Explore

Search

December 11, 2024 6:43 am

लेटेस्ट न्यूज़

જીવનચરિત્ર કથા : ભાગ 364 ગ્રામ્યકથાના સત્વશીલ નવલકથાકાર નાનાભાઇ જેબલિયા (1938-2013) : मनोज आचार्य

જીવનચરિત્ર કથા : ભાગ 364
ગ્રામ્યકથાના સત્વશીલ નવલકથાકાર નાનાભાઇ જેબલિયા (1938-2013)

નો આજે જન્મદિવસ છે.
સાવર કુંડલા તાલુકાના ખાલપર ગામે માતા રાણુબા બહેન અને પિતા હરસુર ભાઈ જેબલિયાને ત્યાં તા. 11/11/1938 ના રોજ જન્મેલા નાનાભાઈએ વતનમાં જ શિક્ષણ લીધું હતું અને સોનગઢ જઈ તે વખતનું જુનિયર પી. ટી. સી. પૂર્ણ કરી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી હતી. તેઓ 1965 માં લાઠી તાલુકાના (જિ. અમરેલી) પાડરશીંગા ગામના કાનુબહેન કે જેઓ ત્રણ ગુજરાતી ભણેલા હતાં તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતાં. છેલ્લે તેઓ વંડા (તા. સા. કુંડલા) ની તાલુકા શાળામાં આચાર્ય પદે રહ્યા હતા. ત્યાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ જાહેર કરી હતી. એક સર્જક તરીકે નાનાભાઈ એ 1981 થી વાર્તા લેખનથી શરૂઆત કરી હતી. નાનાભાઈ હ. જેબલિયાનું ગદ્ય ગુજરાતી સાહિત્યના લગભગ (કવિતા સિવાય) તમામ સાહિત્યિક સ્વરૂપમાં વિહર્યું છે, જેમાં ટૂંકી વાર્તા, નવલકથા, સત્યકથા, કટાર લેખન વગેરે જેવા અનેક ક્ષેત્રોમાં એમના સર્જનની સત્વશીલતા વિશે વિદ્વાનોમાં એક પ્રકારનો પ્રશ્નાર્થ રહેલો હતો. જોકે આવા બળુકા સર્જક તરીકે નાનાભાઈને કશો ફરક પડતો નથી. એટલે જ સા. કુંડલા (જિ. અમરેલી) ની કાણકિયા કોલેજમાં નાનાભાઈના સર્જન વિશે એક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્વાનોએ નાનાભાઈના સર્જનને સો ટચ નું સોનુ અને મોટા ગજાના સર્જક તરીકે આવકાર્યા હતાં. નવલકથા ક્ષેત્રે નાનાભાઈ દ્વારા 13 જેટલી નવલકથા લખી છે તેમજ કાઠિયાવાડી ભાષામાં વાક્ય લઢણ, વર્ણન, શબ્દ પ્રયોગ, લોકોક્તિ, કહેવત, રુઢિપ્રયોગ, સંવાદ, જાનપદી જીવન એ સઘળું અનાયાસે ઉતરી આવે છે એ તેમની લાક્ષણિકતા છે. તેઓ ગુજરાતના ખ્યાતનામ સર્જકો અને સામાયિકો વગેરેમાં સત્વશીલ સર્જક તરીકે ખ્યાતનામ થઈ ચૂક્યા છે. ટૂંકમાં ઝવેરચંદ મેઘાણી પછીના ગ્રામ્ય જીવનના લેખક તરીકે ગુજરાતી સાહિત્યની સૌથી મોટી ભેટ એટલે નાનાભાઈ હ. જેબલિયા છે. એટલે જ તેઓ ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા અને પન્નાલાલ પટેલ સર્જક પંક્તિમાં સ્થાન લઈ ચૂક્યા છે અને મેઘાણી પછી ધૂળધોયા તરીકેનું કામ કરીને આપણને સત્વ શીલતા યુક્ત સાહિત્ય આપ્યું છે. રાધેશ્યામ શર્માના શબ્દોમાં કહીએ તો “નામે નાના પણ કામે મોટા લેખક”. મોહમ્મદ માંકડ, કેશુભાઈ દેસાઈ, નરોત્તમ પલાણ, રજની કુમાર પંડ્યા, વસંત પરીખ, મનોજ રાવળ, રઘુવીર ચૌધરી, રતિલાલ બોરીસાગર, મનસુખ સલ્લા, મનોહર ત્રિવેદી, ડૉ. મનોજ જોશી, રમણલાલ જોશી, વિનોદ ભટ્ટ વગેરે જેવા પ્રથમ પંક્તિના સર્જકો દ્વારા અલગ અલગ રીતે નાનાભાઈ સન્માનિત થઈ ચૂક્યા છે. તેમનાં સર્જનને જોઇએ તો..
