28/1/2021
📒 મનપસંદ પોસ્ટ 📒
કોવિડ રસી લીધા પછી સાધારણ રિએક્શન કેમ આવે છે? કારણ કે આવવું જોઈએ!
એક નજર આ તરફ ગુજરાત સમાચાર
લેખક – ✒ હર્ષલ પુષ્કરણા
https://www.facebook.com/harshal.pushkarna
રસીકરણ પછી શરીરને વરતાતી અપેક્ષિત આડઅસરો કોઈ બીમારી નથી. બલકે, કોવિડ-19 જેવી બીમારીના કારક વિષાણુને આપણા શરીરે આપેલો જવાબ છે. રસીના મૃતપ્રાય વિષાણુ પરનો વળતો હુમલો છે, જે ન થાય તો તેને ચિંતાનો વિષય ગણવો જોઈએ.
શરીરમાં કોરોનાવાઇરસની સંભવિત ભાંગફોડ સામે બાયોલોજિકલ કિલ્લેબંધી રચી આપતી રસી હજી પ્રાયોગિક તબક્કામાં હતી ત્યારનો એક કિસ્સો છે. અમેરિકાની મેેસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજિ/ MITના જીવવિજ્ઞાની લૂક હચીન્સને ‘ક્લિનિકલ ટ્રાયલ્સ’ કહેવાતા તબીબી પ્રયોગો દરમ્યાન મોડેર્ના ફાર્માની mRNA-1273 રસીનો ડોઝ લીધો. કેટલાક કલાક વીત્યા ત્યાર પછી હચીન્સનને ઓચિંતી બેચેની જણાવા લાગી. શ્વાસ ભારે થયો. હાથ-પગના સ્નાયુ ખેંચાવા માંડ્યા, તેમાં અસહ્ય દરદ ઊપડ્યું અને આખા શરીરમાં ધ્રૂજારી પેદા કરતી ઠંડી લાગવાનું શરૂ થયું. શારીરિક તાપમાન માપ્યું તો ૧૦૧ ફેરનહીટ! થોડા કલાકો પહેલાં રસીનું ઇન્જેક્શન જે ખભે લીધેલું તેટલો ભાગ સૂજીને દડા જેવો થઈ રાતોચોળ બન્યો હતો.
ત્વરિત તબીબી સારવાર મેળવવા માટે લૂક હચીન્સને 911 ઇમર્જન્સી નંબર ઘુમાવવાનો વિચાર કર્યો, પણ ત્યારે તેના જીવવિજ્ઞાની આત્માએ ‘જરા સબ્ર કર!’નો સાદ દઈને અટકાવ્યો. શરીરને ઓચિંતી વરતાઈ રહેલી અસરો કલાકો અગાઉ લીધેલી કોરોના વિરોધી રસીની આડઅસર હોવાની એ બાયોલોજિસ્ટના મગજમાં બત્તી થઈ. આથી અજંપાનો ઊભરો થોડી વારમાં શમી જશે એમ (સાચી રીતે ધારીને) તેણે રાત ખેંચી કાઢી.
સમુદ્રી સુનામીનું મોજું કાંઠે ત્રાટક્યા પછી થોડા કલાકોમાં ઘણુંખરું જળ બેક મારતું દરિયા ભણી જવા લાગે તેમ હચીન્સના શરીર પર રસીની આડઅસરોનું ઘોડાપૂર આસ્તે આસ્તે ઓસરવા લાગ્યું. આગલી રાત્રે વેદનાથી કણસતું અને ઠંડીથી ધ્રૂજતું શરીર બીજા દિવસે બપોર સુધીમાં તો સાવ સાજુંસમું થઈ ગયું—અને તે પણ કશી તબીબી સારવાર વિના!
