Explore

Search

August 2, 2025 2:17 am

लेटेस्ट न्यूज़
Advertisements

નવલકથાકાર અને નાટ્યકાર શિવકુમાર જોષી (1916-88) નો આજે જન્મદિવસ : Manoj Acharya

નવલકથાકાર અને નાટ્યકાર શિવકુમાર જોષી (1916-88) નો આજે જન્મદિવસ : Manoj Acharya

નવલકથાકાર અને નાટ્યકાર શિવકુમાર જોષી (1916-88) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ૧૬ નવેમ્બર, ૧૯૧૬ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ૧૯૩૩માં તેઓએ મેટ્રિકની પરીક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૩૭માં તેઓ સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા. ૧૯૩૭ થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કપડાનો વ્યવસાય. અને ૧૯૫૮ થી કલકત્તામાં કાપડનો સ્વતંત્ર વ્યવસાય કર્યો. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા. ‘પાંખ વિનાનાં પારેવાં અને બીજાં નાટકો’ (૧૯૫૨) થી એકાંકી-નાટક ક્ષેત્રે એમણે પદાર્પણ કર્યું, તે પછી અનંત સાધના’ (૧૯૫૫), ‘સોનાની હાંસડી રૂપાની હાંસડી’ (૧૯૫૯) તથા ‘નીલાંચલ’ (૧૯૬૨), ‘નીરદ છાયા’ (૧૯૬૬), ‘ગંગા વહે છે આપની’ (૧૯૭૭) વગેરે એકાંકીસંગ્રહો એમણે આપ્યા છે. તેઓ મુખ્યત્વે શહેરી જીવનમાંથી વસ્તુ પસંદ કરે છે. શિષ્ટતા તરફ એમનું વલણ વિશેષ હોવાથી એમનું કલાફલક અંતર્મુખ વિશેષ છે. એમનાં નાટકોનો સંઘર્ષ મુખ્યત્વે પાત્રલક્ષી હોય છે. એમનાં મોટા ભાગનાં નાટકો સામાજિક છે. એમની રંગવિતરણ દ્રષ્ટિ રંગભૂમિયોગ્ય છે. એમણે ‘બે તખ્તા’ જેવા પ્રયોગો કર્યા છે તથા રેડિયો નાટક પણ મોટી સંખ્યામાં લખ્યાં છે. એમણે પચીસેક નવલકથાઓ લખી છે. એમની શૈલી પ્રવાહી અને પ્રાસાદિક છે. પ્રસ્તારી આલેખન એમની ખાસિયત છે. મોટા ભાગની નવલોમાં તેઓ વર્તમાનમાંથી અને નજીકના ભૂતકાળમાંથી મહત્વનાં સામાજિક-રાજ્કીય પરિબળોને પશ્વાદભૂમાં રાખી પ્રણયકથાની ગૂંથણી કરે છે. એમની નવલોના નાયકો ભાવનાશાળી યુવાનો છે. ખુમારીભર્યા સ્ત્રી પાત્રોને છેવટે તેઓ ભાવુક બનાવી દે છે. નવલોના પ્રસ્તારને પ્રવાસી પાત્રોનાં પ્રવાસવર્ણનો સાથે સંબંધ છે. ‘આભ રુવે એની નવલખધારે’ (૧૯૬૪) ૭૯૯ પૃષ્ઠની કથા છે તો ‘કમલ કાનન કોલોની’ (૧૯૬૮) એમની લઘુનવલ છે. એમણે ટૂંકીવાર્તાઓ પણ વિપુલ પ્રમાણમાં લખી છે. એમની વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય અને પાત્રમાનસનું નાટ્યાત્મક નિરૂપણ કરતી ભાષાશૈલી છે. એમણે પ્રવાસકથાનાં પુસ્તકો આપ્યાં છે : ‘જોવી’ તી કોતરો ને….જોવી’ તી કંદરા’ તથા ‘પગલાં પડી ગયા છે’ (૧૯૮૨). આ ઉપરાંત, લેખકના રંગભૂમિના અનુભવો ચિતાર આપતી, નાટ્યજગતનાં સંસ્મરણો આલેખતી સ્મૃતિકથા ‘મારગ આ પણ છે શૂરાનો’ (૧૯૮૦) સુવાચ્ય અને માહિતીપૂર્ણ છે. એમણે બંગાળીમાંથી ચારેક અનુવાદો પણ આપ્યા છે, જેમાં રવીન્દ્રનાથની નવલકથા ‘જોગાજોગ’ (૧૯૬૯), વિભૂતિભૂષણની નવલકથા ‘આદર્શ હિન્દુ હોટલ’ (૧૯૭૭) તથા વિજય ભટ્ટાચાર્યની કૃતિ ‘નવું ધાન’ (૧૯૭૭)નો સમાવેશ થાય છે. આભ રુવે એની નવલખ ધારે- ભાગ ૧-૨ (૧૯૬૪): શિવકુમાર જોશીની આ નવલકથા બંગાળની પાર્શ્વભૂમિ, સામ્યવાદી વિચારસરણી અને પ્રવૃત્તિઓ તથા ભારતીય ઇતિહાસના ૧૯૪૧ થી ૧૯૫૦ના મહત્ત્વના સમયગાળાને આવરે છે. સોનલ છાંય (૧૯૬૭): પિયૂ, શરદ અને અમૂલ્ય વચ્ચેના પ્રણયત્રિકોણની કથા અપરંપરાગત રીતે કહેતી, શિવકુમાર જોશીની લઘુનવલ. કથામાં અમૂલ્ય વાચકની નજર સામે મોટે ભાગે હાજર નથી; હાજર છે તેની ડાયરી. ડાયરીના અંશોને શરદના આત્મકથન સાથે વણી લઈને લેખકે એકસાથે બે જુદાં દ્રષ્ટિબિંદુઓથી કથા રજૂ કરી છે. કૃતિમાં સાહિત્યિક સ્તરની અને બોલચાલની ભાષાનું મિશ્રણ કુશળતાપૂર્વક થયું છે. દીર્ઘ વ્યાપવાળી પોતાની બીજી અનેક નવલકથાઓની સરખામણીમાં લેખક, આ કૃતિમાં વધુ કલાત્મકતા સિદ્ધ કરી શકયા છે. તેમનાં સન્માનોમાં જોઇએ તો…
૧૯૫૨ – કુમાર ચંદ્રક
૧૯૫૯ – નર્મદ સુવર્ણચંદ્રક
૧૯૭૦ – રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યા છે. ૪ જુલાઇ, ૧૯૮૮ના રોજ તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements