જુનાગઢ (કથા) પ્રવાસ : ભાગ 35
દરબાર હોલ મ્યુઝિયમ
તા. 13/11 /2021, શનિવાર
બપોરે 1.15 થી 1.45
🌷🌷🌷🌷🌷🌷
જુનાગઢનો ઇતિહાસ ખુબ જ રોચક છે. સ્વતંત્રતા પહેલા સૌરાષ્ટ્રમાં 222 રજવાડા હતા. પૂર્વ ઇતિહાસ જોઇએ તો હિંદુ રાજાઓએ રાજ્ય કરેલું છે અને તે પછી નવાબોએ, જે 1947 સુધી રહ્યું. ભારત દેશ આઝાદ થતા અંતિમ નવાબ મહાબતખાન ત્રીજા પાકિસ્તાન નાસી ગયા અને તેમની અનેક મુલ્યવાન વસ્તુઓ અહીં જ રહી ગઈ, જે આ મ્યુઝિયમમાં સચવાયેલી પડી છે. જૂનાગઢના એક સુંદર જૂના મહેલમાં બાંધવામાં આવેલું દરબાર હોલ મ્યુઝિયમ ગુજરાતના શ્રેષ્ઠ સંગ્રહાલયોમાંનું એક છે. દરબાર હોલ જૂનાગઢના પૂર્વ નવાબો માટે દરબાર હતો અને પછીથી તેને જૂનાગઢ મહારાજાઓની સંપત્તિ બચાવવા સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યો. દરબાર હોલ મ્યુઝિયમમાં વિવિધ ગેલેરીઓ છે, જેમાં લગભગ 2900 કલાકૃતિઓ છે. અહીં આવેલા અનેક વિભાગોમાં જોઇએ તો – ચાંદીકલા, પિક્ચર ગેલેરી, શસ્ત્ર વિભાગ, કાષ્ટ કલા, કાચ કલા, સિક્કા, પુરાતત્વીય, વસ્ત્ર કલા, ઝુમ્મરો, નવાબો જેમાં બેસીને શાસન ચલાવતા એ દરબાર હોલ પણ જોવા મળે છે, જે નવાબની જીવનશૈલીનું નિરૂપણ કરે છે અને તે દિવાન ચોક ખાતે નવાબીકાળ દરમિયાન ભરાતો હતો. જ્યારે નવાબ નાસી ગયા ત્યારે રાજકોટ ખાતેના રિજીયોનલ કમિશ્નરે તા. 9 નવેમ્બરે 1947 ના રોજ કજો સંભાળ્યો ત્યારે નવાબો દ્વારા વપરાતા અન્ય બંગલા તથા ઇમારતો અને આ કચેરી ખંડ પણ સુરક્ષિત કરાયો. જ્યારે જુનાગઢ રાજ્ય સૌરાષ્ટ્ર સંઘમાં જોડાયું ત્યારે સને 1948 માં આ હોલ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. જુનાગઢ ખાતે બે મ્યુઝિયમ હતા. દરબાર હોલ-દિવાન ચોક અને જુનાગઢ મ્યુઝિયમ શકકરબાગ, જે બન્નેનું એકીકરણ કરીને તાજમંઝિલમાં તા. 27 ડિસેમ્બર 2014 માં મુખ્યમંત્રીશ્રીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું. જો કે મ્યુઝિયમમાં સ્થળાંતરથી નવાબી કાળની કચેરી કે ભવનનો ચાર્મ જતો રહેવાની ફરીયાદો ઉઠી છે. આ અંગે જુનાગઢનાં ઇતિહાસકાર ડો. પ્રદ્યુમ્નસિંહ ખાચરે જણાવ્યું હતું કે, દરબાર હોલમાં નવાબનો દરબાર ભરાતો હતો. તહેવારો કે ઉત્સવો ઉજવવામાં આવતા હતા. તેનું વિશેષ મહત્વ છે. જેમ રામ કે ગાંધીજીનુ જન્મ સ્થળ બદલાવી શકાતું નથી તેમ દરબાર હોલમાં આવેલુ મ્યુઝિયમ પણ બદલી શકાતું નથી. આ સ્થળ જ તેની ઓળખ છે, તે ભુંસાઇ જશે. અહીં જેવો બીજે કોઇ હોલ પણ ન હોઇ શકે. અહી જેવું પ્રદર્શન પણ થઇ શકે નહીં.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877