ધાર્મિક કથા – ભાગ 1
દશાવતાર
🕉️🕉️🕉️🕉️🕉️
આપ સૌએ શ્રાવણ માસ દરમ્યાન શિવ કથાના 28 ભાગોનું ખુબ જ ભક્તિમય બનીને રસપાન કર્યું અને તે સૌને ખુબ જ ગમ્યું છે. અનેક લોકોનાં ફોન અને મેસેજ આવ્યા છે અને સૌની લાગણી છે કે ભગવાનની અન્ય કથાઓનું પણ રસપાન કરાવો, જેથી આજથી હું મનોજ ઇન્દ્રવદન આચાર્ય એનો શુભારંભ કરી રહ્યો છું, જે “ધાર્મિક કથા” નાં શિર્ષક નીચે ક્રમશઃ ભાગ આવતા જશે. આપ સૌને એક નમ્ર વિનંતી છે કે શક્ય હશે ત્યાં સુધી નિયમિત રહેવાનો પ્રયાસ કરીશ પરંતુ અમારી સંસ્થા શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ તથા પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં કાર્યક્રમોને હિસાબે તથા મારી અન્ય સામાજીક પ્રવૃત્તિઓને હિસાબે હું સતત વ્યસ્ત રહેતો હોવ છું એટલે ક્યારેક આ કથામાં વિક્ષેપ પડે તો દરગુજર કરશોજી. 🙏🏻
દશાવતાર
હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુના દસ અવતારો, જે વિવિધ યુગમાં યથાયથા દેહ ધારણ કરીને અનિષ્ટોનો નાશ કરે છે.
દશાવતાર એટલે વિષ્ણુના દસ અવતાર. શ્રીમદ્ ભાગવતમ્માં વિષ્ણુના મુખ્ય દસ અવતારોનો ઉલ્લેખ છે. હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલક ગણવામાં આવે છે. જ્યારે જ્યારે માનવજાતિને કે દેવોને કષ્ટ કે ભય ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે વિષ્ણુ અવતાર લે છે અને સંકટ ટાળે છે. વિષ્ણુના આવા મુખ્ય દસ અવતારોને દશાવતાર કહેવામાં આવે છે. જેમાં નીચેના દસ (બલરામ અને બુદ્ધના ભેદને ધ્યાનમાં લેતા ૧૧) અવતારોનો સમાવેશ થાય છે, જે પૈકીનો કલ્કિ અવતાર ભવિષ્યમાં થવાનો છે અને બાકીના બધા જ અવતારો અવતરી ચુક્યા છે.
૧. મત્સ્ય – માછલીનાં રૂપમાં
૨. કુર્મ – કાચબાનાં રૂપમાં
૩. વરાહ – ભૂંડ કે ડુક્કરનાં રૂપમાં
૪. નરસિંહ – અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું
૫. વામન – બાળકનાં રૂપમાં
૬. પરશુરામ – મનુષ્ય રૂપે, ગુસ્સામાં અને હાથમાં કુહાડી ધારણ કરેલા
૭. રામ – મનુષ્ય રૂપે, સૌમ્ય
૮. કૃષ્ણ – મનુષ્ય રૂપે, મુત્સદી (મોટેભાગે પ્રેમમુર્તિ તરીકે ચિત્રણ)
૯. બુદ્ધ – મનુષ્ય રૂપે, યોગી
૧૦. કલ્કિ – મનુષ્ય રૂપે, યોદ્ધા
.(બલરામ) – મનુષ્ય રૂપે, કૃષ્ણના મોટાભાઈ
કેટલાક સંપ્રદાયોમાં બલરામને વિષ્ણુનો મુખ્ય અવતાર નથી ગણવામાં આવતો, બલ્કે બુદ્ધને વિષ્ણુના અવતાર માનવામાં આવે છે, જ્યારે અમુક સંપ્રદાયો બલરામને વિષ્ણુના દશાવતાર પૈકીનો એક ગણાવે છે.
ભગવદ્ ગીતાના જ્ઞાનકર્મસંન્યાસયોગ નામના ચોથા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, “જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, ત્યારે ત્યારે ધર્મને ઉપર ઉઠાવવા માટે હું જન્મ લઉં છું”. ભગવાન આગળ કહે છે, “દુરિજનોના વિનાશ માટે, સજ્જનોના ઉદ્ધાર માટે અને ધર્મની પુન:સ્થાપના કરવા માટે હું હર યુગમાં પ્રગટ થઉં છું”.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥८॥
-ભગવદ્ ગીતા, અધ્યાય ૪, શ્લોક ૭-૮
આમ ભગવાન વિષ્ણુએ (કૃષ્ણ અવતાર દરમ્યાન) પોતાના મુખેથી એ વાત કહી છે કે તે વિવિધ યુગોમાં અવતાર લઈને પૃથ્વી પર અવતરે છે. દશાવતાર પૈકીના પહેલા ચાર અવતારો સત્યયુગમાં થઈ ગયા. તે પછીના ત્રણ ત્રેતાયુગમાં થયા અને પછીના એક દ્વાપરયુગમાં અને છેલ્લો અવતાર કલ્કિ અવતાર, કે જે હજુ વિષ્ણુએ લીધો નથી તે સાંપ્રત યુગમાં એટલે કે કલિયુગમાં થશે. શ્રીમદ્ ભાગવતમ્ અને વિષ્ણુ પુરાણ મુજબ કલિયુગના અંતમાં ભગવાન કલ્કિ રૂપે અવતરશે અને પૃથ્વિ પરથી અનિષ્ટોનો નાશ કરશે. ત્યાર બાદ મહાપ્રલય આવશે અને નવા યુગચક્રની શરૂઆત થશે.
માતાના અવતારો:-
વલ્લભ ભટ્ટ રચિત ‘આનંદનો ગરબો’માં આ દસ અવતારોને ‘મા’ના અવતારો તરીકે વર્ણવ્યા છે. જો કે તેની પાછળનું કારણ એ છે કે વલ્લભ ભટ્ટે તેમને વિષ્ણુ મંદિરમાં થયેલા અનુભવ પછી નક્કી કર્યું હતું કે તેમની આખી ઉંમર સુધી પરમેશ્વરને મા કહીને જ પ્રાર્થના તથા વર્ણન કરવું કેમકે તે માનતા હતા કે જેટલી દેવિઓ કહેવાય છે, તેનાં નામ તથા તેનાં રૂપ તે, પરમેશ્વરનાં જ નામ અને રૂપ છે.
મચ્છ કચ્છ વારાહ, નૃસિંહ વામન થઈ મા
અવતારો તે તારાહ, તુજ મહાત્મ્ય મ્હી મા. ૩૬
પરશુરામ શ્રીરામ રામ, બની બળ જેહ મા
બુદ્ધ કલંકી નામ, દશ વિધ ધારી દેહે મા. ૩૭
- આનંદનો ગરબો
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877