આ એક લોકવાર્તા નથી પણ કાનજી ભુટા બારોટનાં જીવનમાં બનેલી એક સત્ય ઘટના છે.
ધીમે ધીમે સૂરજ નારાયણ આથમણી દિશામાં પોઢી ગયા. વાળુપાણી કરી ટીંબલા ગામને ચોરે લોકોની ભીડ જામવા લાગી. સૌ કોઈ પોતપોતાનાં મિત્રો, સ્નેહીઓની આસપાસ ગોઠવાવા લાગ્યા. ત્યાં તો ડાયરો જેની રાહ જુએ છે એ કાનજીભાઈ હાથમાં જંતર લઈ પધાર્યા. પગ પર પગ ચડાવ્યો. જંતરની ચાવીઓ ચડાવી તારનો ઝીણેરો ઝણકાર કર્યો. ઝણકાર ચાલુ રહ્યો ને જાણે કોકની રાહ હોય એમ આડા – અવળી નજર કરતા જંતરની ચાવીઓ ઉતાર ચડાવ કર્યા કરી.અને ત્યાં તો પાંચ હાથ પુરી કદાવર આકૃતિ કળાણી. ભરાવદાર ચહેરા પર પૂળો એક મૂછો તેની ગરવાઈ દેખાડતી હતી.
તમામ ડાયરાને રામ … રામ … કહી સૌની આગળ બેઠા.
એ હતા ગામના ગામધણી જેઠસુર બાપુ.
તે શિકાર કરવાનાં ભારે શોખીન. એમનું અચૂક નિશાન ઊડતા પંખી પાડે એવું.
જેઠસુર બાપુનું વ્યક્તિત્વ જ એવું કે સૌ કોઈ એમની મરજાદ પાળે. એમનું વેણ કોઈ ઉથાપી ના શકે. એ બોલે એ બ્રહ્મ વાક્ય. પોતે પણ ગામ આખાની માવતર જેવી માવજત કરે, પરંતુ એમનું હૈયું ગામનાં બારોટ કાનજીભાઈ ઉપર વિશેષ રાજીપો ઠાલવે. એટલે તો રોજ રાત જામે ને ચોરે કાનજીભાઈની વાર્તાઓ જામે. કલા પારખું જેઠસુર બાપુ, ‘ ભલે બાપ ’ , ‘ ખમા બાપ ’ , ‘ જે હો … ’ પડકાર કરે ને કાનજીભાઈનું જંતર ઝૂમી ઊઠે. વાતુમાં જમાવટ થાય.
‘‘ હો ઓ … ’’ નો આલાપ કરી કાનજીભાઈએ વાર્તા માંડી :
“રજપૂતનાં લગ્ન થયાને ઘેર ખૂબ સ્વરૂપવાન રજપૂતાણી આવ્યા. ઘરમાં ખાવા – પીવા પૂરતી તો સગવડ પણ, વધુ કમાવવાની આશા સાથે રજપૂત પરદેશ ગયા. રજપૂતાણી ઘરમાં સાવ એકલા એટલે સમય વીતાવવા એક જંતર ( બીન ) તૈયાર કર્યું. ધીમે ધીમે બીન બજાવવામાં રજપૂતાણી ભારે પાવરધા થઈ ગયા. તેનાં બીન પર પતિનાં વીરહનાં સૂર છેડાયા કરતાં.
હવે થયું એવું કે બાજુનાં જંગલમાંથી એક મૃગ ( હરણ ) આ બીન સાંભળવા આવવા લાગ્યું. એ કસ્તુરી મૃગ હતું. બીન સાથે મૃગલાને ભારે હેત જાગ્યું. રોજ રજપૂતાણી બીન વગાડે ને મૃગલો સાંભળ્યા કરે. આવડા મોટાં ઘરમાં એકલી રજપૂતાણીને મૃગલાનો સથવારો મળ્યો. તેને મૃગલો માડી જાયો વીર લાગવા માંડ્યો. બીન સાંભળવા મૃગલો રોજ આવી અને કસ્તુરીનો ગોટો મૂકતો જાય.
આમને આમ બાર વરસ વીતી ગયા. બાર વરસની ભેગી થયેલી કસ્તુરી રજપૂતાણીએ વેંચી. અઢળક ધન મળ્યું. રજપૂતાણીએ જૂનું મકાન પડાવી નાખી નવું આલિશાન મકાન તૈયાર કરાવ્યું. ઘરમાં ચારેય કોર વૈભવ છલકાય. હવે રજપૂતાણી પરદેશ ગયેલા પતિની રાહ જોવા લાગી. મનમાં વિચારતી કે પતિ આવે ત્યારે એને બીન સંભળાવી રાજી કરવા છે.
