Explore

Search

September 13, 2025 9:59 pm

लेटेस्ट न्यूज़
Advertisements

ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) જન્મદિવસ : Manoj Acharya

ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) જન્મદિવસ : Manoj Acharya

ભાષાશાસ્ત્રી હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી (1917-2000) નો આજે જન્મદિવસ છે.
26 May નાં 1917 નાં દિવસે મહુવામાં તેમનો જન્મ થયો હતો. નાનપણમાં જ માતાપિતા ગુમાવી અને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ત્યાંજ લીધું. ૧૯૩૪માં મહુવાની એમ.એન. હાઈસ્કૂલમાંથી મેટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૩૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. અને ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષયોમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈથી એમ.એ.ની પદવી મેળવી. ૧૯૫૧માં મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય ‘પઉમચરિય’ પર મહાનિબંધ દ્વારા પીએચડીની પદવી પ્રાપ્ત કરી. ૧૯૪૫થી ૧૯૬૫ સુધી ભારતીય વિદ્યા ભવનમાં તેઓ સંશોધક, અધ્યાપક રહ્યા હતા. ૧૯૬૫થી ૧૯૭૫ પર્યંત ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવન સાથે સંલગ્ન હતા. ૧૯૭૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ પ્રાધ્યાપક હતા. ૧૯૮૦માં તેઓ ઈન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સ, ત્રિવેન્દ્રમમાં ગુજરાતીના પ્રોફેસર રહ્યા હતા. ડૉ. ભાયાણી રચિત ગ્રંથોની સંખ્યા આશરે 70 જેટલી થાય છે. તેમણે અપભ્રંશ તેમજ જૂની ગુજરાતીના ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન કરતાં જે તે ગ્રંથકાર ને ગ્રંથ સાથે સંકળાયેલ કર્તૃત્વ, સાહિત્યસ્વરૂપ, ભાષા-પરંપરા જેવા મુદ્દાઓનું તલસ્પર્શી અન્વેષણ કર્યું છે.
‘વાગ્વ્યાપાર’ (1954) અને ‘અનુશીલનો’ (1965), ‘થોડોક વ્યાકરણ વિચાર’ (1969), ‘શબ્દપરિશીલન’ (1973), ‘વ્યુત્પત્તિવિચાર’ (1975), ‘ગુજરાતી ભાષાના ઇતિહાસની કેટલીક સમસ્યાઓ’ (1976), ‘ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ’ (1988) જેવા ગ્રંથો એમની ભાષાવૈજ્ઞાનિક વિચારણા અને અધ્યયન–સંશોધનના ફલસ્વરૂપે પ્રાપ્ત થયેલા છે. ભારતભરમાં ઇતિહાસનિષ્ઠ ભાષા-સંશોધનમાં એમનું કાર્ય ગણનાપાત્ર રહ્યું છે. તેમણે અનેક શાસ્ત્રીય સંપાદનો ઉપરાંત ‘શોધ અને સ્વાધ્યાય’ (1961), ‘કાવ્યમાં શબ્દ’ (1968), ‘અનુસંધાન’ (1972), ‘કાવ્યનું સંવેદન’ (1976), ‘રચના અને સંરચના’ (1980), ‘કાવ્યવ્યાપાર’ (1982), ‘કૃષ્ણકાવ્ય’ (1986), ‘કાવ્યકૌતુક’ (1987) વગેરે એમના સંશોધન-વિવેચનના ગ્રંથો છે. . ભાયાણીએ સંપાદિત ગ્રંથોમાં ‘મદનમોહના’ (1955), ‘સિંહાસનબત્રીસી’ (1960), ‘દશમસ્કંધ’ (ઉમાશંકર જોશી સાથે, 1966) વગેરે દ્વારા ગુજરાતી સાહિત્યની, તો ‘સંદેશકરાસ’ (અન્ય સાથે, 1945), ‘પઉમસિરિચરિય’ (અન્ય સાથે, 1948), ‘અપભ્રંશ વ્યાકરણ’ (1961) વગેરે દ્વારા પ્રાકૃત–અપભ્રંશ સાહિત્યની સંપાદન દ્રષ્ટિએ મૂલ્યવાન સેવા કરી છે. ડૉ. ભાયાણીએ ‘કમળના તંતુ’ (1979), ‘પ્રપા’ (1968), ‘મુક્તક-માધુરી’ (1986), ‘ગાથામાધુરી’ (1976) જેવા ગ્રંથો દ્વારા એમની સર્જકતા-રસિકતાના અને એમની અનુવાદક-અનુસર્જક પ્રતિભાનાયે યત્કિંચિત્ ઉન્મેષો દાખવ્યા છે. ડૉ. ભાયાણીએ અનેક વ્યાખ્યાન-શ્રેણીઓમાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે. વિલ્સન ફિલોલૉજિકલ લેક્ચર્સ, ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા, પી. વી. કાણે વ્યાખ્યાન વગેરે અત્રે ઉલ્લેખનીય છે. તેઓ અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદના ચિદમ્બરમ્ ખાતેના અધિવેશનમાં જૈન ધર્મ તેમજ પ્રાકૃત વિભાગના પ્રમુખ હતા. તેમને 1963નો રણજિતરામ સુવર્ણચંદ્રક, 1981માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, 1985માં સંસ્કૃતના અખિલ ભારતીય વિદ્વાન તરીકે સન્માનપત્ર તથા 1994માં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયાં છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર 1989માં મળેલો. લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડિઝનું માનાર્હ ફેલોનું પદ પણ તેમને આપવામાં આવેલું. તેમનાં કેટલાંક લખાણો અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. તેમનું અવસાન તા. 11-11-2000 નાંં રોજ થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements