જીવનચરિત્ર કથા : ભાગ 181
આજે કસ્તુરબા ગાંધીનો જન્મદિવસ છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તૂરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 11 એપ્રિલ 1869માં થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે ગાંધીજી પોતાના પત્નીને બા તરીકે સંબોધતા એટલે કસ્તૂરબાઈ ‘કસ્તૂરબા’ તરીકે પ્રખ્યાત થયાં. ગાંધીજીની સાથોસાથ કસ્તૂરબાના જન્મને પણ તાજેતરમાં જ 150 વર્ષ થઈ ચૂક્યાં છે. એમના પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું નામ વ્રજકુમારી હતું. માત્ર 13 વર્ષની ઉંમરે એમનું લગ્ન મોહનદાસ ગાંધી સાથે થયું હતું. ગાંધીજી કરતાં ઉંમરમાં એ 6 મહિના મોટા હતા. વિવાહ સમયે કસ્તૂરબાને અક્ષરજ્ઞાન ન હતું. ગાંધીજીના પ્રેમાગ્રહને લીધે કસ્તૂરબાએ ભણવાની વ્યક્તિગત પ્રવૃત્તિ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ ખભેખભો મિલાવીને સહકાર આપ્યો. ગાંધીજીએ કંઈ કેટલીય બાબતોમાં કસ્તૂરબાને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે. સત્યાગ્રહના જે અહિંસક શસ્ત્રથી ગાંધીજીએ ભારતને સ્વતંત્ર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી એ સત્યાગ્રહના પાઠ એમને કસ્તૂરબાએ જ ભણાવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન બાએ મહિલા સત્યાગ્રહીઓનું નેતૃત્ત્વ પણ કરેલું. જ્યારે 9 જાન્યુઆરી 1915ના રોજ ભારત પરત આવ્યા પછી બાપુએ સ્થાપેલા સાબરમતી આશ્રમની વ્યવસ્થા બાએ જ સંભાળી હતી. ગાંધીજીએ નોંધ્યું છે કે, એમનામાં એક ગુણ સૌથી સારો હતો કે જે દરેક હિન્દુ પત્નીમાં ઓછાવત્તા અંશે હોય જ છે- ઈચ્છા કે અનિચ્છાએ અથવા જાણે-અજાણ્યે એ મારા પદચિહ્નો પર ચાલવામાં ધન્યતા અનુભવતા હતા. ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટે જે કોઈ પણ આંદોલનો શરુ કર્યા એમાં કસ્તૂરબાએ પણ એક સજ્જ સૈનિક તરીકે ભાગ લીધો. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજીએ સ્થાપેલા આશ્રમ અને એના રસોડાની જવાબદારી એમણે સ્વીકારી લીધી. સભા સરઘસમાં ભાગ લેવાને લીધે જેલવાસ પણ ભોગવ્યો. 9 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલનમાં ગાંધીજીની સાથે 73 વર્ષની જૈફ વયના કસ્તૂરબાને પણ પૂનાની આગાખાન જેલમાં બંદી બનાવવામાં આવ્યા. ત્યાં એમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું. આખરે બાવીસમી ફેબ્રુઆરી 1944ના રોજ 75 વર્ષીય કસ્તૂરબાનું અવસાન થયું. ગાંધીજી સાથેના 62 વર્ષના લગ્નજીવનમાં કસ્તૂરબા હંમેશા ગાંધીજીના મહત્ત્વના સાથી અને પીઠબળ બની રહ્યાં. ગાંધીજી કસ્તૂરબાને કાયમ કહ્યાં કરતાં કે, જો તમે જેલમાં મૃત્યુને પામશો તો હું મા જગદંબાની જેમ તમારી પૂજા કરીશ. ભારતની આઝાદી માટે જેમ ગાંધીજીના શબ્દો સાચા પડવાના હતાં એવી જ રીતે કસ્તૂરબાના જેલમાં અવસાન વિશેના શબ્દો પણ સાચા પડ્યાં. બાના અવસાન સાથે જ બાપુએ એમનો સૌથી નજીકનો સાથી અને સત્યાગ્રહી ગુમાવ્યો. આવા મહાન નારીરત્નને ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877