રજપુત પણ સારુ એવુ ધન કમાઇને ગામ આવવા નિકળ્યા.
પણ ઘરે પાછા ફરેલા રજપૂત ઘરનો વૈભવ જોઈ વહેમવશ વિચારે ચડ્યાં. કહ્યુ છે ને કે વહેમનું કોઇ ઓસડ નથી.
સૂવાનો ડોળ કરી તે સૂઈ ગયાં. રજપૂતાણીએ ઘરની ઓસરીમાં બીન વગાડવાનું શરૂ કર્યું. રોજની જેમ પેલો મૃગલો આવી પહોંચ્યો. મૃગને કોઈ પુરુષ સમજી ૨જપૂતે તેને બાણથી વીંધી નાખ્યો. ’’
વચ્ચે વાર્તા અટકી.
કાનજીભાઈએ પાણીનો ઘૂંટડો પીધો. જેઠસુર બાપુ સામે સૂચક આંખ માંડી.
વળી વાર્તા આગળ વધી :
“ રજપૂતાણીનાં મોંમાંથી ચીસ નીકળી ગઈ. દોડીને મૃગનાં મસ્તકને ખોળામાં લઈ કહેવા લાગી : ‘‘ મારા વીર, ભાઈ તેં મારો બાર બાર વરસ સથવારો કર્યો. મારું જંતર સાંભળ્યું, તારી આ દશા કોણે કરી ? ’’
મૃગ હેતભરી નજરે બહેન સામે તાકી રહ્યું. મૃગનો અંતિમ સમય જાણે નજીક હતો. એનો આત્મા કહેવા લાગ્યો : ‘‘ બહેન, જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી તારું બીન બજાવ, મારા આત્માને ટાઢક થાશે. ’’ દયામણા ચહેરા સાથે બહેનનાં ખોળામાં મૃગલાએ અંતિમ શ્વાસ લીધા. રજપૂતને ભારે પસ્તાવો થયો પણ જેમ છુટેલુ તીર અને બોલેલુ વેણ પરત ફરતુ નથી. એમ હવે ઘણુ મોડુ થઇ ગયુ હતુ.
તે દિવસથી રજપૂતાણી રોજ મૃગને યાદ કરતાં બીન વગાડે અને રજપૂતની આંખમાંથી ડળક – ડળક આંસુ ઝરે.
” વીંધેલા વીંધાય , અણવીંધ્યા વનમાં ફરે, તું તારું બીન બજાવ, મારો જીવતા આતમ ઠરે …”
કાનજીભાઈનાં ગળામાં વિરહનો વીરડો ફૂટ્યો. એક પછી એક દુહા લલકારતા જાય છે. મૃગ અને રજપૂતાણીનાં કરૂણ સંવાદને કાનજીભાઈએ એવી રીતે રજૂ કર્યા કે ત્યાં બેઠેલ સૌ કોઈનાં હૈયાં દ્રવી ઊઠ્યાં.
પણ એક હૈયું તો જાણે હીંબકે ચડ્યું. એ હૈયું હતું જેઠસુર બાપુનું.
મરણજોલા ખાતા મૃગનાં દયામણા ચહેરામાં પોતે કરેલા કેટલાય શિકારનાં મોં દેખાયા. કાળમીંઢ પથ્થર જેવું હૈયું જાણે મીણ થઈ ગયું. મનોમન કંઈક નક્કી કરી ઊભા થયા. કાનજીભાઈની પાસે જઈને ભેટી પડ્યાં.
“ ધન્ય બાપ, તમે તો મારી આંખ ઉઘાડી નાખી ભાઈ, મારા શોખને લીધે મેં કેટલાય અબોલ પશુ પક્ષીઓને વીંધ્યા છે, પણ કાનજીભાઈ, આજે તમે તો મારો આત્મા વીંધ્યો. ’’ જેઠસુર બાપુની આંખોમાંથી આંસુ છલકાયાં.
હથેળીમાં જળ લઈ પ્રતિજ્ઞા કરી : ‘‘ આજથી કોઈ મૂંગા જાનવરનો શિકાર નહીં કરું અને જો કરું તો મને સૂરજ નારાયણની આણ્ય. ’’
( કલાકારનું કામ માત્ર મનોરંજન પીરસવું એ નથી. પણ લોકોનાં હૈયાં સુધી પહોંચી લોકશિક્ષણ આપવાનું પણ છે. લોકવાર્તાનાં માધ્યમથી કોઈનું હૃદય પરિવર્તન થયું હોય એવી વાત આપણા અમરેલી જિલ્લામાં બની છે. એ વાત જોડાયેલી છે. પ્રસિદ્ધ વાર્તાકાર શ્રી કાનજીભાઈ ભૂટાભાઈ બારોટ સાથે. )
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877