ધાર્મિક કથા : ભાગ 337 શ્રાદ્ધનો ઇતિહાસ અને મહત્વ : Manoj Acharya

Views: 7
0 0
Spread the love

Read Time:5 Minute, 11 Second

ધાર્મિક કથા : ભાગ 337
શ્રાદ્ધનો ઇતિહાસ અને મહત્વ
🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે, પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે. દેવ ઋણ, આચાર્ય (ગુરૂ) ઋણ અને પિતૃ ઋણ. શ્રાદ્ધનો ભાવ એ છે કે પિતૃઓને આપણે સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરીએ અને આ જ શ્રદ્ધા સુમન સમર્પિત કરવાનો ભાવ શ્રાદ્ધમાં છે. શ્રાદ્ધની જે પરંપરા છે એ શ્રૂષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી. મહાભારત શાંતિ પર્વના દાન-ધર્માનુશાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે. યુધિષ્ઠિરે ભિષ્મ પિતામહને પ્રશ્ન પૂછયો કે, “હે પિતામહ શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ?” ત્યારે એનો જવાબ આપતાં ભિષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવે છે કે, પિતૃઓનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભકાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી. શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે. બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે, “પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે.” એ પછી મૃત્યુ લોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ ‘નિમિ રાજા’ એ કર્યું છે અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વી લોક ઉપર ચાલી આવી છે. શ્રાદ્ધ દેવલોકમાં પણ થાય છે અને મૃત્યુ લોકમાં પણ થાય છે. વળી અમુક તિથિઓમાં એના સમયે શ્રાદ્ધ કરવાનું વિશિષ્ટ ફળ છે. જેમકે ભાદરવા માસ – આખો મહિનો કે જેમાં શુક્લ પક્ષ એ દેવોનો અને કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો ગણાય છે. હવે કૃષ્ણ પક્ષમાં એકમનું જે શ્રાદ્ધ છે તે સંતતિ પ્રદાન કરવાવાળું છે. આ શ્રાદ્ધ જે વ્યક્તિ કરે તેને પિતૃઓની કૃપાથી વંશ વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અમાવસ્યાનું શ્રાદ્ધ એ સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રાદ્ધ છે. શ્રાદ્ધ પક્ષમાં “કાગવાસ” નાંખવામાં આવે છે તેનું પણ ખાસ મહત્વ છે. આપણા પુરાણોની દ્રષ્ટિએ જોઈએ તો કાગડાનું આયુષ્ય આશરે બસ્સો વર્ષનું છે એટલે કાગડાએ આપણા પૂર્વજોને જોયાં છે એમ માનવામાં આવે છે, તેથી વાસ નાંખવાનો મહિમા છે અને ભાદરવા મહિનામાં જ કાગડી સગર્ભા બનતી હોય છે. આ કાગડીને પુરતું અન્ન મળી રહે અને એ તૃપ્ત થાય એના માટેની આ ઋષિ મુનિઓની એક વ્યવસ્થા છે કે પિતૃઓના માધ્યમથી પણ પક્ષીઓ તૃપ્ત થાય. વળી શાસ્ત્રોમાં એવો પણ એક મત છે – માન્યતા છે કે, કાગડાના ચરકમાંથી ‘વટ વૃક્ષ’ અને ‘પીપળા’ના વૃક્ષનું સર્જન થયું છે. એમાં પણ ખાસ કરીને પીપળાનું વૃક્ષ એ બધા જ વૃક્ષોમાં સૌથી વધારે ઓક્સિજન આપવાવાળું વૃક્ષ છે. તેથી આ એક વ્યવસ્થા છે કે ઓક્સિજન પણ સારી રીતે પૃથ્વી પર જળવાઈ રહે અને પક્ષીઓ પણ તૃપ્ત થાય. શ્રાદ્ધમાં દૂધપાક કે ખીર ખાવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષથી આરંભી અને શરદ પર્ણિમા સુધી આપણે ત્યાં દૂધ સેવનનું મહત્વ એટલા માટે છે કે આયુર્વેદની રીતે જોઈએ તો એસિડિટી જેવા રોગોનો પણ નાશ દૂધથી થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર દૂધપાકનું ભોજન એ પિતૃઓને તૃપ્ત કરવાવાળું છે. પિતૃઓની જ્યારે પરિવાર ઉપર કૃપા થાય છે ત્યારે ધન-ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થતી હોય છે. જ્યારે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય તો ઘરમાં ક્લેશ-કંકાસ કરવો નહીં. પિતૃઓને શાંતિ પ્રિય છે. “ધર્મ સિંધુ”માં એમ કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ કરવાથી બે હજાર વર્ષ સુધી પિતૃઓને સદ્ગતિ પ્રાપ્ત થાય છે. આમ શ્રાદ્ધ કરીને પિતૃઓનું આપણે સાચું તર્પણ કરીએ. અસ્તુ…
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *