સોનેટનાં સર્જક, ગુજરાતી સાહિત્યનાં મોટાં ગજાના કવિ , વિવેચક અને ઇતિહાસ ચિંતક બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (1869-1952) નો આજે જન્મદિવસ છે.
સેહેની ના ઉપનામે લખતાં અને બ.ક.ઠા. નાં ટુંકા નામે પ્રસિદ્ધ થયેલા બળવંતરાયનો જન્મ ભરૂચમાં થયો હતો. બ.ક. ઠા. ૧૮૯૦ માં પ્રથમ વર્ગમાં વિનયન સ્નાતક થયાં હતાં.૧૮૯૨ માં પૂનાથી દક્ષિણા ફેલો તરીકે નિમાયા હતાં. ૧૮૮૩ માં શાળાકીય ક્રિકેટ સ્પર્ધામાં તેઓ સૈાથી નાની વયના ખેલાડી હતાં.
બળવંતરાયએ વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે સિંધની કરાંચી કૉલેજથી કર્યો હતો. તે પછી પ્રોફેસર ઠાકોર અજમેર, પૂનાની ડેક્કન કૉલેજ, રાજકુમાર કોલેજ, રાજકોટ વગેરે ઠેકાણે અધ્યાપન કાર્ય કર્યુ હતું. બળવંતરાય ઠાકોર સંસ્કૃતનાં જ્ઞાતા , ઇતિહાસ.. રાજકારણ અને અર્થશાસ્ત્રનાં ગણ્યકોટીના વિદ્વાન અને ગુજરાતી તથા અંગ્રેજીના આરૂઢ અભ્યાસી હતાં. તેનાં પુરાવારૂપે મહત્વની સાહિત્યકૃતિઓમાં એટલે ભણકાર 1-2-3, જૂનું પિયરઘર, મ્હારા સોનેટ, માલવિકાગ્નીમિત્ર, મહાકાવ્ય સમાન પ્રેમનો દિવસ કાવ્યસંગ્રહ કુલ 18 મણકામાં 24 વર્ષે પૂર્ણ થયો. પ્રેમની ઉષા, અદ્યષ્ટિદર્શન, મોગરો, વધામણી, જૂનું પિયરઘર, વર્ષાની એક સુંદર સાંજ, વિરહ (19 મણકા), વૃધ્ધોની દશા, જર્જરીત દેહને, સુખદુઃખ-1, વડલાને છેલ્લી સલામ, માજીનું સ્ત્રોત, ગાંડી ગુજરાત, આરોહણ, ચોપાટીને બાંકડે, દામુ વકીલનો કિસ્સો, નિરુત્તમા, બુધ્ધ, વિક્રમોવર્શિયમ, શાકુંતલ, પ્લૂટાકનું જીવનચરિત્ર, ઇતિહાસ દિગ્દર્શન, અંબાલાલભાઈ , લગ્નમાં બ્રહ્મચર્ય, વિવિધ વ્યાખ્યાનો (૨ ભાગ), પંચોતેરમે પ્રવેશકો જેવાં કવિતા, વિવેચન, અનુવાદ , જીવનચરિત્ર અને ઇતિહાસ વિષયક ગ્રંથો છે. ગુજરાતીમાં સોનેટના જનક અને કઠોર વિવેચક તરીકે પણ બ.ક.ઠાં. જાણીતાં છે. કલાપી અને કવિ કાન્તના સંગાથી તથા મહાત્મા ગાંધીના સહાધ્યાયી એવાં બળવંતરાય ઠાકોરનું ૨ જાન્યુઆરી ૧૯૫૨ ના રોજ અવસાન થયું હતું. તેમની એક રચનાને કાવ્યાંજલી આપીને ભાવવંદન કરીએ. 👏💐
જૂનું પિયેર ઘર
(છંદ: મંદાક્રાંતા)
બેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂં કંઠ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂના:
ભાંડૂ ન્હાનાં; શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ
જ્યાંત્યાં આવી વય બદલિ સંતાય જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાધિ લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી:
ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!
બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતી, નાથ મ્હારા, ત્હમારી.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877