રસીનો ડોઝ લીધા પછી લૂક હચીન્સને જે વેઠ્યું તેમજ આજે ભારત સહિત જગતના ઘણા દેશોમાં રસીકરણ પામેલા અમુક લોકો આડઅસરરૂપે જે વેઠી રહ્યા છે તેને તબીબી ભાષામાં reactogenicity/ રિએક્ટોજિનિસિટી યાને કે પ્રતિક્રિયાશીલતા કહે છે. કોઈ રસીને શરીરમાં દાખલ કર્યા પછી તેની અપેક્ષિત આડઅસરો થવી બહુ આમ વાત છે. (અહીં ‘અપેક્ષિત’ શબ્દ ખાસ ધ્યાનમાં લેવો રહ્યો.) વેક્સિનનો ડોઝ શરીરમાં તત્પુરતી બાયોલોજિકલ ધમાચકડી મચાવે તે નિયમ છે. (અહીં ‘તત્પુરતી’ શબ્દ પણ ધ્યાનમાં લેજો.) આ નિયમનું જે રસીમાં પાલન થતું હોય તે પોતાનું કાર્ય બખૂબી નિભાવતી હોવાનું કહેવાય છે.
■ ■ ■
હવે તો સૌ જાણે છે તેમ રસીનું કાર્ય શરીર પર વિષાણુનો હુમલો થાય એ પહેલાં જ રોગપ્રતિકારક તંત્રને immunity/ વ્યાધિક્ષમત્વ પ્રદાન કરવાનું છે. ફોર્માલ્ડિહાઈલ્ડ જેવા દ્રાવણમાં મૃતપ્રાય કરી દીધેલા વિષાણુને રસી રૂપે શરીરમાં દાખલ કરાય, એટલે રોગપ્રતિકારક તંત્ર રણશીંગું ફૂંકે છે. વિષાણુને મહાત કરવા માટે પ્રતિદ્રવ્યોની (એન્ટિબોડીઝની) અક્ષૌહિણી સેના બનાવવા લાગે છે. આનો ફાયદો એ કે ભવિષ્યમાં જ્યારે સાચેસાચ વિષાણુનો ચેપ લાગે ત્યારે શરીરમાં પહેલેથી જ બની ચૂકેલા પ્રતિદ્રવ્યો વિષાણુનું ડેથ વોરન્ટ બજાવવા ધસી જાય છે. જુદી રીતે કહો તો વિષાણુ (જેમ કે, કોરોના) સામે શરીર વ્યાધિક્ષમત્વ મેળવી લે છે.
આ ટૂંકી પૂર્વભૂમિકા પછી હવે જરા ઓછી જાણીતી વાતઃ કોરોના જેવા એકાદ વાઇરસની પ્રતિકારક રસી મૃતપ્રાય વિષાણુની બનેલી હોવાનું કહેવાય છે. અલબત્ત, રસીનું તે એકમાત્ર ઘટક નથી. સીવણકામમાં વપરાતી દોરાની ફરકડી આકારની શીશીમાં બીજાં ઘણાં રસાયણોનું મિશ્રણ કરેલું હોય છે. (જુઓ, બાજુનું રેખાંકન.) રસીને લાંબો સમય જાળવી રાખવાથી માંડીને તે લેતી વખતે લાગી શકનાર બેક્ટીરિઆના ચેપની રોકથામ કરતી એન્ટિબાયોટિક દવા સુધીનાં તત્ત્વો તેમાં હોય છે. આમાં સૌથી મહત્ત્વનું ઘટક એલ્યુમિનમ છે, જેને adjuvant/ એજુવન્ટ તરીકે ઉમેરવામાં આવે છે.
આ શબ્દનો સરળ અર્થ તો જાણે સહાયક એવો થાય, પણ અહીં તેને સહ-ઔષધ અથવા સહૌષધિ તરીકે લેવાનો છે. ઉત્પાદકો રસીમાં એલ્યુમિનમ ફોસ્ફેટ અથવા એલ્યુમનિમ હાઇડ્રોક્સાઇડ ચોક્કસ માત્રામાં સામેલ કરે છે. ડિપ્થેેરયા (ઘટસર્પ), ટેટનસ (ધનુર્વા), ઓરી, અછબડા વગેરે જેવી વ્યાધિની રસીમાં એલ્યુમિનમનો એક યા બીજા સ્વરૂપે ઉપયોગ થાય છે. કોરોનાની રસીઓમાં પણ ખરો. આ ઘટક શરીરમાં ગયા પછી ડેન્ડ્રિટિક કોષોને ઇન્ટરલ્યૂકિન નામનું દ્રવ્ય પેદા કરવા માટે ઉત્તેજિત કરે છે. રોગપ્રતિકારક તંત્ર વિવિધ કોષોનું બનેલું છે. ડેન્ડ્રિટિક તેમાંના એક છે. આ કોષમાં ઇન્ટરલ્યૂકિનનો સ્રાવ ઝરતાં જ એન્ટિબોડીઝ એટલે કે પ્રતિદ્રવ્યો રચાવા લાગે છે.
આખી વાતનો ટૂંકો ને સરળ સાર એ કે રસીમાં adjuvant/ એજુવન્ટ યાને સહૌષધિ તરીકે ભેળવવામાં આવેલું એલ્યુમિનમ શરીરના રોગપ્રતિકારક તંત્રને ચેતવવા માટે ‘ખતરા! ભય! ડેન્જર!’ લખેલું એવું અદૃશ્ય પાટિયું છે, જે ન હોય તો તંત્ર તત્કાળ સાબદું બનતું નથી.
આપણું રોગપ્રતિકારક તંત્ર કાર્યક્ષમ ખરું, પણ ગંભીર ખતરો ઊભો ન થાય ત્યાં સુધી હરકતમાં આવતું નથી. આ હકીકત રસી બનાવતા વિજ્ઞાનીઓ માટે બહુ મોટી સમસ્યા છે. રસી તેમણે એવી ખૂબીથી બનાવવી પડે કે જેથી શરીરમાં ડોઝ ગયા પછી રોગપ્રતિકારક તંત્ર તેને સાચેસાચ વિષાણુનો હુમલો ધારી બેસે. આમાં ઓગણીસ-વીસનો પણ તફાવત ન ચાલે. કોરોનાની ઘણી રસીઓ આજે એવા તફાવત વિના બની છે. અમુક તો ૯૦ ટકા જેટલી કારગત છે. અગર તો એવો દાવો થઈ રહ્યો છે.
■ ■ ■
કોવિડ-19 જેવી વેક્સિનને ઇન્જેક્શન મારફત શરીરમાં દાખલ કરવામાં આવે ત્યાર પછીના ઘટનાક્રમ વિશે તથા રસીના અપેક્ષિત રિએક્શનના કારણ વિશે હવે જાણીએ. વર્ણનમાં શરીરવિજ્ઞાન આવે છે, પણ તેને કડક સુખડીને બદલે નરમ લાપસી પેઠે પીરસ્યું છે.
ઇન્જેક્શનની સોય ત્વચાની આરપાર જઈ ખભાના સ્નાયુમાં પહોંચે, એટલે રસીનો બધો ડોઝ સૌ પહેલાં ત્યાં ઠલવાય છે. થોડા કલાકો પછી રસીની સહૌષધિ (જેમ કે, એલ્યુમિનમ ફોસ્ફેટ) ખતરાની ઘંટી વગાડી રોગપ્રતિકારક તંત્રના ડેન્ડ્રિટિક કોષોને ઢંઢોળે, એટલે તે કોષો ઇન્ટરલ્યૂકિનનો સ્રાવ કરીને પ્રતિદ્રવ્યોનું ઉત્પાદન આરંભે છે. આમાં કેટલાક કલાકો વીતી જાય, જે દરમ્યાન રસી લેનારને કશું અજુગતું કે અસાધારણ લાગતું નથી. પરંતુ લાંબો સમય વીત્યા પછી જ્યારે પ્રતિદ્રવ્યો બનવા લાગે ત્યારે ધમાચકડી બોલવી શરૂ થઈ શકે. યાદ કરો કે ઇન્જેક્શન મારફત રસીનું (વાંચો મૃતપ્રાય વિષાણુઓનું) પહેલું આક્રમણ ક્યાં થયેલું? ખભાના સ્નાયુઓમાં! આથી રોગપ્રતિકારક તંત્ર પહેલી મદદ ત્યાં મોકલે છે. ખભાના સ્નાયુમાં સાઇટોકાઇન્સ કહેવાતું પ્રોટીન પેદા થવા લાગે છે. સાઇટોકાઇન્સ એક પ્રકારના એન્ટિબોડીઝ (પ્રતિદ્રવ્યો) છે, જેનું કામ વિષાણુ સામે લડવાનું છે.
સાઇટોકાઇન્સ જેવું બીજું દ્રવ્ય હિસ્ટામાઈન છે. હુમલાખોર વિષાણુ સામે લડવું એ તેનું એક કાર્ય છે, તો બીજું કામ જખમ થયો હોય ત્યાં રક્તપ્રવાહ વધારી આપવાનું છે. ઇન્જેક્શનની સોય જ્યાં ભોંકાઈ હોય એ સ્નાયુમાં થયેલા જખમને બનતી ત્વરાએ રુઝાવવા માટે ત્યાં ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ વધારવો પડે. સ્નાયુની અત્યંત બારીક રક્તવાહિનીનો વ્યાસ મોટો થાય તો જ એ શક્ય બને. હિસ્ટામાઈન અહીં ચિત્રમાં આવે છે. રક્તવાહિનીઓને તે જરા ફુલાવી આપે છે. આ ફેરફારને લીધે ટૂંક સમય પછી જખમના ભાગમાં સોજો જણાય અને ત્વચા રતાશ પકડે છે.
આ છે રસીનું ઇન્જેક્શન લીધા પછી ખભા પર ઢીમણું થવા પાછળનું અસલ કારણ! પરંતુ શરીરવિજ્ઞાનના ઊંડાણમાં જઈ આવાં કારણો જાણવા-સમજવાને બદલે દોષનો ટોપલો પરબારો રસી પર નાખી દેવામાં આવે છે.
■ ■ ■
અહીંથી ચર્ચાને આગળ વધારીએ. વેક્સિનનો ડોઝ શરીરમાં દાખલ થઈ ચૂક્યો છે. એલ્યુમિનમ જેવી સહૌષધિએ રોગપ્રતિકારક તંત્ર માટે ભયનો અલાર્મ વગાડી દીધો છે અને તંત્રે પ્રતિદ્રવ્યોનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે. હવે આગામી ઘટનાક્રમઃ
માનવશરીર પર (કોરોના જેવા) વિષાણુનો હુમલો આવે ત્યારે રોગપ્રતિકારક તંત્ર એકસાથે ઘણા બધા મોરચે યુદ્ધ છેડે છે. સાઇટોકાઇન્સ જેવાં પ્રતિદ્રવ્યોનું ઉત્પાદન એક મોરચો ગણો, હિસ્ટામાઈનના સ્રાવને બીજું ક્ષેત્ર કહો, તો ત્રીજું લોહીના T-સેલ્સ નામના કોષો છે. વિષ્ાાણુને (કે પછી રસીના મૃતપ્રાય વિષાણુને) હુમલાખોર તરીકે ઓળખી કાઢી તેમના પર હલ્લો બોલાવવામાં T-સેલ્સની મોટી ભૂમિકા છે. અલબત્ત, તે ૩૯થી ૪૦ અંશ સેલ્શિઅસ જેટલા શારીરિક તાપમાને વધુ કાર્યક્ષમ રીતે ફરજ બજાવી શકે છે. બીજી તરફ મનુષ્યનું બોડી ટેમ્પ્રેચર તો ૯૮.૬ અંશ ફેરનહીટે (૩૭ અંશ સેલ્શિઅસે) જળવાયેલું રહે છે.
—તો પછી કરવું શું? સંકીર્ણ જૈવિક રચના ધરાવતા શરીર પાસે આનો તોડ ન હોય એવું બને?
