ધાર્મિક કથા : ભાગ 55
કામિકા એકાદશીનું વ્રત કરવાથી જન્મભરનાં પાપ નાશ પામી જાય છે, શ્રીકૃષ્ણએ કહ્યો છે તેનો મહિમા. 🙏🏻🕉️
યુધિષ્ઠિરે પૂછ્યું : ગોવિંદ! વાસુદેવ! આપને નમસ્કાર છે! અષાઢના કૃષ્ણપક્ષમાં કઈ એકાદશી હોય છે? તેનું વર્ણન કરશો.
ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : રાજન! સાંભળો, હું તમને એક પાપના શક ઉપાખ્યાન સંભળાવું છું, જેને પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદના પૂછવાથી કહ્યું હતું.
નારદજીએ પ્રશ્ન કર્યો : ભગવન્! કમલાસન! હું આપના દ્વારા એક સાંભળવા માંગું છું કે અષાઢના કૃષ્ણપક્ષમાં જે એકાદશી હોય છે, તેનું શું નામ છે? તેના દેવતા કોણ છે? તેનાથી કયું પુણ્ય થાય છે? પ્રભો! આ બધું જણાવશો.
બ્રહ્માજીએ કહ્યું : નારદ! સાંભળો, હું તમામ લોકોના કલ્યાણની ઇચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસમાં કૃષ્ણપક્ષની એકાદશી હોય છે, તેનું નામ ‘કામિકા’ છે; તેના સ્મરણમાત્રથી વાજપેય અજ્ઞનું ફળ મળે છે. એ દિવસે શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે, તે ગંગા, કાશી, નૈમિષારણ્ય તથા પુષ્કરક્ષેત્રમાં પણ સુલભ નથી. સિંહ રાશિના બૃહસ્પતિ હોવાથી તથા વ્યતીપાત અને દંડયોગમાં ગોદાવરીસ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે જ ફળ ભગવાન શ્રીકૃષ્ણના પૂજનથી પણ મળે છે. જે સમુદ્ર અને વન સહિત પૂરી પૃથ્વીનું દાન કરે છે તથા જે કામિકા એકાદશીનું વ્રત કરે છે, તે બંને સમાન ફળના ભાગીદાર માનવામાં આવ્યા છે. જે વિયાયેલી ગાયને અન્યોન્ય સામગ્રીઓ સહિત દાન કરે છે, તે મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે, તે જ ‘કામિકા’નું વ્રત કરનારાને મળે છે. જે નરશ્રેષ્ઠ અષાઢ માસમાં ભગવાન શ્રીધરનું પૂજન કરે છે, તેના દ્વારા ગંધર્વો અને નાગો સહિત તમામ દેવતાઓની પૂજા થઈ જાય છે; તેથી પાપભીરુ મનુષ્યે યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને ‘કામિકા’ના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, તેમનો ઉદ્ધાર કરવાને માટે કામિકાનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મવિદ્યાપરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે, તેના કરતાં ઘણું વધારે ફળ ‘કામિકા’ વ્રતનું સેવન કરનારાઓને મળે છે. ‘કામિકા’નું વ્રત કરનારો મનુષ્ય રાત્રે જાગરણ કરીને ન તો કદી ભયંકર યમરાજનું દર્શન કરે છે અને ન કદી દુર્ગતિમાં ય પડે છે. લાલ મણિ, મોતી, વૈદુર્ય અને પરવાળાં વગેરેથી પૂજિત થઈને પણ ભગવાન વિષ્ણુ એવા સંતુષ્ટ નથી થતા, જેવા તુલસીદલથી પૂજિત થવાથી થાય છે. જેણે તુલસીની મંજરીઓથી શ્રીકેશવનું પૂજન કરી લીધું છે, તેનાં જન્મભરનાં પાપ નિશ્ચય જ નાશ પામી જાય છે. જે દર્શન કરવાથી પૂરા પાપ સમુદાયનો નાશ કરી દે છે, સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવે છે, પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે, જળ સીંચવાથી યમરાજને પણ ભય પમાડે છે, આરોપિત કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની પાસે લઈ જાય છે અને ભગવાનનાં ચરણોમાં ચઢાવવાથી મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે, એવી તુલસીદેવીને નમસ્કાર છે. જે મનુષ્ય એકાદશીએ રાત-દિવસ દીપદાન કરે છે, તેના પુણ્યની સંખ્યા ચિત્રગુપ્ત પણ નથી જાણતા. એકાદશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણની સન્મુખ જેનો દીવો બળે છે, તેના પિતૃ સ્વર્ગલોકમાં સ્થિત થઈ અમૃતપાનથી તૃપ્ત થાય છે. ઘી અથવા તલના તેલથી ભગવાનની સામે દીપક સળગાવીને મનુષ્ય દેહ-ત્યાગ પછી કરોડો દીપકોથી પૂજિત થઈ સ્વર્ગલોકમાં જાય છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : યુધિષ્ઠિર! આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે. ‘કામિકા’ સર્વ પાપોને હરનારી છે; તેથી માનવોએ આનું વ્રત જરૂર કરવું જોઈએ. આ સ્વર્ગલોક તથા મહાન પુણ્યફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધાની સાથે આનું માહાભ્ય સાંભળે છે, તે બધાં પાપોથી મુક્ત બની વિષ્ણુલોકમાં જાય છે.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877