Explore

Search

July 31, 2025 5:34 am

लेटेस्ट न्यूज़
Advertisements

નાટ્યકાર, વિવેચક, અનુવાદક અને લેખક હસમુખ જમનાદાસ બારાડી (1938-2017) : Manoj Acharya

નાટ્યકાર, વિવેચક, અનુવાદક અને લેખક હસમુખ જમનાદાસ બારાડી (1938-2017) : Manoj Acharya

નાટ્યકાર, વિવેચક, અનુવાદક અને લેખક હસમુખ જમનાદાસ બારાડી (1938-2017) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ રાજકોટમાં 23 ડિસેમ્બરે થયો. ૧૯૬૧માં સૌરાષ્ટ્ર સંગીતનાટક અકાદમી, રાજકોટથી નાટ્યદિગ્દર્શન વિષય સાથે ડિપ્લોમા, ૧૯૬૪માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૭૨માં મોસ્કોના સ્ટેટ થિયેટર ઈન્સ્ટિટ્યુટમાંથી થિયેટર ઇતિહાસ વિષય સાથે એમ.એ. એ જ વર્ષે ટી.વી. ઈન્સ્ટિટ્યુટ, મોસ્કોમાં ટી.વી. નિર્માણ અંગેની તાલીમ. ૧૯૬૦-૧૯૬૪ દરમિયાન આકાશવાણીના વડોદરા તેમ જ રાજકોટ કેન્દ્રમાં નાટ્યલેખક. ૧૯૬૪ થી ૧૯૬૮ સુધી આકાશવાણી, દિલ્હીના ગુજરાતી સમાચાર-ઉદઘોષક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી સરકારી વિનિમય કાર્યક્રમ અંતર્ગત મોસ્કો રેડિયોના ગુજરાતી વિભાગના કાર્યક્રમ-આયોજક. ૧૯૭૩ થી ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર (ઇસરો) સાથે સંલગ્ન અને અદ્યપર્યત કાર્યક્રમ-નિર્માતા. સાત પાત્રોવાળું દ્વિઅંકી નાટક ‘કાળો કામળો’ (૧૯૭૫) વાસ્તવ અને અમૂર્તનો વિનિમય કરતું એમનું પ્રયોગલક્ષી માનસશાસ્ત્રીય નાટક છે. આ નાટકનો હિન્દી અનુવાદક ૧૯૮૦માં ‘કાલા કમ્બલ’ નામે પ્રગટ થયો છે. રંગભૂમિ વિશેના વિવેચનાત્મક લેખોનો સંગ્રહ ‘નાટક સરીખો નાદર હુન્નર’ (૧૯૮૩) ગુજરાતી રંગભૂમિમાં પ્રવર્તતી એકવિધતા અને પ્રોસિનિયમના ધંધાદારી વિનિયોગની સામે વિરોધનો સૂર પ્રગટ કરે છે. ચૅખોવના પ્રસિદ્ધ નાટક ‘અંકલ વાન્યા’નો અનુવાદ ‘વાન્યા મામા’ (૧૯૮૩) ઉપરાંત ‘ટેલિફોન’ (‘એનેક્ટ’, ૧૯૮૧-૮૨) એ એમના અંગ્રેજી નાટ્યનુવાદો છે. ‘જનાર્દન જોસેફ’ (૧૯૮૫) મૂળ ગુજરાતીમાં તથા હિન્દીમાં પણ ‘યાયાવર’ (૧૯૮૬) નામે પ્રગટ થયું છે. ‘બારાડીનાં બે નાટકો’ (૧૯૮૪)માં સામાજિક વાસ્તવનું નિરૂપણ કરતાં બે નાટકો પૈકી ‘પછી શેબાજી બોલિયા’ ત્રિઅંકી છે તથા ‘જશુમતી કંકુવતી’ દ્વિઅંકી છે. ‘એકલું આકાશ અને બીજાં નાટકો’ (૧૯૮૫)માં મુખ્ય નાટક ‘એકલું આકાશ’ વર્તમાન સમાજવ્યવસ્થાનું ટીકાત્મક નિરૂપણ કરતું પ્રયોગશીલ નાટક છે. ચ. કા. ભટ્ટની નવલકથા પરથી ‘ભઠ્ઠી’ ટેલિફિલ્મ (1997) તૈયાર કરેલી તે આઝાદીની રજતજયન્તીની ઉજવણી નિમિત્તે દૂરદર્શન પર રજૂ થયેલી. તેમણે ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ નૅશનલ બુક ટ્રસ્ટ, દિલ્હીને ઉપક્રમે તૈયાર કર્યો હતો (1996). યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ માટે ‘ટીવી પ્રોડક્શન’ વિષય પર પાઠ્યપુસ્તક તૈયાર કર્યું હતું (1993), જેને તે વર્ષના એ વિષયના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પારિતોષિક મળ્યું હતું. તેમણે ભારતમાં તેમજ વિદેશમાં નાટક અને રંગભૂમિને લગતી અનેક તાલીમશિબિરોનું સંચાલન કરેલું છે. બટુભાઈ ઉમરવાડિયાની સ્મૃતિમાં સ્થપાયેલી નાટ્ય શિક્ષણ સંશોધન સંસ્થા – (BUDETRI) ના કુશળ કાર્યવાહક તરીકે તેમજ ‘નાટક’ ત્રૈમાસિકના ર્દષ્ટિમંત તંત્રી તરીકે તેઓ ઉપયોગી સેવા આપતા હતા. એ રીતે ગુજરાતમાં નવી રંગભૂમિની હવા જમાવવામાં બારાડીએ મહત્વનો ફાળો આપ્યો છે. તેમને નાટ્યલેખન માટે 1987થી 1991ના ગાળાનો નર્મદ સુવર્ણચંદ્રક તથા કુમાર સુવર્ણચંદ્રક પણ અર્પણ થયો છે. તા. 4 ફેબ્રુઆરી 2017 નાં રોજ તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements