મિત્ર માટે ઘણી વાતો સાંભળી, ઘણી વ્યાખ્યા વાંચી. આજે તેને નવી નજરથી નિહાળીએ.
” જે અત્ર, તત્ર, સર્વત્ર વર્તાય તે મિત્ર”.
તમને થશે આમાં અતિશયિક્તિ છે. મારા મંતવ્ય પ્રમાણે તે યથાર્થ છે. આજે જ્યારે મિત્ર વિષે લખવાનો વિચાર સ્ફૂર્યો ત્યારે મનમાં આંધી ઉઠી. કયા મિત્ર વિષે લખું. મારા ભારતના શાળાના મિત્રો, કોલેજકાળ દરમ્યાનના મિત્રો કે પછી આજકાલ જેમની સાથે મારો સુંદર સમય વ્યતિત થાય છે તે મિત્ર. મિત્ર માટે એક સનાતન સત્ય તારવ્યું છે.
‘જુનું તે સોનું, એ તો ચીલાચાલુ વાત થઈ. ઘણિ વ્યક્તિઓને નવા મિત્રો મળે છે ત્યારે જુનાનો ભાવ નથી પૂછતાં. મારું માનવું છે, હા નવા મિત્રો હીરા બરાબર હોય, કિંતુ હીરાને જડવા સોનાની આવશ્યક્તા છે”.
સહુ પ્રથમ ‘પતિના વેષમાં મળેલો જીગરી દોસ્ત’. જેને વિષે કંઈ પણ લખવું એટલે,’ કરના કંગન જોવા આરસીની જરૂરિયાત’ લાગે !
મ, ઇ, ત અને ર. મુંબઈના, ઈતિહાસ થઈ ગયેલા, તાજા અને રમતિયાળ. આ થઈ મિત્રની સંધિ. મુંબઈમાં વિતાવેલા બાળપણ અને શાળા દરમ્યાન થયેલા મિત્રો આજે ૬૦ વર્ષે પણ સાથ નિભાવે છે. ‘જો હું મારા મિત્રના ખોળામાં માથું મૂકીને સૂતી હોંઉને તે મારી ગરદન કાપે તો પણ હું માનું કે તેમાં મારું ભલું હશે !’ આવો ગળા સુધીનો વિશ્વાસ હોય તેને મિત્ર કહેતા ગર્વ અનુભવું છું.” શાળા અને કોલેજ દરમ્યાનની મિત્રતાની ઈમારત નિઃસ્વાર્થતાના પાયા પર ચણાઈ હતી. આજે આટલા વર્ષો પછી પણ તેની કાંકરી ખરી નથી. આવી મિત્રતા નસિબદારને મળે. જ્યારે પતિએ છેહ દીધો , ભર જુવાનીમાં સાથ ત્યજ્યો ત્યાર પછી ૨૦ વર્ષ સુધી દરરોજ ફોન ઉપર સમાચાર પૂછવા, એ આવા જીગરી મિત્ર જ કરી શકે.
‘અરે, તું અમેરિકામાં એકલી રહે છે. અંહી આવી જા આપણે સાથે આખી જીંદગી જીવીશું’ આવું વાક્ય મિત્રને મુખે સાંભળવા મળે ત્યારે એમ થાય ‘હે ઈશ્વર તારી દયા અને કરૂણાની વર્ષા ધોધમાર થઈ રહી છે’.
મિત્ર વિષે લખતા પર્વત સમાન ખડિયો અને સાગર સમાન સ્યાહી પણ ખૂટી પડશે. છતાં પણ મનોભાવ વ્યક્ત કરીશ અને તમને ખાત્રી થશે, વાતમાં દમ છે ! ઈતિહાસ બની ગયેલા મિત્રો પણ ક્યારેક યાદ આવે. તેમની સાથે વિતાવેલી જીંદગીની યાદગાર પળો આંખના ખૂણા ભીના કરવામાં સફળ થાય. તેમના હસતા ચહેરા અને જીંદગી પ્રત્યેની જીજીવિષા હ્રદયને સ્પર્શી જાય.
‘અરે, પણ તું અમેરિકા જઈને આવી કેમ થઈ ગઈ ? તારા મોઢા પરનું નૂર ઉડી ગયું.’ મિત્રની આ લાગણી શું કહી જાય છે. ભારતમાં રાજરાણી જેવુ જીવન હતું. અમેરિકા બે બાલકો સાથે આવી, પાર્ટ ટાઇમ જોબ, ઘરકામ અને કહેવાય અમેરિકા. હવે તો આ જીંદગી ગમી ગઈ છે. જુવાની વિતાવી, બુઢાપાએ ધામો નાખ્યો. લાગણી બતાવનાર એ મિત્રો ઈતિહાસના પાના પર નામ લખાવી ગયા.
