Explore

Search

July 20, 2025 8:54 pm

लेटेस्ट न्यूज़
Advertisements

“આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ : Pravin Sinh Parmar

“આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ : Pravin Sinh Parmar

Happy Birthday, a MUST read para:
…”આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ છે.

“ભગા બાપુ”ના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા…સર ભગવતસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચારઆના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. આજે ગોંડલ રાજ્યની કોઇ વૃધ્ધા તમને અભણ જોવા નહી મળે.ભગા બાપુ સ્ત્રી સ્વાતંત્ર્યના એવા હિમાયતી હતા કે આઝાદી પહેલાના એ સમયે એમણે એના અંગતમદદનિશ તરીકે જમનાબાઇને નિમણૂંક આપી હતી.

ભગા બાપુ હંમેશા દેશી પહેરવેશ જ પસંદ કરતા. એકવખત કોઇએ એને વિદેશી પહેરવેશ માટે વાત કરી ત્યારે ભગાબાપુએ કહેલુ કે હું વિદેશી પહેરવેશ અપનાવું તો પછી મારો ગામડાનો ખેડુ દિલ ખોલીને મારી સાથે વાત ન કરી શકે. પહેરવેશને કારણે અમારા બંને વચ્ચેનું અંતર ખૂબ વધી જાય. મારે પ્રજા અને રાજા વચ્ચેનું અંતર વધારવું નથી પણ ઘટાડવું છે.

કોઇ કલ્પના પણ કરી શકે કે પ્રજા પાસેથી વેરો લીધા સિવાય રાજ્ય ચલાવી શકાય ? ભગવતસિંહજીએ ગોંડલને વેરામૂક્ત રાજ્ય બનાવેલું. રાજયની તિજોરીમાંથી ખોટી રીતે એક આનો પણ ન ખર્ચાય એની આ રાજવી પુરી તકેદારી રાખતા. એકવખત ટાંચણીના ભાવમાં ઉછાળો આવ્યો ત્યારે ટાંચણી ખરીદવાના બદલે એણે બાવળની શૂળો વાપરવા માટેની કચેરીને સુચના આપેલી અને જ્યાં સુધી ટાંચણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી બાવળની શૂળોથી કામ ચલાવ્યુ. ગોંડલ રાજ્યમાં પધારતા મહાનુભાવોને પણ મહારાજા સાહેબ એની રહેવા જમવાની વ્યવસ્થા કરવા બદલ બીલ આપતા હતા. મહાત્મા ગાંધી, બ્રિટીશ વાઇસરોય અને ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને પણ આવા બિલ ભરવા માટે શરમ કે સંકોચ વગર જણાવી દીધુ હતું.

મહારાજા સાહેબ માટે એમના સંતાનો અને પ્રજા સરખા જ હતા. પ્રજાને પણ એ સંતાનની જેમ જ સાચવતા. ગોંડલ રાજ્યના તમામ ગામડાઓમાંથી રાત્રે ‘સબસલામત’નો પોલીસ પટેલનો ટેલીફોન આવી જાય પછી જ બાપુ આરામ કરવા માટે જતા.( તે સમયે ગોંડલમાં ટેલીફોન લાઇન, રેલ્વે, અંન્ડર ગ્રાઉન્ડ ઇલેટ્રીસીટી અને ગટરની વ્યવસ્થા મહારાજા સાહેબે કરાવી હતી).

પ્રજાની નાની-નાની મુશ્કેલીઓને પણ બહુ મહત્વ આપતા. એકવખત એક ડોશીએ ભગવતસિંહજીને ભારો ચડાવવા માટે વિનંતી કરી. પોતાનો કોઇ પરિચય આપ્યા વગર એમણે સામાન્ય માણસની જેમ ડોશીમાંના માથા પર ભારો મુક્યો. ડોશીએ એ વખતે કહ્યુ કે ભગાબાપુ અમને ‘થાકલા’ બનાવી દે તો કોઇની મદદની જરૂર ન પડે. મહારાજા સાહેબે ડોશીમાં પાસેથી ‘થાકલા’ એટલે શું એ સમજી લીધુ અને પછી રાજ્યના મુખ્ય ઇજનેરને બોલાવીને રાજ્યના તમામ રસ્તાઓ પર એક માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી આપવાની સુચના આપી.( આજે પણ અમુક જગ્યાએ આ થાકલાઓ જોવા મળે છે. જેમાં માણસની ઉંચાઇના બે મોટા પથ્થરોની ઉપર એક ત્રીજો પથ્થર મુકેલો હોયે જેના પર ભારો મુકીને મુસાફર આરામ કરી શકે અને જ્યારે એને જવુ હોય ત્યારે ભારો ચડાવવા માટે કોઇ મદદગારની જરુર જ ન પડે).

પુનાની ફર્ગ્યુશન કોલેજમાં દાન આપવાનું હતુ ત્યારે તે લોકોએ કોલેજના કોઇ એક વિભાગને મહારાજા સાહેબ કે એમના પરિવારનું નામ આપવાની દરખાસ્ત મુકી. મહારાજા સાહેબે કહ્યુ કે આ મારી પ્રજાના પૈસા છે મારા નામની કોઇ જરૂર નથી પણ અભ્યાસ માટે મારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે થોડી બેઠક અનામત રાખો. આજે પણ ફરગ્યુશન કોલેજમાં ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટેની બેઠક અનામત છે.

ભગાબાપુ જે બાંધકામ કરાવતા એ તમામ બાંધકામના કોન્ટ્રાકટર પાસે બોંડ સાઇન કરાવતા અને વર્ષો સુધી તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોન્ટ્રાકટરના માથે નાંખતા. બાંધકામ કેવુ થયુ છે એની ચકાસણી ખૂદ મહારાજા સાહેબ પોતે કરતા અને જો બાંધકામ સહેજ પણ નબળું લાગે તો ચલાવી ન લેતા.

ભગવતસિંહજી વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. મને અમારા ભગા બાપુ પ્રત્યે અનહદ પ્રેમ અને આદર છે.

સર ભગવતસિંહજીને એમના 151માં જન્મદિને કોટી કોટી વંદન”🙏

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements