બાળ સાહિત્ય લેખક અને અનુવાદક મૂળશંકર ભટ્ટ (1907-1984) નો આજે જન્મદિવસ છે.
મૂળશંકર ભટ્ટનો જન્મ ૨૫ જૂન ૧૯૦૭ના રોજ ગુજરાત રાજ્યના ભાવનગરમાં મોહનલાલ અને રેવાબેનને ત્યાં થયો હતો. તેમણે ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિમાંથી શાળાકીય શિક્ષણ (વિનીત) પૂર્ણ કર્યું હતું. તેમણે ૧૯૨૧માં મેટ્રિક કર્યું હતું. તેમણે મુખ્ય વિષય તરીકે સંગીત અને દ્વિતીય વિષય તરીકે હિન્દી-ગુજરાતી સાથે ૧૯૨૭માં ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક (સંગીત વિશારદ) થયા હતા. ૧૯૨૯માં તેઓ વિલે પાર્લેની બોમ્બે નેશનલ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે જોડાયા. બાદમાં તેઓ ભાવનગરમાં આવેલી તેમની માતૃસંસ્થા શ્રી દક્ષિણામૂર્તિમાં શિક્ષક અને રેક્ટર તરીકે જોડાયા અને ૧૯૩૦ થી ૧૯૩૯ સુધી સેવા આપી. બાદમાં તેઓ ભગિની સંસ્થા ઘરશાળામાં શિક્ષક તરીકે જોડાયા. અહીં તેમણે ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી સેવા આપી હતી. તેઓ ૧૯૪૫માં ગ્રામદક્ષિણામૂર્તિ, અંબાલામાં આચાર્ય તરીકે જોડાયા હતા અને ૧૯૫૩ સુધી સેવા આપી હતી. તેમણે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં શિક્ષક અને રેક્ટર તરીકે સેવા આપી હતી અને ૧૯૫૩ થી ૧૯૬૫ સુધી લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય તરીકે પણ સેવા આપી હતી. તેઓ ૧૯૬૫માં નિવૃત્ત થયા અને શ્રી દક્ષિણામૂર્તિ, લોકશક્તિ સંગઠન, ગુજરાત નયી તાલિમ સંઘ, ગુજરાત આચાર્યકુલ જેવી અનેક સંસ્થાઓમાં માનદ્ સેવા આપવાનું ચાલુ રાખ્યું. તેઓ ગુજરાતીમાં જૂલે વર્નની અનેક કૃતિઓનું ભાષાંતર કરવા માટે જાણીતા છે. જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથા, સાગરસમ્રાટ, ગગનરાજ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વગેરે તેમની મુખ્ય અનુવાદ કૃતિઓ છે. આ ઉપરાંત વિક્ટર હ્યુગોની કૃતિ લા-મિઝરેબલનો દુઃખિયારાં નામે તેમનો અનુવાદ જાણીતો છે. તેમના અન્ય સર્જનોમાં મહાન મુસાફરો, નાનસેન (ચરિત્રલેખન); ધરતીની આરતી (સ્વામી આનંદના લેખો); (સંપાદન); અંધારાના સીમાડા, ટોલ્સ્ટોયના નાટકનું રૂપાંતર (નાટક); શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર (શિક્ષણ); ઘરમાં બાલમંદિર, બાળકો તોફાન કેમ કરે છે?, ગાંધીજી-એક કેળવણીકાર, બાળકોને વાર્તા કેમ કહીશું? (બાળસાહિત્ય) વગેરેનો સમાવેશ થાય છે. તેમણે હંસાબેન સાથે લગ્ન કર્યા હતા અને તેમને ચાર બાળકો હતા. બકુલ, વિક્રમ, ઉર્મિલા અને મીના. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ ભાવનગરમાં તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877