ધાર્મિક કથા : ભાગ 264
ગીતા જયંતીનું મહત્વ
🕉️ 🙏🏻 🙏🏻 🙏🏻 🕉️
શુક્રવારે માગશર સુદ અગિયારનો ક્ષય હોવા છતાં મોક્ષદા એકાદશી મૌની એકાદશી, ગીતા જયંતિ તરીકે શ્રદ્ધા ભક્તિપૂર્વક મનાવવામાં આવશે. જીવનનાં તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો અંતિમ ઉપાય શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. આ તહેવાર હિન્દૂ ઘર્મમાં ખાસ મહત્વ ઘરાવે છે. વિશ્વમાં કયાંય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી. ફક્ત શ્રીમદ્ ભગવદ ગીતા એક એવું પુસ્તક છે કે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના સૌથી મોટા પુસ્તક ભગવદ ગીતાને હિન્દુ ઘર્મમાં સર્વોચ્ચ સ્થાન માનવામાં આવે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતી તરીકે મનાવામાં આવે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન તેના મિત્રો તથા સ્વજનોને તેની સામે દુશ્મન તરીકે જોઈને વિચલિત થઈ જાય છે અને શસ્ત્રો ઉપાડવાનો ઇનકાર કરે છે ત્યારે ભગવાન કૃષ્ણે સ્વયં અર્જુનને માનવ ધર્મ અને કર્મ વિશે શીખવે છે. આ ઉપદેશ શ્રીમદ ભગવદ ગીતામાં લખાયેલો છે, જેમાં માનવ જાતિના તમામ ધર્મો અને કર્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુરુક્ષેત્રનું મેદાન શ્રીમદ ભગવદ ગીતાનું મૂળ સ્થાન છે. એવું કહેવાય છે કે શ્રીમદ ભગવદ ગીતાનો જન્મ કલિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલા જ થયો હતો, જેને નંદી ઘોષ રથના સારથિ તરીકે સ્વયં શ્રી કૃષ્ણએ જન્મ આપ્યો હતો. ગીતાનો જન્મ આજથી લગભગ 5141 વર્ષ પહેલા થયો હતો. ગીતા જયંતિ મોક્ષદા એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવદ્ ગીતાનું વાંચન અને શ્રવણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ખાસ દિવસે હિંદુ ધર્મગ્રંથ ગીતા, ભગવાન શ્રી કૃષ્ણ અને મહર્ષિ વેદ વ્યાસજીની પૂજા કરવામાં આવે છે. મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે. જેમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગની ચર્ચા કરવામાં આવે છે. આમાં પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ ત્યારબાદ 6 અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિયોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. શ્રીમદ ભગવત ગીતાના થોડાક શ્લોકોના અપવાદ સિવાય, આદી ગીતા અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને સાચા ખોટાનો ભેદ સમજાવ્યો હતો તે શ્લોક સ્વરૂપે વર્ણવેલ છે. માનવે દરેક ૫રિસ્થિતમાં ઘૈર્યથી કામ લેવું અને આ મહામુલા માનવ જીવનનો સાચા અને સારા કાર્યોમાં ઉ૫યોગ કરવો તે શ્રીમદ ભગવત ગીતામાંથી શીખવા મળે છે. બીજા ધર્મગ્રંથની જેમ શ્રીમદ ભગવદ ગીતા કશું કરવા માટે આગ્રહ કરતી નથી પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે. શ્રીમદ ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો પુછે છે, જેનો જવાબ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ આપે છે અને પોતાના વિરાટ સ્વરૂપનું દિવ્ય દર્શન પણ કરાવે છે. શ્રીમદ ભગવદ ગીતાના ઉ૫દેશ મુજબ માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે. યુદ્ધમાં પીછેહઠ કર્યા વગર આગળ વધવું તે જ ગીતાનો સંદેશ છે. ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે ૩૦૬૭ નો માનવામાં આવે છે. ગીતા જયંતીની આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ…🌷🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877