✒લેખક: ડૉ. નિમિત્ત ઓઝા
દીકરીને
પાઉટ કરેલા મોઢા સાથે અલગ અલગ એન્ગલથી સેલ્ફીઓ પાડી, તેમાં બ્યુટી-ફિલ્ટર ઉમેરી, એમાંથી બેસ્ટ ફોટો પોતાના ઇન્સ્ટા કે ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને લાઈક્સ, એટેન્શન અને પ્રશંસા માટે વલખા મારતી દીકરીઓને જોઉં છું ત્યારે ખરેખર મને ચિંતા થાય છે.
મારી દીકરી અત્યારે ફક્ત આઠ વર્ષની છે. આ વાત સમજવા માટે હજી ઘણી નાની છે પણ તેમ છતાં મેં એના માટે આ લખ્યું, એવું વિચારીને કે એ સમજણી થશે, પછી તેને આ વંચાવીશ. પછી મને થયું કે ફક્ત મારી દીકરીને જ શું કામ, જગતની તમામ દીકરીઓને મારે આ કહેવું જોઈએ. ફક્ત દીકરીઓને જ નહીં, મારી પત્નીને, મારી એક્સ ગર્લફ્રેન્ડને, મારી સાથે કોલેજમાં ભણતી અથવા તો જેને હું ક્યારેય મળ્યો નથી એવી તમામ છોકરીઓને મારે આ કહેવું જોઈએ….. કે મેલ એટેન્શન સર્વસ્વ નથી. મારી દીકરી સાથેનો મારો કાલ્પનિક મોનોલોગ તમારી સાથે શેર કરું છું.
પ્રિય દીકરી, આઇન્સ્ટાઇને કહેલું કે તમારું જીવન જો તમે ખુશીથી પસાર કરવા માંગતા હોવ, તો એને વ્યક્તિઓ સાથે નહીં, કોઈ ઉદેશ્ય સાથે જોડી રાખજો. બેટા, આ જગત એક પુરુષના એટેન્શનથી અનેકગણું વધારે વિશાળ છે. જો તારે એક સંતૃપ્ત, સમૃદ્ધ, સ્થિર અને સુખી જીવન જીવવું હોય, તો તારી જિંદગીને ક્યારેય એક પુરુષે આપેલા મહત્વની આસપાસ મર્યાદિત ન કરી નાંખતી. તારી સુંદરતા અને સ્ત્રીત્વની સૌથી વધારે કદર ફક્ત તું જ કરી શકીશ. એ માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતી. મેલ એટેન્શન સિવાય પણ આ જગતમાં પામવા જેવું ઘણું બધું છે. એન્ડ આઈ મીન ઈટ.
કોઈ પુરુષે તને આપેલું મહત્વ, એ ફક્ત તે એક ક્ષણનું સત્ય છે. આવનારી ક્ષણમાં કદાચ એ સત્ય બદલાય પણ જાય. પરંતુ એનાથી તારી અંદરનું વાતાવરણ બદલાવું ન જોઈએ. પુરુષો દ્વારા મળતું મહત્વ ક્યારેક તેમના વિચારોને કારણે નહીં, તેમની વૃત્તિને કારણે હોય છે. તારી સેલ્ફ-વર્થ ફક્ત તું જ નક્કી કરી શકે છે. તારા ઈન્સ્ટા કે ફેસબુક એકાઉન્ટ પર મળતી લાઈક્સથી તારું મૂલ્ય કે લાયકાત નક્કી ન કરતી.
તેં જોયેલા સપનાઓ જીવવા માટે તને કોઈ પુરુષના સમર્થનની જરૂર નથી. તારા પેશન ફોલો કરવા માટે તારે કોઈની પરવાનગી લેવી નહીં પડે. તારી પોતાની જાત વિશેની માન્યતા અને વિશ્વાસ મજબૂત રાખજે. એક પુરુષ દ્વારા સ્વીકાર પામવાના લક્ષ્યની આસપાસ તારા જીવનને બાંધી ન રાખતી. એને વિસ્તરવા દેજે. દીકરી, આ આખું આકાશ તારું છે અને એમાં ઉડવા માટે તારે કોઈના સર્ટીફીકેટ કે ‘ફ્લાયીંગ લાયસન્સ’ની જરૂર નથી.
અયોગ્ય સ્થળો કે વ્યક્તિઓ પાસે તારું ‘મહત્વ’ શોધતી રહીશ, તો આખું જીવન સ્વીકારની શોધમાં જ પસાર થઈ જશે. કોઈને ઈમ્પ્રેસ કરવાના પ્રયત્નો કરતા રહેવા માટે આ જીવન બહુ ટૂંકુ છે. તારું એ વર્ઝન બનાવજે, જે તને પોતાને ગમે. એવું નહીં, જે તને લાગે છે કે કોઈ પુરુષને ગમશે. પુરુષના ગમા-અણગમા બહુ તકલાદી અને ક્ષણિક હોય છે. એના પર વધારે ભરોસો કરીશ, તો દુઃખી થઈશ. પુરુષનું એટેન્શન પામવાની ઝંખનામાં તારી ઓરીજીનલ જાત ક્યાંક ખોવાઈ ન જાય, એની કાળજી લેજે. જીવનમાં સતત કોઈ પુરુષની હાજરી, એ તારા સ્ત્રીત્વનું પ્રમાણ ન હોય શકે.
બેટા, આપણે હવે એક એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં ‘સેક્સી’નો અર્થ ઈન્ટેલીજન્ટ છે. તારો સમય પાર્લરમાં ઈન્વેસ્ટ કરવાને બદલે, પુસ્તકોમાં કરજે. પાર્લરની ચમક બહુ જલદી ઝાંખી પડી જશે, પુસ્તકોની આજીવન રહેશે. તોલ્સતોયે કહેલું કે ‘એક યુવાન પુરુષની સૌથી મોટી જરૂરીયાત એક બુદ્ધિશાળી સ્ત્રીની કંપની હોય છે.’
જાતનો ઉદ્ધાર કરતી રહેજે. દુનિયાની સફરે નીકળી પડજે. કાનમાં ગમતું મ્યુઝીક અને હાથમાં ગમતું પુસ્તક હશે, તો આ જીવન ક્યારેય કંટાળાજનક કે એકલવાયું નહીં લાગે. અંતમાં લેડી ગાગાના શબ્દો યાદ રાખજે : ‘કેટલીક સ્ત્રીઓ પુરુષોને ચેઝ કરતી હોય છે, કેટલીક પોતાના સપનાઓને. કઈ દિશામાં જવું એની દ્વિધા હોય, તો હું એટલું કહીશ કે કોઈ સવારે ઉઠીને સપનાઓ ક્યારેય તમને એવું નથી કહેવાના કે આઈ ડોન્ટ લવ યુ એનીમોર.’
-ડૉ. નિમિત્ત ઓઝા


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877