વિઠ્ઠલભાઈ પટેલ (૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ – ૨૨ ઓક્ટોબર ૧૯૩૩) એ એક ભારતીય ધારાસભ્ય અને રાજકીય નેતા હતા, તેમણે સ્વરાજ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો હતો. તેઓ સરદાર પટેલના મોટા ભાઈ હતા. આજે તેમનો જન્મદિવસ છે.
વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેઓ પાંચ ભાઈઓમાં ત્રીજા ક્રમે હતા અને વલ્લભભાઈ કરતાં ૪ વર્ષ મોટા હતા. તેમનું બાળપણ કરમસદમાં વીત્યું હતું. તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. વિઠ્ઠલભાઈનો અભ્યાસ નડિયાદ અને મુંબઈમાં થયો. ત્યાર બાદ તેમણે કનિષ્ઠ વકીલ (પ્લીડર) તરીકે ગોધરા અને બોરસદના ન્યાયાલયોમાં કાર્ય કર્યું. ખૂબ નાની ઉંમરે તેમના લગ્ન દીવાળીબા નામની કન્યા સાથે થયા હતા. તેમના વિનોદી અને બુદ્ધિમાન વકૃત્વ કળા, બ્રિટિશ રાજના અધિકારીઓની ઝાટકણી આદિને કારણે તેમને નામના મળી. ૧૯૧૪ના મુંબઈના “ધ બોમ્બે ડિસ્ટ્રીક્ટ મ્યુનીસીપાલિટી એક્ટ અમેન્ડમેંટ બિલ” અને ” ધ ટાઉન પ્લાનીંગ બિલ”માં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. પ્રાથમિક શિક્ષણના મુંબઈ શહેરની બહાર સમગ્ર બોમ્બે પ્રેસીડેંસીમાં લાગુ કરવાના તેમના ૧૯૧૭ના પ્રસ્તાવે તેમને ઘણી નામના મેળવી આપી. તેમના ધારાસભ્ય તરીકેના સમગ્ર કાળ દરમ્યાન તેમણે વૈદકીય બાબતને લાગતા ઘણાં ખરડાઓ માટે લડ્યા. ૧૯૧૨માં બોમ્બે મેડિકલ એક્ટમાં ચૂક કરનાર ડૉક્ટરો માટે સજાની જોગવાઈ તેમણે ઉમેરાવી હતી. આ સુધારામાં આયુર્વેદિક ચિકિત્સકો શામેલ ન હતા. ૧૯૨૩માં તેઓ સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બલીમાં ચુંટાઈ આવ્યા અને ૧૯૨૫માં તેઓ એ એસેમ્બ્લીના પ્રમુખ કે સ્પીકર બન્યા. ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજીએ સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરી અને આ ચળવળ સાથે સહાનુભૂતિ ધરાવતા વિઠ્ઠલભાઈ પટેલે લેજીસ્લેટીવ એસેમ્બલીના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. પૂર્ણ સ્વરાજના ઠરાવ પછી તેઓ ફરી કૉંગ્રેસમાં જોડાયા અને તેમને જેલ થઈ. ત્યાં તેમની તબિયત ખરાબ થતાં ૧૯૩૧માં એમને છોડી મૂકવામાં આવ્યા અને તેઓ ઈલાજ માટે યુરોપ ગયા. મીઠાના સત્યાગ્રહ પછી તેઓ ગાંધીજીના આક્રમક આલોચક અને સુભાષચંદ્ર બોઝના સમર્થક બન્યા. ૧૯૩૩માં બોઝને ઉત્તરપ્રદેશની ભોવાલી સેનેટોરિયમમાંથી ઈલાજ માટે યુરોપના વિયેના જવા મુક્તિ મળી. વિઠ્ઠલભાઈ પણ તે સમયે ઈલાજ માટે વિયેના ગયા હતા. આ બંને નેતાઓની વિચારધારા સમાન હોવાને કારણે બન્ને નેતાઓ એકબીજાની નજીક આવ્યા. સુભાષચંદ્ર બોઝ અને વલ્લભભાઈ પટેલ સમગ્ર યુરોપમાં ભંડોળ અને રાજનૈતિક ટેકા માટે સાથે ફર્યા. અન્ય નેતાઓ સહિત તેઓ આયર્લેંડના પ્રમુખ ઈમૉન ડી વલેરાને મળ્યા. યુરોપમાં બોઝની તબિયત સુધરી પણ વિઠ્ઠલભાઈને તબિયત વધુ ખરાબ બની. તેઓ સુભાષબાબુના નિસ્વાર્થ દેશપ્રેમથી પ્રભાવિત થયા હતા અને તેઓ જાણતા હતા કે સુભાષબાબુને કૉંગ્રેસ તરફથી તેમના કાર્યો માટે એક પાઈ પણ મળશે નહિ. આથી તેમણે તેમને ૧,૨૦,૦૦૦ રૂપિયાની મિલકત સુભાષબાબુને તેમના રાજનૈતિક કાર્યો માટે આપી અને ૨ ઑક્ટોબર ૧૯૩૩ના દિવસે સ્વિત્ઝરલૅન્ડના જીનીવામાં અવસાન પામ્યા. તેમની અંત્યેષ્ટી ૧૦ નવેંબરના દિવસે મુંબઈમાં કરવામાં આવી, જેમાં ૩ લાખ લોકો હાજર રહ્યા હતા. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877