દાદુદાન પ્રતાપદાન ગઢવી, (૧૧ સપ્ટેમ્બર ૧૯૪૦ – ૨૬ એપ્રિલ ૨૦૨૧) જેઓ કવિ દાદ તરીકે પણ જાણીતા હતા. ગુજરાતી કવિ અને ગુજરાત, ભારતના લોક ગાયક હતા. ૨૦૨૧માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. આજે તેમનો જન્મદિવસ છે.
તેમનો જન્મ ૧૯૪૦માં ઇશ્વરીયા (ગીર) ખાતે થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપદાન ગઢવી હતું, જેઓ જુનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર હતા. તેમની માતાનું નામ કરણીબા ગઢવી હતું. તેમણે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ જુનાગઢમાં રહેતા હતા. તેમણે ૧૫ ગુજરાતી ચલચિત્રો માટે ગીતો લખ્યા હતા. તેમનુ સંપૂર્ણ સર્જન ટેરવા (૨૦૧૫) અને લચ્છનાયણ (૨૦૧૫) માં એકત્રિત કરવામાં આવ્યું છે. તેમની અન્ય કૃતિઓ ટેરવા (ચાર ભાગો), ચિત્તહરણનું ગીત, શ્રી કૃષ્ણ છંદાવલી અને રામનામ બારાક્ષરી છે. તેમના લોકપ્રિય ગીતોમાં લગ્નગીત “કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો”, કૈલાસ કે નિવાસી, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું અને હિરણ હલ્કલી છે. તેમનું પુસ્તક બંગ બાવની કેન્દ્ર સરકારે પ્રકાશિત કર્યું હતું, જે તેમણે ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમિયાન લખ્યું હતું. તેમણે પુસ્તકના વેચાણમાંથી થયેલો બધો નફો બાંગ્લાદેશ શરણાર્થીઓની રાહત માટે આપી દીધો હતો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કવિ દાદની કવિતા કાળજા કેરો કટકો મારો થી પ્રભાવિત થઇને “કુંવરબાઈનું મામેરૂં યોજના” (ગુજરાત રાજ્યમાં કન્યાના માતા-પિતાને મદદ કરવા માટેની સરકારી યોજના) ની શરૂઆત કરી હતી.
૧૯૭૭ની કટોકટી દરમિયાન તેમણે એક કવિતા લખી હતી,
બાપુ ગાંધી તમારે બારણે બેઠો, આટલું આજ તું બતાવ, આ દેશમાં કે દી હવે રામ રાજ આવે, દાદ કે આઝાદી ફરે ઉઘાડી, અને શર્મે મુખડા છુપાવે, ઝાઝા ધણીની ધણિયારીને પ્રભુ તું લુગડા પેરાવે. આ કવિતા પર કટોકટીના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર તેમજ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર મળ્યો હતો. સાહિત્ય અને શિક્ષણમાં તેમના યોગદાન માટે ૨૦૨૧માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. ૨૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877