Ahmedabad
પૂર્ણતાને પંથે – સંકેત
પ્રકરણ-૧૬
પૂર્ણતા-૩
આકાશ શૂન્ય છે, અર્થાત કંઈ નથી. બસ એ જ પ્રકારે પૂર્ણતા છે કે જે સ્વયં કંઈ જ નથી, તો પણ સર્વને ધારણ કરે છે. પ્રારંભમાં સાધનાની અંદર થોડા ઘણા સાધકો અંતરનિહિત પ્રસ્થાન બિંદુ ભ્રુકુટીની મધ્યમાં થનારી એ ઘટનાને સર્વ કંઈ માનીને રોકાઈ જાય છે, અગર તો ત્યાં જ ગૂંચવાઈ જાય છે.
થોડાક કુદરતના નિયમો સમજીએ. આપણું ચિત્ત વસ્તુલક્ષી છે, વાસ્તવિકતાલક્ષી નથી. આપણું ચિત્ત વાસ્તવિકતા પ્રતિ જતું નથી. વસ્તુઓ તો આવે છે અને જાય છે, જ્યારે વાસ્તવિકતા છે એ હંમેશા રહે છે. જે આવે છે એને જાય છે એને આપણે મિથ્યા કહીએ છીએ અને જે હંમેશા રહે છે એને સત્ કહીએ છીએ. રસ્તા ઉપર ટ્રાફિક છે. વાહનો આવે છે અને જાય છે. ટ્રાફિક વધે ઘટે છે; પણ રસ્તો છે એ વાસ્તવિકતા છે, જ્યારે ટ્રાફિક છે એ મિથ્યા છે.
આપણા મગજની અંદર વિચારોનો ટ્રાફિક છે. તો વિચાર એ પણ એક જાતની વસ્તુ છે. પણ એ સૂક્ષ્મ દ્રવ્ય છે. જે ઇન્દ્રિયોની પકડમાં આવે છે એને આપણે સ્થૂળ કહીએ છીએ. આપણી અંદર વિચારોનો ટ્રાફિક છે, પણ એ ટ્રાફિકને આપણે જોઈએ છીએ ખરા? બીજી વાત એ છે કે આપણા ચિત્તની જે ક્વોલિટી છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. એક સ્કૂલની અંદર બ્લેકબોર્ડની અંદર ટપકું મૂકીને શિક્ષકે પૂછ્યું કે શું દેખાય છે? બધાએ સહજ રીતે કહ્યું કે ટપકું દેખાય છે. બધાને નાનું ટપકું દેખાય છે પણ મોટું બ્લેકબોર્ડ દેખાતું નથી. આનો અર્થ એ કે આપણું ચિત્ત છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે. જે વસ્તુ છે એને કારણે વાસ્તવિકતા ઢંકાઈ જાય છે. બ્લેકબોર્ડની અંદર એક-બે ટપકા કરીએ યા સો-બસો કરીએ, પણ આ ટપકા તો આવે અને જાય; ભૂંસાઇ જાય છે, અને બ્લેકબોર્ડ જ્યાં અને ત્યાં જ રહે છે. મિથ્યા અને સત્ વચ્ચે આ ભેદ છે.
વિચારોને જોવાની પ્રક્રિયા એ વસ્તુને જોવાની આપણી યાંત્રિક ટેવ છે. જે લોકો જાગ્યા છે તેઓ હંમેશા કહે છે કે વિચારોને જોવાના નથી, પણ વિચારો જ્યાં આવે છે અને જાય છે એને જોવાના છે. ટ્રાફિક જોવાનો નથી પણ જે રસ્તા ઉપર ટ્રાફિક છે એ રસ્તાને જોવાનો છે. વિચારોને જોવા એને કોન્સન્ટ્રેશન કહીએ અને વિચારોના રસ્તાને જોવો એને મેડીટેશન કહીએ. મેડીટેશન થોડું ગહેરું છે. પણ શરૂઆત અહીંથી થાય છે. એટલે પછી અનુભવીઓ બે વિચારો વચ્ચેની ગેપને જોવાનું કહે છે. કારણ કે ગેપ છે એ વાસ્તવિકતા છે. વિચારો તો આવે છે અને જાય છે, તેથી મિથ્યા છે. વિચારો તો પરસ્પર અથડાય છે, આવે છે અને જાય છે, પરંતુ અંદર જે સત્તા પડી છે, જેની ઉપર વિચારોનો પ્રવાહ ચાલે છે એને શું? વિચારો તો સારા હોય અને ખરાબ પણ હોય. આપણે તે પ્રતિ સભાન રહેવું પડે. પણ આપણે સભાન રહી શકતા નથી. સભાન રહેવાનું આપણે એકડે એક થી શીખવાનું છે.
ભટકતા ચિત્તને એક ઠેકાણે બેસાડવું એનું નામ એકાગ્રતા. ભીતરમાં હજાર પ્રકારની ઈચ્છાઓ, વાસનાઓ અને કામનાઓ છે. એટલે ચિત્ત ભટક્યા કરે છે. આ બધી ઈચ્છાઓ, કામનાઓ ઓછી થાય તો ચિત્તનો ભટકાવ ઓછો થાય અને પછી ક્યાંક ક્યાંક એકાગ્ર થાય. ચિત્તની યાંત્રિક હેબિટ પદાર્થલક્ષી હોય એને સેવા-પૂજા, માળા જેવા આધાર આપે; એટલે એટલો ભટકાવ ઓછો થાય.
(ક્રમશઃ)
🌹 સ્વામી બ્રહ્મવેદાંતજી


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877