T-સેલ્સ કોષો મગજના હાઈપોથેલામસને મદદની ટહેલ નાખે છે. રેફ્રિજરેટરમાં જેમ થર્મોસ્ટેટનું કાર્ય એકધારું તાપમાન જાળવી રાખવાનું છે તેમ હાઈપોથેલામસને માનવશરીરનું થર્મોસ્ટેટ ગણી લો. શરીરનું તાપમાન ૩૭ અંશ સેલ્શિઅસે રાખતી એવી જૈવિક સ્વિચ કે જે મગજમાં ફિટ કરેલી છે. શરીર પર વિષાણુ (આપણી ચર્ચા પૂરતું રસીના મૃતપ્રાય વિષાણુઓ) ત્રાટક્યાની T-સેલ્સ તરફથી વોર્નિંગ મળતાં જ હાઈપોથેલામસ બોડી ટેમ્પ્રેચર વધારવા લાગે છે. ચયાપચયની ક્રિયા ઓચિંતી ઝડપી બનાવે છે, જેથી કેલરીરૂપી ઊર્જાનું બેહદ દહન થતાં શરીરમાં ગરમાટો આવે. ગરમીની માત્રા ત્યાર પછીયે અોછી જણાય તો શરીરના સ્નાયુઓમાં કંપન વડે ગરમી પેદા કરે છે. શારીરિક તાપમાન ૩૯થી ૪૦ અંશે પહોંચે નહિ ત્યાં સુધી એ ક્રિયા એકધારી ચાલતી રહે. આખરે નિર્ધારિત તાપમાન મળતાં T-સેલ્સની સેના હરકતમાં આવે.
હવે શરીરમાં રસીના વિષાણુ વિરુદ્ધ રોગપ્રતિકારક તંત્રનું પાણીપત ખેલાવું શરૂ થયું સમજી લો. યુદ્ધ કેટલું લાંબું ચાલે તેનો આધાર જે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર રહેલો હોય એ તો સ્વાભાવિક છે. થોડા કલાકોમાં શરીર વિષાણુ સામે પ્રતિદ્રવ્યો વડે immunity/ વ્યાધિક્ષમત્વ મેળવી લે, એટલે હાઈપોથેલામસ તાપમાનનો કાંટો વળી પાછો ૩૭ અંશ સેલ્શિઅસે લાવી દે છે. સ્નાયુઓમાં ખેંચાણ અને કંપન દૂર થાય અને રસીનું ઇન્જેક્શન જ્યાં લીધું હોય એ સ્નાયુઓનો સોજો પણ નાબૂદ થાય.
આમ, રસીકરણ પછી શરીરને વરતાતી અપેક્ષિત આડઅસરો કોઈ બીમારી નથી. બલકે, કોવિડ-19 જેવી બીમારીના કારક વિષાણુને આપણા શરીરે આપેલો જવાબ છે. રસીના મૃતપ્રાય વિષાણુ પરનો વળતો હુમલો છે, જે ન થાય તો તેને ચિંતાનો વિષય ગણવો જોઈએ. રસીની અપેક્ષિત આડઅસરોને નહિ.
અગાઉ જણાવ્યું તેમ રસી મારફત શરીરમાં ઇન્જેક્ટ કરાયેલા વિષાણુ વિરુદ્ધ રોગપ્રતિકારક તંત્રનું પાણીપત કેટલું લાંબું કે ટૂંકું ચાલે તેનો આધાર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર રહેલો છે. એ જ રીતે રસીની આડઅસર કેટલી માત્રામાં તેમજ કેટલો સમય થાય તે પણ સાપેક્ષ હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિને રસીનું વધુ પડતું રિએક્શન આવે તેવું પણ બને, જેમાં મજ્જાતંતુને હાનિ પહોંચી શકે અથવા તો તબીબી ભાષામાં Anaphylaxis તરીકે ઓળખાતી એક યા બીજા પ્રકારની એલર્જી થાય. પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો વડે તારવવામાં આવેલા ડેટા મુજબ રસીકરણ બાદ એવા તીવ્ર પ્રતિઘાતના કેસ પાંચ લાખે ફક્ત ૧ હોઈ શકે છે.
અંતે એક જરૂરી ખુલાસોઃ કોરોનાની વેક્સિન લેવી કે નહિ તે અંગત પસંદગીનો વિષય છે અને હોવો જ જોઈએ. પ્રસ્તુત લેખનો આશય રસીના રિએક્શન અંગે મનમાં બંધાયેલાં બાવાંજાળાં દૂર કરવાનો માત્ર છે, જે માટે વાપરેલી લાંબી પહોંચવાળી અદૃશ્ય ‘સવારણી’નું નામ છેઃ વિજ્ઞાન!
■
© Harshal Pushkarna | www.iamgypsy.in
Source:-
https://www.gujaratsamachar.com
ટીમ
✍🏼
Limited 10 પોસ્ટ વતી
કૃષિત પટેલ
(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)
