‘એક દિન આંસુ ભીના રે હરીનાં લોચનીયા મેં દીઠા’ જેવી સુંદર કવિતાનાં રચયિતા કરસનદાસ નરસિંહ માણેક (ઉપનામ: વૈશંપાયન) (૨૮ નવેમ્બર ૧૯૦૧ – ૧૮ જાન્યુઆરી ૧૯૭૮) ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર અને નિબંધકાર હતા. આજે તેમનો જન્મદિવસ છે.
તેઓશ્રી જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પણ પરીક્ષા આપ્યા વિના ૧૯૨૩માં ફરી કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું; અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯ થી ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮ થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૦ માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧ થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું. તેઓ મુખ્યત્વે કવિ હતા. તેમણે વાર્તા, નિબંધ, ચરિત્ર વગેરે સાહિત્ય સવરૂપોમાં પણ એમણે સર્જન કર્યું છે. સોનેટ, અંજનીગીત, ગેયકાવ્ય, મરાઠી સાજી, ખંડકાવ્ય જેવા કાવ્યપ્રકારોને વાહન બનાવીને તેમણે તદઅનુસારી ભાવ, વાણી અને છંદના પ્રયોજનમાં સફળતા મેળવી છે. વૈશંપાયનની વાણીના કાવ્યો ધારદાર વ્યંગપૂર્ણ અભિવ્યક્તિને કારણે જન્મભૂમિમાં પ્રગટ થતાં હતાં ત્યારથી જ લોકપ્રિય બની ગયાં હતાં. કરસનદાસ માણેકે અનેક કથાઓ, આઝાદીની યજ્ઞ જ્વાળાના વર્ણનો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો વગેરે ગુજરાતી સાહિત્યને આપ્યા છે.
‘ખાખનાં પોયણાં’ (ખંડકાવ્યો), ‘આલબેલ’, ‘મહોબતને માંડવે’, ‘વૈશંપાયનની વાણી’, ‘પ્રેમધનુષ્ય’, ‘અહો રાયજી સૂણિયે’, ‘કલ્યાણયાત્રી’, ‘મધ્યાહ્ન’, ‘રામ તારો દીવડો’, વગેરે તેમનું સર્જન છે. તેમનું અવસાન ૧૮ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ વડોદરામાં થયું હતું. ભાવવંદન 👏💐
તેમની એક સુંદર મજાની કવિતા પ્રસ્તુત કરું છે, જે આપ વાંચશો તો ખ્યાલ આવી જશે કે આ તો વારંવાર સાંભળેલી પણ છે. 👇
મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂશળધાર વરસી જાય છે !
ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!
– કરસનદાસ માણેક
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877