તાજા મિત્રોની તો વાત જ ન પૂછશો. તેમના વિના આ જીવન નૈયા ક્યારની ડૂબી ગઈ હોત. માત્ર પાંચ મિત્રોનો પંચ કોણ છે. હમેશા મળીએ ત્યારે એમ લાગે હજુ કોલેજ જતા જુવાન છીએ. કોઈ વાતનો ઉપકાર ન ચડે. ક્યારેય મેં તારું કર્યું એવી ભાવના ન સ્પર્શે. અડધી રાતના જરૂર પડે તો પણ ફોન કરતા સંકોચ ન થાય. તેમને જરૂર હોય ત્યારે દોડી જવું.
‘અરે, તારો ફોન ન આવ્યો ? શું તું નાટક જોવા આવવાની નથી?’
મિત્રની ગાડીમાં જવાનું, પાછા આવવાનું અને ઉપરથી એ મિત્ર જ મને ફોન કરે, ‘કેમ તારો ફોન ન આવ્યો’. તેમને સહુને ખબર છે, રાતના હું એકલી નહી જાંઉં. ગાડી છે, ચલાવતા આવડે છે. છતાં રાતના સમયે એકલા જવું પસંદ નથી. ઈર્ષ્યા ન કરશો. સારા મિત્રો જરૂર મળે છે. જો તેમાં “સ્વાર્થ મુખ્ય ભાગ ન ભજવતો હોય તો”!
હવે ખરો વારો આવે છે તાજા અને રમતિયાળ મિત્રોનો. એ મિત્રો જેમ જીવનમાં પ્રાણ વાયુની જરૂર છે ,તેવા કહી શકાય. મળે એટલે બસ હસવાનું, નવી નવી વાતો સંભળાવવાની ઝુંબેશ ચાલુ થઈ જાય. વ્યક્તિ ‘ઘરડી’ ક્યારે થાય. એ પ્રશ્નનો આ જવાબ છે. જે સમયે ઉદાસી દિલમાં સ્થાયી થાય અને મુખ પરથી હાસ્ય વિદાય થાય. ત્યારે સમજવું આ વ્યક્તિ ગઈ કામથી. માત્ર મરવાને વાંકે જીવે છે. તાજા મિત્રો માત્ર જુવાન હોઈ શકે તે જરૂરી નથી.
ઘણી વખત જુવાનોના દિલમાં આળસ ઘર કરી જાય છે. જ્યારે આધેડ ઉમરના મિત્રો બધી જવાબદારીથી મુક્ત થયેલા હોય છે. તેમનું વાંચન વિશાળ હોય. અનુભવોનો અણમોલ ખજાનો હોય એવા મિત્રો જીંદગીને હમેશા તરવરાટ ભરી રાખે છે. હા, ઘણા અડિયલ, ખડૂસ જેવા મિત્રો હોઈ શકે. તેમનાથી નાતો તોડાય નહી પણ ‘ખપ પૂરતો’ જરૂર કરી શકાય.
મિત્રતા વિષે દરેકને અનુભવ થયા હોય છે. ‘જો સારો મિત્ર ન મળ્યો હોય તો તેમાં વાંક સ્વનો જ હોઈ શકે. એ હું દાવા સાથે કહું છું. મિત્રની પીઠ ફરી નથી ને તેની ખોદણી કરવી’. હવે આવી વ્યક્તિને મિત્ર ન મળે તેમા વાંક કોનો?
‘મેં એને કેટલી સહાય કરી, મેં વખત આવે પૂછ્યું તો ધડ દઈને ના પાડી દીધી.’અરે મારા મિત્ર, સંજોગ તો જો ? તેની ના પાડવા પાછળનું રહસ્ય જાણીશ ત્યારે તારો અભિપ્રાય બદલાઈ જશે.’
અતિશયોક્તિ લાગશે પણ અમુક અંશે બાળકો પણ મિત્ર હોય છે. બહેન અને ભાઈ સમજે તો મિત્ર બની શકે છે. એક વસ્તુ સદા હ્રદયમાં કોતરવી, ‘ દરેક સંબંધની મધ્યમાં ખૂબ બારિક લક્ષ્મણ રેખા હોય છે’. જેને લાંઘવાનો પ્રયત્ન કદાપિ ન કરવો. દરેક સંબંધ સ્વાર્થના પાયા પર ટકે છે એમાં થોડી અતિશયોક્તિ લાગશે ?
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877