જો સહજાનંદજી સર્વોપરી ભગવાન હોય; તો હનુમાનજીની વિશાળ મૂર્તિનો સહારો લેવાની કેમ જરુર પડી હશે?
બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે 6 એપ્રિલ 2023 હનુમાન જયંતીના પર્વે હનુમાનજીને રીયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રીયલ રુબિ જડેલાં સુવર્ણ વાઘા પહેરાવ્યા હતા. વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે; જેની કિંમત 6.25 કરોડ રૂપિયા છે. શ્રીકષ્ટભંજન હનુમાનજીના મુગટ અને કુંડળમાં 1 કરોડ રૂપિયાના રીયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે ! હનુમાનજીના જન્મોત્સવના વધામણા માટે દેશભરમાંથી અનેક ભાવિકો સાળંગપુર પહોંચ્યા હતા. 5 એપ્રિલ 2023ના રોજ, સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 30,000 કિલો વજનની હનુમાનજીની વિશાળ મૂર્તિ ‘કિંગ ઓફ સાળંગપુર’નું અનાવરણ વડતાલ સ્વામિનારાયણ ધામના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં થયું હતું. ‘કિંગ ઓફ સાળંગપુર’ મૂર્તિ 54 ફુટ ઉંચી છે. આ મૂર્તિનો મુકુટ 7 ફૂટ લાંબો અને 7.5 ફૂટ પહોળો છે. મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. મૂર્તિના હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે.‘ કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન 4-કિમી દૂરથી પણ થઇ શકશે. સાળંગપુર હનુમાનજી મંદિર, વડતાળ સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત છે. સવાલ એ છે કે સહજાનંદજી પોતાને સર્વોપરી ભગવાન માનતા હતા; તેમના ભક્તો પણ સ્વામિનારાયણ ભગવાનને બીજા બધાં ભગવાનો કરતા ચડિયાતા માને છે; તો હનુમાનજીની વિશાળ મૂર્તિનો સહારો લેવાની સ્વામિનારાયણના સ્વામીઓને/આચાર્યને કેમ જરુર પડી હશે? વળી હનુમાનજી પ્રત્યે દેશ-વિદેશના ભારતીયોને શ્રદ્ધા છે; તે હનુમાનજીને માત્ર ‘કિંગ ઓફ સાળંગપુર-સાળંગપુરના રાજા’ તરીકે મર્યાદિત કરવાનો શું હેતુ હશે? બાળ સહજાનંદજીએ [બાળચરિત્ર, પેજ-110] બ્રહ્માનો ગર્વ ઊતારીને તેમની પાસે માફી માંગાવી હોય; બારે મેઘ મૂર્તિમાન આવી ઘનશ્યામ મહારાજને [બાળચરિત્ર, પેજ-101] પગે લાગતા હોય; ખુદ લક્ષ્મીજી બાળ સહજાનંદજીને પગે લાગી કાઠિયાવાડ આવવાનું [બાળચરિત્ર, પેજ-51] આમંત્રણ આપતા હોય; ખુદ ચંદ્ર આવીને બાળ ઘનશ્યામ મહારાજને વસ્ત્ર ઘરેણાં પહેરાવીને [બાળચરિત્ર, પેજ-53] પગે લાગતા હોય; બ્રહ્મા/ વિષ્ણુ/ શિવ બાળ ઘનશ્યામ મહારાજને [બાળચરિત્ર, પેજ-53] નવડાવતા હોય; ઘનશ્યામ મહારાજની કરડી દ્રષ્ટિથી અસુરો [બાળચરિત્ર, પેજ-63] ભસ્મીભૂત થઈ જતા હોય; ઘનશ્યામ મહારાજની જળક્રિડા જોવા ઈન્દ્ર/ બ્રહ્મા / શિવ આવતા હોય અને જય જય શબ્દ કહીને સ્તુતિ [શ્રીહરિલીલામૃત, પેજ-267] કરતા હોય; ઘનશ્યામ મહારાજને જોઈને ભૂતો [પરચાપ્રકરણ, પેજ-211] ભાગી જતા હોય; માછલીઓને જીવતી [સત્સંગ વિહાર-1, પેજ-10] કરતા હોય; સિંહને વશ [સત્સંગ વિહાર-1, પેજ-15] કરતા હોય; જે ભક્તોને અક્ષરધામ અને 24 અવતારો દેખાડી [સત્સંગ વિહાર-2, પેજ-14] શકતા હોય; ધારે ત્યારે વરસાદ વરસાવી શકતા હોય, સજીવ-નિર્જીવ સૌ પર કાબૂ હોય, સર્વના નિયંતા [સત્સંગ વિહાર-2, પેજ-17] હોય; સારંગપુરમાં 100 વરસ પછી મંદિર થશે એવી ભવિષ્યવાણી કરી શકતા હોય, તે બોલે તે સત્ય [સત્સંગ વિહાર-2, પેજ-19] થાય; બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહજાનંદજીની પ્રસાદી ઝંખતા [સત્સંગ વિહાર-2, પેજ-23] હોય; એવા સર્વોચ્ચ શક્તિશાળી સ્વામિનારાયણ ભગવાનને/ તેમના સ્વામીઓને હનુમાનજીની વિશાળ મૂર્તિ મૂકવાની જરુર કેમ પડી હશે? એક તરફ, પોતાને સર્વોપરી ભગવાન દેખાડવા, બ્રહ્મા/ વિષ્ણુ/ મહેશ/ કૃષ્ણ /લક્ષ્મીજી/ પાર્વતીજી વગેરે દેવ-દેવીઓ પાસે પોતાની સ્તુતિ-પૂજા કરાવે છે; બીજી તરફ રામ ભક્ત હનુમાનજીની વિશાળ મૂર્તિ મૂકાવીને શ્રદ્ધાળુ હિન્દુઓને સ્વામિનારાયણ સંપ્રદાયનો વાડો મોટો કરવાનો હેતુ હશે? ‘કિંગ ઓફ સાળંગપુર’નો હેતુ શ્રદ્ધાળુ હિન્દુઓ પાસેથી અઢળક દાન મેળવવાનો હશે?
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877