ગુજરાતનાં પહેલા મહિલા સ્નાતક શારદાબહેન મહેતા (૨૬ જૂન, ૧૮૮૨; – ૧૩ નવેમ્બર, ૧૯૭૦) ગુજરાત રાજ્યના એક સમાજસેવિકા અને મહિલા ઉત્કર્ષના અગ્રણી કાર્યકર્તા હતાં, આજે તેમનો જન્મદિવસ છે.
તેમનો જન્મ ઇ.સ. ૧૮૮૨ના જૂન મહિનાની ૨૬મી તારીખે ગોપીલાલ મણિલાલ ધ્રુવ અને બાળાબહેનના ઘરે અમદાવાદમાં આવેલ સરદાર ભોળાનાથ સારાભાઇ દિવેટિયાની હવેલી ખાતે થયો હતો. તેમના માતા બાળાબહેન સગપણમાં ભોળાનાથ દિવેટિયાના પૌત્રી હતાં. શારદાબેને વર્ષ ૧૮૯૭માં મેટ્રિક અને વર્ષ ૧૯૦૧માં તર્કશાસ્ત્ર (લોજિક) અને નૈતિક તત્ત્વજ્ઞાન (મોરલ ફિલોસોફી)ના વિષયો સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ગુજરાતની મહિલાઓમાં શારદાબહેન તેમ જ તેમનાં બહેન વિદ્યાબહેને સૌપ્રથમ સ્નાતક સુધીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. વર્ષ ૧૮૯૮માં શારદાબહેન વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના અંગત ડોક્ટર એવા બટુકરામ મહેતાના પુત્ર તેમ જ ગુજરાતના આદિ નવલકથાકાર નંદશંકર તુળજાશંકર મહેતાના દોહિત્ર સુમંત મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતાં. શારદાબહેન તેમનાં સમાજસુધારણા અને સમાજસેવાના કાર્યની સાથે સાથે સ્વતંત્રતા સૈનિક અને મહિલા ઉત્કર્ષના પ્રણેતા તરીકે પણ ઘણાં કાર્યો કર્યાં હતાં. બારડોલી સત્યાગ્રહના સમયે અને ૧૯૩૦-૩૨ના મીઠા સત્યાગ્રહ વખતે પણ તેઓએ અગ્રણી નેતાઓની સાથેને રહી કાર્ય કર્યું હતું. તેણીએ વર્ષ ૧૯૩૦માં અમદાવાદ ખાતે ખાદી મંદિરની સ્થાપના કરી હતી તેમ જ શેરથા ખાતે તેમના પતિએ સ્થાપેલા આશ્રમનું સંચાલન કર્યું હતું. શારદાબહેન વર્ષ ૧૯૩૧ થી ૧૯૩૫ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપાલટીના સભ્યપદે રહ્યા હતાં. વડોદરા ખાતે તેમણે ચીમનાબાઈ સ્ત્રી સમાજની સ્થાપના કરી હતી અને મધ્યમ વર્ગની સ્ત્રીઓને સહેલાઇથી આશ્રય મળી શકે તેવી વ્યવસ્થા પણ કરી હતી. ૮૮ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા શારદાબહેન મહેતાએ “જીવન સંભારણા” પુસ્તકની રચના કરી હતી, જેમાં તેમણે તેમના જીવનના સંસ્મરણો લખ્યાં છે. આ પુસ્તકમાંની સ્ત્રી જીવનકથા સમકાલીન સંદર્ભમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહે છે, કારણ કે સાહિત્ય જે-તે સમયની સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પરિસ્થિતિને ઉજાગર કરતું હોય છે. ‘જીવન સંભારણા’ પુસ્તક જીવનકથારૂપે વર્ષ ૧૯૩૮માં પ્રગટ કરવામાં આવી હતી. ૧૩મી નવેમ્બર, ૧૯૭૦ના રોજ તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877