ગાંધીજીએ જેમને સવાઇ ગુજરાતી કહ્યા છે એ કાકા કાલેલકર (1885-1981) નો આજે જન્મદિવસ છે.
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર – ‘કાકાસાહેબ’ નો જન્મ મહારાષ્ટ્ર સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા. તેઓ માતાપિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઊછર્યા હતા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો. તેઓ આજીવન કુદરતપ્રેમી, પ્રવાસી, પરિવ્રાજક બની રહ્યા. તેઓ વિવિધ ભાષાઓ શીખવાના શોખીન હતા. પ્રાથમિક શિક્ષણ પુના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલ.એલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં. ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’ નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું. ગાંધીજીના અંતેવાસીઓમાંના દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પાસેથી ભારતીય સંસ્કૃતિનું સમુચિત ગૌરવ કરતું ચિંતનલક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસ નિબંધો મળ્યાં છે. એ પૈકી ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે. તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે. તેમના ગદ્યસામર્થ્યને કારણે જ ગાંધીજી તરફથી તેમને “સવાઈ ગુજરાતી” નું બિરુદ મળેલું. ઈ.સ. ૧૯૮૧ના ઓગસ્ટ મહિનાની વીસમી તારીખના રોજ તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877