▶️ નવલકથાઓ :-
(1) તરણાનો ડુંગર, 1968. જેનું પુનર્લેખન – સુકા ભીના સંગાથ, (2005)
(2) લોહ રેખા, ભાગ 1-2 (1970) જેનું પુનર્લેખન – ખળખળ વહેતી તરસ, (2006)
(3) રંગ બિલોરી કાચના, (1972) જેનું પુનર્લેખન – માનવી ધરા ધૂળના, (2007)
(4) મેઘરવો, (1974) જેનું પુનર્લેખન – મેઘરવો (2008)
(5) એંધાણ, (1975)
(6) ભીના ચઢાણ, (1976)
(7) વંકી ધરા વંકા વહેણ, (1977)
(8) સૂરજ ઊગ્યે સાંજ, (1978)
(9) અર્ધા સૂરજની સવાર, (1980)
(10) ઉગ્યા’તા શમણાને દેશ, (1989)
(11) વેશ, (1982)
(12) આયખું તો શમણાનો દેશ, (1995)
(13) ખાંભી, (1992, 2004)
▶️ વાર્તા સંગ્રહ :-
(1) શૌર્યધારા, (1965)
(2) સથવારો, (1970)
(3) મારી શ્રેષ્ઠ વાર્તાઓ, (1975)
(4) તડકો, (2005)
(5) ધક્કો, (2009)
▶️ ઈતિહાસ કથાઓ :-
(1) ઈતિહાસનું ઉજળુ પાનું, ભાગ – 1/2/3/4,
(2) માણસાઈ ના કાંઠે કાંઠે, (1996)
(3) મુઠ્ઠી ઊંચેરા માનવી, (1996)
(4) અમૃત વરસે નેણ, (2001)
(5) ઉજળા અવતાર, (2001)
▶️ સંત કથાઓ :-
(1) આપા દાના
(2) આપા વિસામણ
(3) આપા જાદરા
(4) સંત મુળદાસ
(5) ગૌતમીને કાંઠે / સિહોરની સંત સરવાણી
▶️ કટાર લેખન :-
(1) અલખનો ઓટલો (1984)
(2) ચટ્ટાક ચોરો
(3) ગામાયણ
(4) ગાલપુરાણ
(5) તોરણ સૌરાષ્ટ્ર સમાચાર પુસ્તક રૂપમાં, ભાગ – 1/2
▶️ હાસ્ય કટાક્ષ :-
(1) ધકેલ પંચા દોઢસો
(2) ટપુ ના ટીખળ
(3) બાપુ અને બજરિયો
(4) સતયુગ આવ્યો
▶️ રેખાચિત્રો :-
(1) છોરુ ધરતી આકાશના, (નવસંસ્કરણ – 1995)
(2) માણસ નામનો પ્રદેશ.
(3) વાર્તાના કાંઠે કાંઠે
▶️ બાળ સાહિત્ય :-
(1) ભજવવા લાયક નાટકો , (બાળનાટ્ય સંગ્રહ)
(2) બલિહારી ચતુરાઈ ની, (બાળ વાર્તાઓ )
▶️ દસ્તાવેજી કથા :-
(1) રૂઠી ધરતી, રૂઠ્યું આભ, (વાવાઝોડું – 1985)
👉 નાનાભાઇને મળેલ સન્માન /પારિતોષિક
(1) સવિતા, વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ – 1964/66
(2) યુવદર્શન, વાર્તા સ્પર્ધામાં પ્રથમ ઇનામ – 1986. (વાર્તા – હાલો ‘ણ’ ની ખાંભીએ)
(3) હિંમતભાઈ પારેખ એવોર્ડ – 1988
(4) સંસ્કાર એવોર્ડ – 1991
(5) ઈતિહાસ નું ઉજળુ પાનું, શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ, (ગુજરાત સાહિત્ય અકાદમી- 1992)
(6) આયખું તો શમણાનો દેશ, (ગુજરાત સાહિત્ય પરિષદનું ઇનામ – 1993)
(7) નરસિંહ મહેતા એવોર્ડ, (ગુજરાત સરકાર – 1999)
(8) ‘દર્શક’ સાહિત્ય સન્માન, (વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા – 2011)
જીવનના ઉત્તરાવસ્થામાં લકવાગ્રસત હાલતમાં તેઓનું અવસાન તા. 25 નવેમ્બર 2013 ના રોજ થયું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग