જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં હતાં. સ્વિત્ઝર્લેન્ડમાં પેન્શનની સુવિધા ઘણી સારી છે. ક્રિસ્ટિનાને પણ ઘણું સારું પેન્શન મળતું હતું અને તેને જીવન નિર્વાહની કોઈ ચિંતા નહોતી.
છતાં તેણે ૮૭ વર્ષના એક એકાકી વૃદ્ધની કાળજી રાખવાનું ‘કામ’ સ્વીકાર્યું હતું. મેં ક્રિસ્ટિનાને પૂછ્યું શું તે પૈસા માટે આ કામ કરી રહી હતી?
તેના જવાબે મને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂક્યો. તેણે કહ્યું, “હું આ કામ પૈસા માટે નથી કરતી પણ હું મારો સમય ‘ટાઇમ બૅન્ક’માં જમા કરાવું છું. જ્યારે હું ઘરડી થઈશ અને હલનચલન કરવા અસમર્થ બની જઈશ ત્યારે હું ‘ટાઇમ બૅન્ક’માંથી એનો ઉપાડ કરી શકીશ.”
પહેલી વાર મેં ‘ટાઇમ બૅન્ક’ વિશે સાંભળ્યું. મને ઉત્સુકતા થઈ અને મેં એ વિશે વધુ જાણવા રસ દાખવ્યો.
મૂળ ‘ટાઇમ બૅન્ક’ સ્વીસ ફેડરલ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ સિક્યોરિટી દ્વારા વિકસાવાયેલો એક વૃદ્ધાવસ્થા માટેનો પેન્શન કાર્યક્રમ હતો. લોકો જ્યારે જુવાન હોય ત્યારે ઘરડાં લોકોની સેવા કરી સમયને ‘જમા’ કરે અને પછી પોતે ઘરડાં થાય કે માંદા પડે કે અન્ય કોઈ કારણ સર જરૂર પડે ત્યારે તેનો ‘ઉપાડ’ કરવાનો.
ઉમેદવાર તંદુરસ્ત, સારી વાક્છટા ધરાવનાર અને પ્રેમથી સભર હોવો જોઈએ. રોજ તેમણે જરૂરિયાતમંદ વ્યક્તિની કાળજી રાખવાની અને તેને મદદ કરવાની.
જેટલો સમય તે સેવા આપે તે એના સોશિયલ સિકયુરિટી સિસ્ટમના વ્યક્તિગત ‘ટાઇમ’ અકાઉન્ટમાં જમા થાય.
ક્રિસ્ટિના અઠવાડિયામાં બે વાર કામે જતી. દરેક વખતે બે કલાક ૮૭ વર્ષના પેલા વૃદ્ધની મદદ કરવા, તેમની માટે ખરીદી કરવા, તેમના ઘરની સાફ સફાઈ કરવા, તેમને સૂર્ય પ્રકાશમાં આંટો મારવા લઈ જવા, તેમની સાથે વાતો કરવા.
કરાર મુજબ, તેની એક વર્ષની સેવા બાદ, ‘ટાઇમ બૅન્ક’ તેના કુલ સેવાના કલાકોની ગણતરી કરી તેને એક ‘ટાઇમ બૅન્ક કાર્ડ’ આપશે. જ્યારે તેને મદદની જરૂર પડે ત્યારે તે આ કાર્ડ નો ઉપયોગ કરી વ્યાજ સાથે જમા થયેલ સમય નો ‘ઉપાડ’ કરી શકશે.
માહિતી ચકાસ્યા બાદ ‘ટાઇમ બૅન્ક’ તેને મદદ કરી શકે એવા ખાતેદારને હોસ્પિટલ કે તેના ઘેર મોકલી આપશે.
એક દિવસ હું શાળામાં હતો અને ક્રિસ્ટિનાનો ફોન આવ્યો કે તે ઘરમાં બારી સાફ કરતાં ટેબલ પરથી પડી ગઈ છે. મેં અડધી રજા મૂકી ઘેર દોટ મૂકી અને ક્રિસ્ટિનાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી. તેને પગની એડી એ ઇજા પહોંચી હતી અને થોડા સમય સુધી ખાટલે આરામ કરવાની ફરજ પડી.
મને જ્યારે ચિંતા થઈ કે હવે તેનું ધ્યાન કોણ રાખશે ત્યારે તેણે તરત મને ચિંતા ન કરવા જણાવ્યું. તેણે ‘ટાઇમ બૅન્ક’ માં ‘ઉપાડ’ ની અરજી કરી દીધી હતી! બે જ કલાકમાં એક સ્વયંસેવક હાજર પણ થઈ ગયો ક્રિસ્ટિનાની સેવામાં. ‘ટાઇમ બૅન્કે’ વ્યવસ્થા કરી હતી તેની.
એ પછી એક મહિના સુધી, તે સ્વયંસેવકે ક્રિસ્ટિનાની ખૂબ સારી કાળજી રાખી, રોજ તેની સાથે સમય પસાર કર્યો, વાતો કરી તેના માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. એક મહિનામાં તો આ સ્વયંસેવકની દેખરેખ હેઠળ ક્રિસ્ટિના સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ.
સાજા થયા બાદ ક્રિસ્ટિના ફરી ‘કામે’ લાગી ગઈ. તેની ઈચ્છા હતી કે તે જ્યાં સુધી તંદુરસ્ત છે ત્યાં સુધી આ રીતે કામ કે સેવા કરી શકય એટલો વધુ સમય ‘ટાઇમ બૅન્ક’ માં જમા કરી શકે.
સ્વિત્ઝર્લેન્ડમાં વૃદ્ધોની મદદ માટે ‘ટાઇમ બૅન્ક’નો ઉપયોગ પ્રચલિત છે. આ પ્રથા માત્ર દેશના પેન્શન ખર્ચાઓ ને જ નથી બચાવતી પણ અન્ય સામાજિક સમસ્યાઓનો પણ ઉકેલ લાવે છે.
ઘણાં સ્વીસ નાગરિકો આ ઓલ્ડ – એજ પેન્શન પ્રથાને ઉત્સાહભેર આવકારે છે અને તેનો ભાગ બનવા ટાઇમ બૅન્કમાં જોડાય છે.
સ્વીસ સરકારે ટાઇમ બૅન્ક પેન્શન યોજનાને લગતો કાયદો પણ પાસ કર્યો છે.
આપણે ત્યાં પણ આવી ટાઇમ બૅન્ક હોય તો?
💗
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877