ધાર્મિક કથા : ભાગ 50
બાળાઓનાં પ્રિય મોળાકતનો પ્રારંભ
🙏🏻**** 🕉️
અષાઢ મહિનો એટલે તો વ્રત, તપ અને જપનો મહિનો. અષાઢ સુદ અગિયારસથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. ભારતીય સમાજ રચના અનુસાર બાળપણથી બાલીકાઓ જીવન ઘરેડનું વ્યવહારિક, સામાજિક જ્ઞાન સહજતાથી રમતા રમતા સામુહિક રીતે સમજદારીપૂર્વક પ્રાપ્ત કરી શકે. એમ કહેવાય કે વ્યવહારિક યાને ગૃહસ્થ જીવનમાં ઢળવા માટે સંસ્કારિત કરવાની કુમારકાની મહતા સમજવાની ભવ્ય ભાવનાથી ભરેલુ આ પર્વ છે અને કુમારકાને ભાવી ગંભીરતા સમજાવવા માટે આ પર્વ યોજાયું હશે એમ કેટલાક સમાજશાસ્ત્રીએ માને છે અને એને સહજ રીતે સ્વીકારે પણ છે. આ વ્રત શરૂ થવાના આગલા દિવસે બપોરે કુમારકાને જે પણ કંઇ ખારૂ, ખાટું, તીખું ખવડાવવું હોય તો હોંશે હોંશે તેમના વડીલો તેમને ખવડાવે છે. જેને લોકભાષામાં હાટો દેવો કહેવાય છે. સાંજના ભોજન આપવામાં આવતું નથી તો કેટલીક જગ્યાએ સાંજના ભોજન કરવાની પ્રથા છે. આમાં લોક વ્યવહારની કેટલીક વિધિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ઝવેરા વાવવા ગૌરી પૂજન, જળાશય નદી વિ. સ્નાન કરવું તથા ડેડો કુટવો, ઝવારામાં મગ, તલ, ઘઉં, ચણા અને જુગાર વાવવામાં આવે છે. આને પંચતત્વનું પ્રતિક અને એકતા યાને સંઘભાવનાના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. એકતાના ભાવને ઉજાગર કરતી આ એક સુંદર વિધિ છે. માન્યતા એવી છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી, ત્યારથી કુમારિકાઓ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરે છે. વ્રતના પ્રથમ દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા જવારા, નાગલા અને પૂજાપાને એક થાળીમાં લઈ સમૂહમાં શિવમંદિરે જાય છે. જવારા ને નાગલા ચડાવી, અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચાર પૂજા કરે છે. શિવલિંગને જળ અર્પણ કરે છે. ગૌરીવ્રતમાં મોટાભાગે બાળાઓ ઘરમાં જ પૂજા કરી માંને પ્રસન્ન કરે છે. પ્રતિકાત્મક રૂપે ખેતર ખેડી ધાનની વાવણી કરે છે. પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી, શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે. માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને મોળાવ્રત કે મોળાકત વ્રત કહેવામાં આવે છે. વ્રતના પાંચમા દિવસે જ જવારાનું જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસે પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેની ઉજવણી કરવામાં આવે છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877