અત્યંત ઉચ્ચ શિક્ષિત સાહિત્યકાર હીરા પાઠક (1916-1995) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ૧૨ એપ્રિલ ૧૯૧૬ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૯૩૩માં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૩૬માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ની પદવી મેળવી. ૧૯૩૮માં તેણીએ તેમના સંશોધન આપણું વિવેચન સાહિત્ય માટે પી.એચડી.ની પદવી મેળવી. તેઓ ૧૯૩૮થી ૧૯૭૨ સુધી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા હતા. ૧૯૭૦-૭૧ દરમિયાન તેઓ ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ રહ્યા હતા તેમજ થોડા વર્ષો માટે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપ-પ્રમુખ રહ્યા હતા. લગ્નપૂર્વે હીરા ક. મહેતાના નામથી પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ‘આપણું વિવેચન સાહિત્ય’ (૧૯૩૯) ગાંધીયુગ સુધી થયેલી ગુજરાતી વિવેચન પ્રવૃત્તિનો ઐતિહાસિક આલેખ આપે છે. તેઓ ગુજરાતી લેખક રામનારાયણ પાઠક સાથે તેમના બીજા પત્ની તરીકે પરણ્યા હતા. તેમને કોઇ સંતાન નહોતું. તેમણે તેમના દિવંગત પતિ રામનારાયણને સંબોધેલ બાર કરુણ પ્રશસ્તિકાવ્ય કવિતાઓનો સંગ્રહ પરલોકે પત્ર (૧૯૭૮) પ્રકાશિત કર્યો હતો. તેમણે અત્યંત વખણાયેલા વિવેચન સર્જન લખ્યા હતા, જેમાં આપણું કાવ્યભાવન (૧૯૬૮) નો સમાવેશ થાય છે. તેમનું અન્ય વિવેચન સર્જન પરિબોધના (૧૯૮૦) છે. ગવાક્ષદીપ (૧૯૭૯) ચિંતનસભર શ્લોકો પરના ભાષ્યલેખો છે. ચંદ્રચંદ્રાવતીની વાર્તા (૧૯૬૮), સાહિત્ય-આસ્વાદ (૧૯૭૩), કાવ્યસંચય (અન્ય સાથે, ૧૯૮૧) વગેરે એમનાં સંપાદનો છે. પરલોકે પત્ર માટે તેમને ૧૯૬૮-૧૯૭૨નો નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૭૦-૭૧નો ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યું હતું. ૧૯૭૪માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૯૫માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો. ૧૫ સપ્ટેમ્બર ૧૯૯૫ના રોજ કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877