સર્જરી રેસીડેન્સીના ફાઈનલ યીઅરમાં અમારા સાહેબ ઓપરેશન થીયેટરની બહાર, સર્જન્સ રૂમમાં બેસતા. તેઓ ઓ.ટી. ડ્રેસ પહેરીને તૈયાર હાલતમાં બહાર બેઠા રહેતા અને મને કહેતા, ‘(ઓપરેશન દરમિયાન) કાંઈ તકલીફ પડે તો બોલાવજે.’ એને ન્યુટનનો કયો સિદ્ધાંત કહેવો, એ નથી ખબર પણ જ્યાં સુધી પ્રોફેસર બહાર બેઠા હોય, ત્યાં સુધી એક પણ વાર એમને અંદર બોલાવવાની જરૂર નહોતી પડી. અને એક વાર તેઓ બહાર નહોતા બેઠા, ત્યારે અડધી રાતે એમને ક્વોટર્સમાંથી તાત્કાલિક બોલાવવા પડેલા.
હું આ ઘટનાને ‘ધ પપ્પા ઈફેક્ટ’ કહું છું. જે વ્યક્તિમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય, ક્યારેક એ વ્યક્તિની મૌન હાજરી જ આપણો આત્મ-વિશ્વાસ વધારી દેતી હોય છે. ક્યારેક કોઈની હયાતી જ પર્યાપ્ત હોય છે, જીવનના સંઘર્ષો સામે લડવા માટે. એ વ્યક્તિ સાથે રેગ્યુલરલી વાત થાય કે ન થાય, મળાય કે ન મળાય પણ દરરોજ રાતે આપણે એ સંતોષ લઈને સૂતા હોઈએ છીએ કે આ જગતમાં સૌથી એકાઉન્ટેબલ અને રીલાએબલ કહી શકાય એવું કોઈ છે, જેને આપણે અડધી રાતે બોલાવી શકશું. કોઈ એવું, જે આપણી ‘પર્સનલ લાઈફ’ના ઓરડાની બહાર તૈયાર થઈને બેઠું હોય અને કહેતું હોય ‘કાંઈ તકલીફ પડે, તો બોલાવજે.’
આપણે સહુ કોઈ પપ્પા સાથેની ‘લોન્ગ-ડીસ્ટન્સ રિલેશનશિપ’માં હોઈએ છીએ. જવાબદારી, કામની મજબૂરી કે પછી જીવનની અંગત લડાઈ લડવામાં આપણે ઘણીવાર એમનાથી દૂર થઈ જતા હોઈએ છીએ. ક્યારેક ફિઝીકલી તો ક્યારેક વર્બલી. પણ ઈમોશનલી ક્યારેય નહીં.
એ દીકરો હોય કે દીકરી, લગ્ન પછીની એ કેવી વિડંબના છે કે કૌટુંબિક જવાબદારી નિભાવવા માટે ક્યારેક કુટુંબની જ કોઈ વ્યક્તિથી દૂર થતા જઈએ. પાછા વળીને એટલું પણ ન કહી શકીએ કે ‘પપ્પા, હું ભલે આગળ નીકળી જાઉં, તમે ત્યાં જ ઉભા રહેજો.’ અને ન કહેવા છતાં પણ પપ્પા તો ત્યાં જ ઉભા હોય. પપ્પા સાથેના આપણા અંતરમાં ફક્ત એક જ વેરીએબલ હોય છે, આપણી મૂવમેન્ટ. કારણકે પપ્પા તો અચળ હોય છે.
જો પપ્પા સાથેનું અંતર વધ્યું હશે, તો નક્કી આપણે જ દૂર ગયા હોવા જોઈએ. કારણકે કેન્દ્ર-બિંદુ ક્યારેય નથી હલતું. બસ, વર્તુળ મોટુ કરવાના ચક્કરમાં આપણો વ્યાપ વધતો જાય છે. પરિઘ વિસ્તારવાના પ્રયત્નોમાં ક્યારેક આપણે કેન્દ્રથી દૂર થતા જઈએ છીએ.
ક્યારેક આપણે ‘સોરી’ નથી કહી શકતા, તો ક્યારેક તેઓ ‘થેન્ક યુ’ નથી કહી શકતા. પપ્પાને ઘણું બધું નથી કહી શકાતું કારણકે મમ્મીની સામે ઉછળકૂદ કરતી ભાષા, પપ્પાની હાજરીમાં ક્યાંક સંતાઈ જાય છે. અને એટલે જ પપ્પાને લખીને કહેવું પડે છે કે ‘આઈ લવ યુ.’
નિશાળમાં ગમતી કોઈ છોકરી પાસે વારંવાર એની નોટબુક માંગતા અને એ સમજી જતી, બસ એમ જ પપ્પાને કરેલા સાવ નકામા વોટ્સ-એપ ફોરવર્ડ્સ એ કન્વે કરવા માટે પૂરતા હોય છે કે ‘આઈ મિસ યુ.’
બહુ નસીબદાર હોય છે એ લોકો, જેમના પપ્પાનું સ્ટેટ્સ ‘ઓનલાઈન’ કે ‘અવેલેબલ’ બતાવે છે. બાકી, ઘણીવાર એવું બનતું હોય છે (ખાસ કરીને કોવીડ પછી) કે સંતાનો પોતાના પપ્પા સાથે ‘લોન્ગ ડીસ્ટન્સ રિલેશનશિપ’માં હોય, આ વખતે સ્પીરીચ્યુઅલી !
પપ્પાની હયાતી હોય કે ન હોય, એમની હાજરી તો કાયમ આસપાસ જ હોય. એ પ્રોફાઈલ પીકમાં હોય કે ફોટોફ્રેમમાં, અન્ય શહેરમાં વસતા હોય કે અખિલ બ્રમ્હાંડમાં, અન્ય દેશમાં હોય કે અવકાશમાં, એમનો પ્રેમાળ ઘેઘૂર અવાજ સતત આપણને કહેતો રહે છે, ‘કાંઈ તકલીફ પડે, તો બોલાવજે.’-ડૉ. નિમિત્ત ઓઝા
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877