ધાર્મિક શિવ કથા : ભાગ 89
શ્રાવણ વદ ચૌદસ : શિવપુરાણ વાંચવાનું અને સાંભળવાનું ફળ તેમજ આયોજન
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કોઈપણ શ્રદ્ધા રાખીને શિવપુરાણ કથા સાંભળે છે તે જન્મ મરણના બંધનથી મુક્ત થઇ જાય છે અને ભગવાન શંકરના પરમ ધામમાં જાય છે. બીજા દેવતાઓની તુલનામાં ભગવાન શિવજી જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને થોડી પૂજાનું ખૂબ જ મોટું ફળ આપી દે છે. એકવાર ભસ્માસુરે ભગવાન શંકરની તપસ્યા કરીને ઇચ્છિત ફળ માગ્યું કે હું જેના માથે હાથ મુકું તે ભસ્મ થઇ જાય. ભગવાન શંકર એટલા ભલા ભોળા કે કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર તથાસ્તુઃ કહી દીધું. ભસ્માસૂરે વિચાર્યું કે પહેલા શંકરજીને જ ભસ્મ કરી જોઉં અને તે ભગવાન શંકરની પાછળ દોડ્યો. ભગવાન શંકર દોડતા વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી નૃત્ય દરમિયાન ભસ્માસૂરનો હાથ તેનાજ માથા ઉપર મુકાવી ભસ્મ કરી દીધો અને ભગવાન શિવજીની રક્ષા કરી. એટલે ભગવાન શંકરની થોડીક પૂજા કરો તો તો તે પ્રસન્ન થઇ ખુબજ મોટું ફળ આપી દે છે. જે શિવપુરાણની કથા વાંચે છે, સાંભળે છે અને મનન કરે છે તેને કપિલ ગાયના દાન જેટલું ફળ મળે છે. પુત્રહીનને પુત્ર, મોક્ષાર્થીને મોક્ષ પ્રાપ્ત થાય છે તથા તેના કોટિ જન્મોનાં પાપ નાશ પામે છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે. જો આપને શિવપૂરાણની કથા કરાવવી છે તો એના પણ નિયમો છે. સહુપ્રથમ વિદ્વાન બ્રાહ્મણ પાસે સારું મુહૂર્ત કઢાવવું જોઈએ. શિવપુરાણ માટે શ્રાવણ, ભાદરવો,આસો, માગસર, મહા, ફાગણ વૈશાખ અને જેઠ મહિનો વધુ શુભ છે પણ વિદ્વાનોના કહેવા મુજબ જે દિવસે શિવપુરાણ કથા પ્રારંભ કરીએ તેજ શુભ મુહૂર્ત છે. શિવપુરાણ કરવા માટેનું સ્થાન સામાન્ય રીતે ખૂબ જ પવિત્ર હોવું જોઈએ. જન્મભૂમિમાં તેનું આયોજન કરવાનું વિશેષ કહેવામાં આવ્યું છે. ‘જનની જન્મ ભૂમિશ્ચ: સ્વર્ગાદપિ ગરિયશી ‘ તે ઉપરાંત તીર્થોમાં પણ શિવપુરાણનું આયોજન કરીને વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે, છતાંપણ જ્યાં મનને સંતોષ મળે તે સ્થાન પર કથા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણના વક્તા વિદ્વાન બ્રાહ્મણ હોવા જોઈએ. તેમને શાસ્ત્રો અને વેદોનું સારું જ્ઞાન હોવું જોઈએ. બધાં બ્રાહ્મણ સારા આચરણવાળા અને સદાચારી હોવા જોઈએ. તે સંધ્યા વંદના અને રોજ ગાયત્રી જાપ કરતા હોવા જોઈએ. બ્રાહ્મણ અને યજમાને સાત દિવસો સુધી ઉપવાસ કરવા જોઈએ. ફક્ત એક સમય ભોજન કરવું અને તે શુદ્ધ શાકાહારી હોવું જોઈએ. કથાનું વાચન કરનારની પુજા કરી તેમને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કરવા જોઈએ તથા કથામાં ભાગ લેનાર કે સાંભળવા આવનાર બ્રાહ્મણોનું પણ સન્માન કરી દાન દક્ષિણા આપવા જોઈએ.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877