સેવા(6)
“તમારા માટે કંઈ જ કરશો નહીં લોકો માટે જ કરજો તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે.”
……….દાદા ભગવાન…………
દાદાજી કહે છે: જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે. હવે તમારે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે, એ તમને જે ગમે તે પ્રમાણે નક્કી કરવાનું છે. મિત્રનો સંજોગ કેમ થાય તે પૂછી લેવું અને દુશ્મનનો સંજોગ કેમ થાય તે પૂછી લેવું. એટલે અમે તમને કહીએ કે તમને જો દુશ્મન ગમતો હોય તો
‘જેમ ફાવે તેમ દેવું કરીને ઘી પીજો, ગમે ત્યાં રખડજો ને તમને ફાવે તેમ મજા કરજો.’ પછી આગળની વાત આગળ! પણ તમારે પુણ્યરુપી મિત્ર જોઇતો હોય તો અમે બતાડી દઈએ, કે ‘ ભાઈ, આ ઝાડ પાસેથી શીખી લો.’ કોઇ ઝાડ એનું ફળ પોતે ખાતું નથી.કોઇ ગુલાબ એનું ફૂલ જાતે ખાઈ જાતું નથી.
આ ‘ઝાડ- પાન ‘ એ તો મનુષ્યોને ફળ આપવા માટે મનુષ્યોની સેવામાં છે. અને તેથી ઝાડની ગતિ ઊંચી જાય છે અને મનુષ્યો પણ તેમની મદદ લઈ આગળ વધે છે.એટલે આ ઝાડ કહે છે કે ‘અમારાં દરેક જાત નાં ફળ- ફૂલ ભોગવો.’
આ ઝાડ મનુષ્યોને ઉપદેશ આપે છે, કે ‘તમે તમારાં ફળ બીજાને આપો. તમને કુદરત આપશે.’ લીમડો કડવો ખરો પણ એ બીજી રીતે ઘણો ઉપકારી છે. એ ઠંડક આપે છે અને એની દવા હિતકારી છે. એનો રસ હિતકારી છે.
સતયુગમાં લોકો સામાને સુખ આપવાનો જ પ્રયોગ કરતા, આખો દહાડો કોને ઉપયોગી થાઉં એવાજ વિચારો કરતા.
બહારથી કોઇનું ઓછું કામ થાય તો વાંધો નહીં, પણ અંદરથી આપણો એવો ભાવ હોવો જોઇએ કે ‘મારી પાસે પૈસા છે, તો મારે કોઇના દુ:ખને ઓછું કરવું છે.’ કોઇની અક્કલ સારી હોય તો ‘મારે અક્કલથી કોઇને સમજણ પાડીને એનું દુ:ખ ઓછું કરવું છે’ એવો ભાવ હોવો જોઇએ. પોતાની પાસે બીજાને મદદ કરવાનાં જે સાધનો ( સ્ત્રોત) હોય તેનો ઉપયોગ કરવો, નહીતર પારકાંનું ભલું કરવાનો સ્વભાવ રાખવો.
કોઇને પૈસા આપી દેવા એ જ પરોપકારી સ્વભાવ નથી. પૈસા તો આપણી પાસે હોય કે ના હોય પણ આપણી ભાવના, આપણી ઇચ્છા એવી હોય કે આમને ‘ કેમ કરી ને મદદ કરું’. પૈસા આપવા કે ના આપવા એ તમારી શક્તિ મુજબ છે.
દાદાજી કહે છે: આ જગતનો નિયમ છે કે તમારાં ફળ બીજાને આપશો તો કુદરત તમારુ ચલાવી લેશે. આ જ ‘ગુહ્ય વિજ્ઞાન’ છે! આ પરોક્ષ ધર્મ છે પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે, આત્મધર્મ છેલ્લે આવે.
મનુષ્યજીવનનો નિચોડ આટલો જ છે કે મન, વચન, કાયા પારકાં માટે વાપરો
‘સ્વામી વિવેકાનંદ ‘ કહે છે….
“માણસ જ્યારે બીજા પર ઉપકાર કરવાનું બંધ કરી દે છે ત્યારે તેનું આધ્યાત્મિક મૃત્યુ થાય છે.”
પ્રણામ.જય સચ્ચિદાનંદ
સંકલન:- મોહન પટેલ હિંમતનગર
તા.16.11.2021


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877