આજનો મોર્નિંગ મંત્ર
ગયા શનિવારે લાયન સફારીમાં જતી વખતે માર્ગમાં સમઢિયાળા ગામ પાસેથી પસાર થયા. ગામનાં નામનું પાટિયું વાંચીને સ્મૃતિ આકાશમાં વીજળીનો ચમકારો થયો. ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ’ જેવાં એકથી એક ચડિયાતાં 52 ભજનો આપનાર ગંગાસતી યાદ આવી ગયાં.
‘મેરું રે ડગે ને જેના મન નો ડગે, મર ને ભાંગી રે પડે ભરમાંડ રે’ આ ભજન હોય કે ‘શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ, જેના બદલે નહીં વ્રતમાન રે’ અથવા ‘અભય ભાવના લક્ષણ બતાવું, પાનબાઇ’ એ ભજન હોય આ તમામ રચનાઓમાં ગંગાસતીએ સનાતન હિંદુ ધર્મની ફિલસૂફી નિચોવી દીધી છે. મારા સર્વકાલીન સર્વાધિક પ્રિય ભજનોમાં ટોચના સ્થાને ‘વીજળીના ચમકારે’ આવે છે. આ ભજનમાં ગંગાસતી લખે છે, ‘એકવીસ હજાર છસ્સોને કાળ ખાશે’ જ્યારે હું આ પંક્તિ વાંચુ છું ત્યારે મારું મન વિચારોના ચકડોળે ચડી જાય છે. પાલિતાણાથી 35 કિલોમીટર દૂર આવેલાં ખોબા જેવડા ગામ રાજપરા માં જન્મેલાં ગંગાબા જ્ઞાતિએ સરવૈયા રાજપૂત હતાં. કહળસંગ ગોહિલ સાથે લગ્ન કરીને તેઓ સમઢિયાળામાં આવ્યાં હતાં. પાનબાઇ નામની ખવાસ જ્ઞાતિ ની સહેલી તેમની સાથે આવી હતી. કહળસંગ અતિશય ધાર્મિકવૃત્તિના હતા. પતિપત્નીએ ભક્તિભાવપૂર્વક સંસાર માણ્યો. એ પછી કહળસંગે જીવનલીલા સંકેલીને સમાધિ લઇ લીધી.
પતિના મૃત્યુ પછી ગંગાસતીએ 52 ભજનો રચ્યાં જે દોઢસો વર્ષ પછી આજે પણ ગુજરાતના ઘરઘરમાં ગવાય છે. આવાં નિરક્ષર ગંગાસતીને કોણે શીખવ્યું હશે કે સરેરાશ માણસ ચોવીસ કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે અને મૂકે છે?! વીજળીના ચમકારા જેવા ક્ષણભંગુર માનવજીવન વિશે આ અભણ બાઇને કોણે જ્ઞાન આપ્યું હશે?
જ્યારે ધરતીકંપ કે પ્રલય જેવ હોનારતો આવે છે ત્યારે પૃથ્વી પરનું બધું જ ઊલટસુલટ થઇ જાય છે. જ્યાં સમુદ્ર હોય છે ત્યાં હિમાલય જેવો પર્વતરાજ રચાઇ જાય છે. મોટી મોટી ઇમારતો નષ્ટ થાય છે. અડગ ટકી રહે છે ફક્ત મેરુ. આ વાતની ગંગાસતીને જાણ હોય તો જ તે આવું લખી શકે. ‘મેરુ રે ડગે ને જેના મન નો ડગે’.
ક્યાંથી આવ્યું હશે આ બધું જ્ઞાન? ક્યાંથી ફૂટી હશે આવી ચોટદાર, લાઘવયુક્ત વાણી? એ પણ શાળાનું પગથિયું ચડ્યાં વગર જ. કહેવાય છે કે ગંગાસતી લખી, વાંચી શકતાં ન હતાં. એમણે રચેલાં અને ગાયેલાં ભજનો બીજા કોઇએ લખીને સાચવી રાખ્યાં હતાં.
વાણીના ચાર પ્રકાર હોય છેઃ
વૈખરી,
મધ્યમા,
પશ્યન્તિ અને
પરા વાણી.
કબીર, રૈદાસ, નરસિંહ, મીરાં, ગંગાસતી આ બધાં પરા વાણી ના માલિકો હતાં. માટે જ તેઓ જે લખી ગયાં છે એને સમજવા કે સમજાવવા માટે ડોક્ટરેટ થયેલા ભાષાશાસ્ત્રીઓનો પનો પણ ટૂંકો પડે છે.
ક્યારેક સમય મળે તો ગંગાસતીનાં ભજનો એકાંતમાં બેસીને વાંચજો;
શાસ્ત્રોના અર્થ ઊઘડી જશે.
–ઓમ નમઃ શિવાય—
તારીખઃ 27-1-2021
ડો. શરદ ઠાકર
