠેલા જંગલી ફૂલો, તાજી ઉગેલી કુંપળો, પગ નીચે કચડાતા સૂકા પાંદડાના અવાજો, ખળખળ વહેતા ઝરણાનું સંગીત, અનંત સુધી પથરાયેલું ખુલ્લું મેદાન, આપણા ટચુકડા અહંકાર કરતા અનેકગણા ઊંચા પહાડો અને આપણને સતત નિહાળતું ઉપર ગગન વિશાળ. આપણે આ જ તત્વોના બનેલા છીએ અને એમાં જ ભળી જવાના છીએ. તો એના તરફનો લગાવ, ખેંચાવ અને આકર્ષણ થાય એ સ્વાભાવિક છે.
-ડૉ. નિમિત્ત ઓઝા


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877